મંદિર-મસ્જિદના મોટા લાઉડ સ્પીકર ઉતારી લેવા યોગીનો આદેશ


- ઉત્તર પ્રદેશમાં 17000થી વધુ ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરી દેવાતા આસપાસના રહીશોને રાહત

- હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી, 125 સ્થળોએથી લાઉડસ્પીકરો હટાવવામાં આવ્યા : પોલીસે 37000 ધર્મગુરુઓ સાથે વાતચીત કરી

- શાંતિ જાળવવા ગોરખનાથ મંદિરે લાઉડસ્પીકર ધીમા કરાયા, શ્રી કૃષ્ણ જન્મભૂમિએથી લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા

- 31000 સ્થળોએ અલવિદાની નમાઝ અદા થશે : સુરક્ષા માટે અર્ધસૈન્ય દળ તૈનાત

લખનઉ : કેટલાક રાજ્યોમાં હાલ મંદિર અને મસ્જિદમાં લાઉડ સ્પીકરના ઉપયોગને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હવે ઉત્તર પ્રદેશ પણ સામેલ થઇ ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે મંદિર હોય કે મસ્જિદ લાઉડ સ્પીકરનો ઉપયોગ નિશ્ચિત અવાજની મર્યાદાથી વધુ નહીં કરી શકાય. જો આ આદેશનું ઉલ્લંઘન થાય તો લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવે. જે લોકો નિયમો તોડી રહ્યા છે તેમના સ્થળેથી લાઉડ સ્પીકર હટાવવામાં આવી રહ્યા છે. યોગી આદિત્યનાથના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં આશરે ૧૭૦૦૦ સ્થળોએ લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરી દેવામાં આવ્યો છે. લોકોએ સામે ચાલીને આ આદેશનું પાલન કર્યું છે. 

જોકે પોલીસ દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગને લઇને નોટિસ પણ મોકલવામાં આવી હતી. સરકારની કાર્યવાહી દરમિયાન ૧૨૫ સ્થળોએ લાઉડ સ્પીકરોને ઉતારી લેવામાં આવ્યા છે કેમ કે તેઓએ આદેશ છતા નિયમોનો ભંગ કર્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યની હાઇકોર્ટ દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જે આદેશ જારી થયા તેનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં એક ચોક્કસ મર્યાદાથી ઉંચા અવાજ પર લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરી શકાય. 

એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ૧૨૫ લાઉડ સ્પીકરોને ઉતારી લેવાયા છે. ૧૭ હજાર સ્થળોએ લોકોએ ખુદ સામે ચાલીને અવાજ ધીમો કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે આ કાર્યવાહીમાં અમે ધર્મગુરુઓને પણ સાથે રાખ્યા છે. આશરે ૩૭૦૦૦ ધર્મગુરુઓ, મૌલવીઓની સાથે વાતચીત કરી છે. ૩૧ હજાર સ્થળોએ અલવિદાની નમાઝ અદા કરવામાં આવનારી છે. આ ઉપરાંત ૭૫૦૦ ઇદગાહ અને ૨૦ હજાર મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૪૮ કંપનીઓ પીએસી, ૭ કંપની કેંદ્રીય અર્ધસૈન્ય દળની તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ જિલ્લાઓમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. દરેક જિલ્લામાં સૈન્યને અલવિદાની નમાઝ સમયે કડક સુરક્ષા પુરી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે. 

દેશમાં સાંપ્રદાયિક્તાનું ઉદાહરણ આપતા હાલમાં જ શ્રી કૃષ્ણ જન્મભુમિ પરથી લાઉડસ્પીકર હટાવી લેવામાં આવ્યા હતા. 

આ મંદિરના પરિસરમાં સ્થિત ભાગવત ભવનના શિખર પરથી લાઉડસ્પીકર ઉતારી લેવાયા હતા. આ લાઉડસ્પીકર પર દરરોજ સવારે મંગલાચરણ અને વિષ્ણુ સહસ્ત્રનામ વગાડવામાં આવતા હતા. તેનાથી જ દિવસની શરૂઆત થતી હતી. હવે તેને રોકી લેવામાં આવ્યા છે. ગોરખનાથ મંદિરમાં પણ લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરી દેવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથે આદેશ આપ્યો હતો કે અનુમતી વગર ધાર્મિક આયોજનો અને જુલુસ માટે અનુમતી લેવાની રહેશે.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો