કથિત મજાર તોડીને હનુમાનની પ્રતિમા સ્થાપવાના વીડિયો મામલે પોલીસે લીધું સંજ્ઞાન
- બિલ્ડિંગનો માલિક અને હનુમાનની પ્રતિમા સ્થાપિત કરનારા, બંને હિન્દુ સમુદાયના, ત્યાં મંદિરના ઉદ્ઘાટનનો પથ્થર પણ લાગેલો છે
ભીવાની, તા. 18 એપ્રિલ 2022, સોમવાર
દિલ્હી અને ઉત્તર પ્રદેશ બાદ હરિયાણાના ભીવાની ખાતે સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો પ્રયત્ન થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યાં એક ભવનમાં તોડફોડ કર્યા બાદ હનુમાનની પ્રતિમા સ્થાપિત કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં મજાર તોડવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયો ત્યાર બાદ પોલીસે તે મામલે સંજ્ઞાન લીધું છે.
જાણવા મળ્યા મુજબ આ ઘટના ઢાણા રોડની છે. હનુમાન જયંતીના રોજ બજરંગ દળના કેટલાક યુવાનો એક સ્થાન પર પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ કરીને હનુમાનની પ્રતિમા સ્થાપિત કરી દીધી હતી. યુવકો દ્વારા આ અંગેનો એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જગ્યાએ હનુમાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી તે જગ્યા મજાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જોકે, બીજી બાજું તે જગ્યાએ પહેલેથી જ મંદિરનો શિલાલેખ લાગેલો છે. હવે તે જગ્યાએ મંદિર હતું કે મજાર તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ભીવાનીના SP અજીત સિંહ શેખાવતે જણાવ્યું કે, તેમને ડાયલ 112 દ્વારા આ અંગેની સૂચના મળી હતી. વધુમાં જણાવ્યું કે, બિલ્ડિંગનો માલિક અને હનુમાનની પ્રતિમા સ્થાપિત કરનારા, બંને હિન્દુ સમુદાયના છે. ત્યાં મંદિરના ઉદ્ઘાટનનો પથ્થર પણ લાગેલો છે.
ભીવાનીના SPએ જણાવ્યું કે, તે મંદિર છે કે મજાર તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ આ મામલે એલર્ટ છે અને આ કેસની તમામ પાસાઓને આવરીને તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હનુમાન જયંતીના રોજ દિલ્હીના જહાંગીરપુરી ખાતે હિંસા ભડકી ઉઠી હતી. ઉપદ્રવી તત્વોએ વાહનોમાં તોડફોડ કરવાની સાથે આગજની કરી હતી. તે જ દિવસે ભીવાની ખાતે બનેલી આ ઘટના અને મજાર તોડવામાં આવી હોવાના કથિત દાવાને લઈ પોલીસ એલર્ટ મોડમાં છે.
Comments
Post a Comment