ફ્રાંસઃ ઈમૈનુએલ મૈક્રોં સતત બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, મરીન લે પેનની હાર
- મૈક્રોં 20 વર્ષોમાં ફરી ચૂંટાનારા પ્રથમ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ છે
- મૈક્રોંના વિજય બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી
પેરિસ, તા. 25 એપ્રિલ 2022, સોમવાર
ફ્રાંસના વર્તમાન રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજયી બન્યા છે અને તેમને 58.2 ટકા મત મળ્યા છે. મૈક્રોંએ મરીન લે પેનને હરાવીને સતત બીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. પ્રાથમિક અનુમાનમાં મૈક્રોંને આશરે 57-58% મત મળશે તેમ જણાઈ રહ્યું હતું. આ પ્રકારના અનુમાન સામાન્ય રીતે ચોક્કસ જ હોય છે.
મૈક્રોંના વિજય બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી. ચૈંપ ડે માર્સ પાર્કમાં લગાવવામાં આવેલી એક વિશાળ સ્ક્રીન પર અંતિમ રિઝલ્ટ જાહેર થયું તે સાથે જ તેમના સમર્થકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ ફ્રેન્ચ અને યુરોપીય સંઘના ઝંડા લહેરાવીને ઉજવણી કરી હતી.
બ્રિટનના વડાપ્રધાને પાઠવી શુભેચ્છા
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ટ્વિટ કરીને મૈક્રોંને અંગ્રેજી અને ફ્રેન્ચમાં શુભેચ્છા પાઠવી હતી. જોનસને ટ્વિટમાં લખ્યું હતું કે, ફ્રાંસના રાષ્ટ્રપતિ તરીકે તમે ફરી ચૂંટાયા તે માટે શુભેચ્છાઓ. ફ્રાંસ અમારા સૌથી નજીકના અને સૌથી મહત્વપૂર્ણ સહયોગિઓમાંથી એક છે. અમારા દેશ અને વિશ્વ માટે સૌથી વધારે મહત્વ ધરાવતા હોય તેવા મુદ્દે મળીને કામ કરવા માટે હું તત્પર છું.
તે સિવાય ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રૈગી, યુરોપીય નેતાઓના એક સમૂહ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વગેરે અનેક મહાનુભવોએ મૈક્રોંને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.
ચૂંટણી જીત્યા બાદ મૈક્રોંએ કહ્યું હતું કે, કોઈને પણ રસ્તાના કિનારે નહીં છોડવામાં આવે. આપણી પાસે કરવા માટે ઘણું બધું છે અને યુક્રેનનું યુદ્ધ આપણને યાદ અપાવે છે કે, આપણે દુખદ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં ફ્રાંસે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, મૈક્રોં 20 વર્ષોમાં ફરી ચૂંટાનારા પ્રથમ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ છે. આ વખતની ફ્રાંસની ચૂંટણીમાં સ્વાસ્થ્ય, મોંઘવારી, આવક સહિતની માળખાગત બાબતો પ્રાથમિકતામાં હતી.
Comments
Post a Comment