દેશમાં વીજળીની કટોકટી ઘેરી બનતા ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્




દેશભરમાં એક તરફ આકરો તાપ વરસી રહ્યો છે. તાપમાનનો પારો સતત ઊંચેને ઉંચે ચડી રહ્યો છે. બીજી તરફ કોલસાની અછત સર્જાતા વીજળીની કટોકટી ઘેરી બની છે. કોલસો ભરીને દેશભરમાં દોડતી માલગાડીઓને પ્રાથમિકતા મળે તે માટે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો હતો અને ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી હતી. ઈમરજન્સી રૃટ બનાવીને માલગાડીઓ મારફતે અછતગ્રસ્ત વિસ્તારોમાં કોલસો મોકલવામાં આવશે. કાળઝાળ ગરમી વચ્ચે ૧૦-૧૦ કલાકનો વીજકાપ મૂકાતા લોકો પરેશાન થઈ ગયા છે.
સમગ્ર દેશમાં ગરમીનો હાહાકાર મચ્યો છે. કાળઝાળ તાપના કારણે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કોલસાની અછત સર્જાવાથી વીજળીની કટોકટી પણ ઘેરી બની છે. આ સ્થિતિ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા છે. કોલસાની અછતનો સામનો કરતા રાજ્યોને તુરંત કોલસો મળે તે માટે સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્ કરીને માલગાડીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તંગી સર્જાઈ ગઈ છે. કેટલાય થર્મલ પાવર સ્ટેશનોમાં તો માત્ર ૫થી ૧૦ ટકા જ કોલસો બચ્યો છે. ગણતરીના દિવસોમાં એ કોલસો વપરાય જશે. આ થર્મલ સ્ટેશને કોલસાની સપ્લાય કરવા માટે માલગાડીઓને પ્રાથમિકતા અપાશે.
સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. તે સિવાય કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતના થર્મલ સ્ટેશનોને પણ કોલસો પ્રાથમિકતાથી અપાશે. દેશના ૧૩ રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ છે. આકરા તાપના કારણે વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. અચાનક વીજળીની ખપત વધી હોવાથી કોલસો પણ વધુ વપરાવા લાગ્યો છે. તેના કારણે ભરઉનાળામાં કોલસાની અછત સામે આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦-૧૦ કલાકનો વીજકાપ ઝીંકાઈ રહ્યો છે. તેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેન્દ્ર સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી તે નિર્ણયનો ઘણાં લોકો વિરોધ કરી રહ્યા છે. રેલવે મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે ઘણાં રાજ્યોમાં ટ્રેનો રદ્ થતાં વિરોધ થયો છે, પરંતુ અત્યારે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સરકારની પ્રાથમિકતા થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની અછત ન સર્જાય તે જોવાની છે. સ્થિતિ યથાવત થશે કે તરત પેસેન્જર ટ્રેનો નિયમિત થઈ જશે. અત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલેલી માલગાડીઓ રસ્તામાં છે અને તેને પ્રાથમિકતા મળે તે ખૂબ જ અગત્યનું છે એવું અધિકારીઓએ જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો