વધામણીના ઉઘરાણા ઉપરાંત બાકી ટેક્સની વસૂલાત માટે હવે આ શહેરમાં પણ ઘરે-ઘરે જશે કિન્નર!
- અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ આ પ્રકારની કામગીરી થઈ રહી છે
ગોરખપુર, તા. 24 એપ્રિલ 2022, રવિવાર
સામાન્ય રીતે વારે-તહેવારે કે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે કિન્નર સમાજના લોકો વધામણીના રૂપિયા ઉઘરાવી જતા હોય છે. જોકે, ગોરખપુર નગર નિગમ ખાતે હવે કિન્નર દ્વારા ટેક્સની વસૂલાત કરવામાં આવશે. ગોરખપુર નગર નિગમ બાકી ટેક્સની વસૂલાત માટે આ પ્રકારનો નવતર પ્રયોગ અપનાવવા જઈ રહ્યું છે. આ અંગેની શરૂઆત માટે મહામંડલેશ્વર કનકેશ્વરી નંદગિરીને નગર નિગમ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જાણવા મળ્યા મુજબ માત્ર થર્ડ જેન્ડર માટે 10 ભરતીઓ શરૂ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અવિનાશ સિંહના નિર્દેશ બાદ આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરકારની સૌને સન્માન અને અધિકાર આપવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને ગોરખપુર નગર નિગમે થર્ડ જેન્ડરને પણ તક આપી છે અને આ માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત મોડલના પગલે ગોરખપુરમાં પણ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
થર્ડ જેન્ડરની અલગ ટીમ
હવેથી થર્ડ જેન્ડરની એક અલગ ટીમ બનશે. મ્યુનિસિપલ કમિશનર અવિનાશના કહેવા પ્રમાણે હવેથી 10 થર્ડ જેન્ડર્સને નગર નિગમના બાકી ટેક્સની વસૂલાત સહિતના તમામ કાર્યોની જવાબદારી સોંપવામાં આવશે. અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ આ પ્રકારની કામગીરી થઈ રહી છે.
Comments
Post a Comment