ભાગેડુ માલ્યા-નીરવ મોદી ભારતને સોંપી દેવા બ્રિટન તૈયાર


નવી દિલ્હી, તા.૨૨
ભારતના બે દિવસના પ્રવાસ પર આવેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારતના ભાગેડુ આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદીને વહેલી તકે ભારતને સોંપવા તૈયારી દર્શાવી છે. આ સાથે તેમણે બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોની પણ ઝાટકણી કાઢતાં કહ્યું કે, બ્રિટનમાં અન્ય દેશોને નિશાન બનાવનારા કટ્ટરપંથી જૂથોને સાંખી નહીં લેવાય. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં બોરીસ જ્હોન્સને યુક્રેનમાં રશિયાના યુદ્ધ, ભારત-બ્રિટન વચ્ચે સંરક્ષણ અને વ્યાપારિક સોદાઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વર્ષના અંત સુધીમાં બ્રિટન સાથે ફ્રિ ટ્રેડ કરાર પૂર્ણ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિ-પક્ષીય ચર્ચા પછી બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું કે ભારત-બ્રિટનની ભાગીદારી નવા સ્તરે પહોંચે તેવી સંભાવના છે. જ્હોન્સન અને મોદી વચ્ચે શુક્રવારે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન ભારત-બ્રિટન વચ્ચે અનેક મહત્વના કરારો પર સંમતી સધાઈ હતી. બ્રિટિશ પીએમ જ્હોન્સને ભારતના ભાગેડૂ આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદી અંગે સ્પષ્ટપણે કહ્યું કે, પોતે બંનેને ભારતને સોંપી દેવા માગે છે, પરંતુ તેમાં કેટલીક કાયદાકીય ગૂંચો છે. તેમણે ઉમેર્યું કે, કાયદાથી બચવા માટે અમારા દેશમાં આવતા લોકોનું અમે ક્યારેય સ્વાગત કરવા માગતા નથી. આ જ શ્રેણીમાં તેમણે બ્રિટનમાં સક્રિય થયેલા કેટલાક ખાલીસ્તાની સંગઠનો અંગે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે તેમના તરફથી એન્ટી ટેરરિસ્ટ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે અને આવા તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરાશે.
બ્રિટિશ વડાપ્રધાન જ્હોન્સને ભારપૂર્વક કહ્યું કે, વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાતને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં નિર્માણ વધારવા સાથે જોડવામાં આવે છે. પીએમ જ્હોન્સને કહ્યું કે, બ્રિટન અમલદારશાહીને ઘટાડવા અને સંરક્ષણ સાધનોની ખરીદી માટે ડિલિવરીનો સમય ઘટાડવા એક ભારત વિશિષ્ટ ખુલ્લું સામાન્ય નિકાસ લાઈસન્સ બનાવી રહ્યું છે. ભારત અને બ્રિટને વૈકલ્પિક ઊર્જા અંગે પણ ચર્ચા કરી હતી. બ્રિટિશ વડાપ્રધાન જ્હોન્સને વડાપ્રધાન મોદી સાથે આપેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે ભારત અને બ્રિટન એક વર્ચ્યુઅલ હાઈડ્રોજન સાયન્સ એન્ડ ઈનોવેશન હબ પણ બનાવશે, જેમાં અફોર્ડેબલ ગ્રીન હાઈડ્રોજનને પ્રોત્સાહન અપાશે. સાથે જ સીઓપી-૨૬માં જાહેર કરાયેલ ગ્રીન ગ્રીડ્સ માટે નવું ફન્ડિંગ અપાશે.
જ્હોન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ખાસ મિત્ર ગણાવ્યા. જ્હોન્સને તેમના બે દિવસનો પ્રવાસ ગુરુવારે ગુજરાતથી શરૂ કર્યો હતો, જ્યાં ઠેર-ઠેર તેમના પોસ્ટરો લાગેલા હોવાથી તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે, આ પોસ્ટરો જોઈને તેમને પોતે અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર જેવા હોવાની અનુભૂતી થઈ હતી.
બ્રિટિશ વડાપ્રધાન જ્હોન્સન સાથેની મુલાકાત પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના ભારત પ્રવાસો ઐતિહાસિક છે. ગયા વર્ષે અમે બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના કરી હતી. હવે અમે વર્ષના અંત સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર)ના સમાપનની દિશામાં પૂરો પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને યુએઈની જેમ અમે બ્રિટન સાથે પણ એફટીએ પર આગળ વધવા માગીએ છીએ. મોદીએ મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમ આધારિત આદેશ પર આધારિત ભારત-પ્રશાંત સમુદ્ર પહેલ સાથે જોડાવાના બ્રિટનના નિર્ણયને આવકાર્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો