દેશમાં વીજળીનો વપરાશ વધીને ઓલટાઈમ હાઈ ૨,૦૭,૧૧૧ મેગાવોટ થયો
દેશભરમાં વીજળીની ભારે અછત સર્જાઈ ગઈ છે. કેટલાય રાજ્યોમાં કલાકોનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. એ દરમિયાન કેન્દ્ર સરકારના આંકડાં જાહેર થયા હતા. એ પ્રમાણે દેશમાં વીજળીની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ થઈને ૨,૦૭,૧૧૧ મેગાવોટે પહોંચી ચૂકી છે. આકરી ગરમી વચ્ચે દેશભરમાં વીજળીની માગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે.
કેન્દ્ર સરકારના આંકડાં પ્રમાણે વીજળીની માગમાં ભારે ઉછાળો આવ્યો છે. પહેલી વખત વીજળીની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ થઈ ગઈ હતી. શુક્રવારે બપોર સુધીમાં ૨,૦૭,૧૧૧ મેગાવોટ વીજળીનો ખપ પડયો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે દેશના પાવર પ્લાન્ટ્સ પાસે ૨.૨ કરોડ ટનનો કોલસાનો જથ્થો છે. ત્યાં સુધીમાં બીજો જથ્થો પહોંચાડી દેવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે.
દિલ્હી : દિલ્હીની સરકારે કેન્દ્ર સરકારને વીજળીની માગણી કરતો પત્ર લખ્યો છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હી સચિવાલયમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી. દિલ્હીને વીજળી પૂરી પાડતા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના બંને પાવર પ્લાન્ટસમાં કોલસાની અછત સર્જાઈ છે.
હરિયાણા : રાજ્યના વીજળી મંત્રીએ કહ્યું હતું કે હરિયાણા તેની વીજળીની જરૃરિયાતને પહોંચી વળવા ખાનગી કંપનીઓ પાસેથી ૧૪૦૦ મેગાવોટ વીજળી ખરીદશે. તે ઉપરાંત છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પાસેથી પણ વીજળી ખરીદવામાં આવશે. એક સપ્તાહમાં વીજળીની કટોકટી ઓછી થઈ જશે એવું આશ્વાસન તેમણે આપ્યું હતું.
ઉત્તરપ્રદેશ : રાજ્યમાં એપ્રિલ માસ દરમિયાન ૩૮ વર્ષમાં સૌથી વધુ વીજળીની જરૃરિયાત પડી હતી. રાજ્યના પાવર પ્લાન્ટ્સમાં ૨૬ ટકા જ કોલસો બચ્યો છે. યુપી સ્ટેટ વિદ્યુત નિગમ પાસે કોલસાનો જથ્થો ન હોવાથી વીજકાપ મૂકવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦-૧૦ કલાકનો વીજકાપ મૂકાય છે.
બિહાર : રાજ્યના વીજળી મંત્રી વિજેન્દ્ર પ્રસાદ યાદવે કહ્યું હતું કે એક-બે દિવસમાં એક હજાર મેગાવોટની જરૃરિયાતને પહોંચી વળાશે. વીજળીની અછત બાબતે કેન્દ્ર સરકાર સાથે વાતચીત થઈ છે અને ટૂંક સમયમાં વીજળીની અછત દૂર થાય તેવા પ્રયાસો રાજ્ય અને કેન્દ્ર સરકાર કરશે. કોલસાની અછત પણ દૂર થશે.
ઝારખંડ : રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ૩થી ૪ કલાકનો ફરજિયાત વીજકાપ મૂકાયો છે. વીજળી ગૂલ રહેતી હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે રાજ્ય સરકારે પાવર પ્લાન્ટ્સમાં કોલસાની જરૃરિયાતને પહોંચી વળવાના પ્રયાસો શરૃ કર્યા છે. રાંચીમાં કલાકો સુધી વીજકાપ મૂકાતો હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે.
પંજાબ : મુખ્યમંત્રી ભગવંત માને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં વીજળીની અછતને દૂર કરાશે. પંજાબની સરકારે કેન્દ્ર સરકારે રજૂઆત કરી છે અને વીજળીનો પૂરતો જથ્થો મળે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. અગાઉ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહ સાથે બેઠક કરીને વીજળીની કટોકટી દૂર કરવાની રજૂઆત કરી હતી.
ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં ૧.૫ કરોડ યુનિટની જરૃરિયાત સામે માત્ર ૫૦ લાખ યુનિટ વીજળી ઉપલબ્ધ છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. વીજ કટોકટીના મુદ્દે કોંગ્રેસે રાજ્યમાં દેખાવો શરૃ કર્યા છે.
મહારાષ્ટ્ર : રાજ્યને ૨૫ હજાર મેગાવોટ વીજળીની જરૃરિયાત છે, તેની સામે ૨૧ હજાર મેગાવોટ વીજળી મળે છે. તે સિવાયની વીજળી મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવા સરકારી અધિકારીઓએ બેઠકો યોજી હતી. રાજ્યના ઉર્જા મંત્રી નીતીન રાઉતે લોકોને વીજળીની કરકસર કરવાની અપીલ કરી છે.
Comments
Post a Comment