પૂર્વોત્તરમાં પહેલા બોમ્બ-ગોળીબારના અવાજ આવતા, હવે તાળીઓ ગૂંજે છે : મોદી
દીપ્હુ, તા.૨૮
પૂર્વોત્તરના રાજ્યોમાં એક સમયે બોમ્બ અને ગોળીબારના અવાજો સંભળાતા હતા, પરંતુ હવે અહીં તાળીઓનો અવાજ ગુંજે છે. આ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવતાં અનેક વિસ્તારોમાંથી આફસ્પા હટાવાયો છે અને અન્ય વિસ્તારોમાંથી હટાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'શાંતિ, એકતા અને વિકાસ' રેલીને સંબોધન કરતા કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આસામના દીપ્હુથી એક રેલીને સંબોધન કરતા કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારના પ્રભાવથી આસામમાં સ્થાયી શાંતિ અને ઝડપી ગતિએ વિકાસ થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આફસ્પા હેઠળ આવતા અસરગ્રસ્ત વિસ્તારોને દાયકાઓ પછી ૧લી એપ્રિલથી ઘટાડવાની જાહેરાત કરી હતી. સરકારે આસામના કાર્બી, આંગલોંગ અને ત્રિપુરામાં શાંતિ સમજૂતીઓ કરી છે જ્યારે સંપૂર્ણ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ લાવવા અને ઝડપી ગતિએ વિકાસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગૃહમંત્રાલયે જણાવ્યું હતુ ંકે, પૂર્વોત્તરના રાજ્યોમાં છેલ્લા આઠ વર્ષમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં ૮૦ ટકા જ્યારે સલામતી દળોના જવાનોની શહીદીમાં ૭૫ ટકા તથા નાગરિકોનાં મોતમાં ૯૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગૃહમંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ પૂર્વોત્તરના રાજ્યોમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૦ના સમયમાં સલામતીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ૨૦૨૦માં ઘૂસણખોરી કે સલામતી દળો પર હુમલાની સૌથી ઓછી ઘટના નોંધાઈ છે.
આ સાથે વડાપ્રધાન મોદીએ કાર્બી આંગલોંગમાં પશુ ચિકિત્સા વિજ્ઞાાન અને કૃષિ કોલેજો તથા એક મોડેલ સરકારી કોલેજનો શિલાન્યાસ કર્યો હતો. વધુમાં વડાપ્રધાને ૬ કેન્સર હોસ્પિટલોનું ઉદ્ધાટન પણ કર્યું હતું. મોદીએ કહ્યું કે, પૂર્વોત્તરમાં કેન્સર મોટી સમસ્યા છે. કેન્સરની સૌથી વધુ ગંભીર અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર થાય છે.
Comments
Post a Comment