ડ્રગ કેસમાં એક્ટર અરમાન કોહલીના જામીન નામંજૂર
- કોહલી ગયાં વર્ષના ઓગસ્ટ માસથી જેલમાં છે
મુંબઈ, તા. 15 એપ્રિલ 2022, શુક્રવાર
મુંબઈની એક અદાલતે ડ્રગ કેસમાં એક્ટર અરમાન કોહલીની જામીન અરજી ફગાવી દીધી છે.
આ કેસમાં અરમાનના એક સહ આરોપીને જામીન મળી ગયા બાદ અરમાને પણ જામીન માગ્યા હતા. તેણે દલીલ કરી હતી કે તેની સામેનો કેસ NDPS એક્ટ હેઠળ નજીવી માત્રામાં મળેલા ડ્રગનો કેસ છે એટલે તેને પણ જામીન મળવા જોઇએ.
જોકે, સ્પેશ્યલ જજ એ એ જોગલેકરે જણાવ્યું હતું કે આ કેસમાં NCB દ્વારા રજૂ થયેલી ચાર્જશીટ જોતાં જણાય છે કે અરમાન કોહલી માદક દ્રવ્યોની ગેરકાયદે હેરાફેરીમાં સહ આરોપી સાથે સંકળાયેલો હતો. વ્હોટસ એપ ચેટ્સ તથા બેન્ક વ્યવહારો પરથી પણ તેની આ હેરાફેરીને લગતી તારીખોનો તાળો મળે છે. તપાસ એજન્સી દ્વારા રજૂ કરાયેલા પુરાવા જોતાં કોહલીની સંડોવણીની અવગણના થઇ શકે તેમ નથી.
કોહલી તેના ઘરેથી પકડાયેલા ડ્રગ્સના જથ્થા તથા સંબંધિત નાણાંકીય વ્યવહારો અંગે કોઇ સંતોષકારક ખુલાસો આપી શક્યો નથી. આ ડ્રગ્સ કદાચ ઓછી માત્રામાં હોય તો પણ તેટલા માત્રથી તેને જામીન આપવાની ભૂમિકા બનતી નથી એમ જજે નોંધ્યું હતું.
કોહલી ગયાં વર્ષના ઓગસ્ટ માસથી જેલમાં છે.
Comments
Post a Comment