અંતે મસ્ક ટ્વિટરના માલિક, ટેસ્લા ચીફે ૪૪ અબજ ડોલરમાં કંપની ખરીદી


ન્યૂયોર્ક, તા.૨૬
દુનિયાના સૌથી મોટા ધનકૂબેર અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક હવે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરના માલિક બની ગયા છે. મસ્કે ટ્વિટરને ખરીદવા માટે ૪૪ અબજ ડોલર (અંદાજે ૩.૩૦ લાખ કરોડ રૂપિયા)ની ડીલ પૂરી કરી છે. આ સંપૂર્ણ સોદો રોકડમાં થશે. ટ્વિટરનું સંપૂર્ણ નિયંત્રણ મસ્કના હાથમાં આવતાં ૨૦૧૩થી પબ્લિક કંપની તરીકે ટ્વિટરની સફરનો અંત આવશે અને તે પ્રાઈવેટ કંપની બની જશે. ટ્વિટર ખરીદ્યા પછી પોતાની પહેલી ટ્વીટમાં મસ્કે લખ્યું, અભિવ્યક્તિની આઝાદી લોકતંત્રનો આધાર છે અને ટ્વિટર ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થતી રહે છે.
ટ્વિટરના બોર્ડે ઈલોન મસ્કની પ્રતિ શૅર ૫૪.૨૦ ડોલરના મૂલ્યથી કંપનીના અધિગ્રહણની ઓફર સોમવારે મોડી રાતે સ્વીકારી લીધી હતી. મસ્ક પાસે અગાઉ ટ્વિટરના ૯.૨ ટકા શૅર હતા. આ ડીલ સાથે તેમની પાસે કંપનીની ૧૦૦ ટકા હિસ્સેદારી હશે. ટ્વિટરના બધા શૅરધારકોને પ્રત્યેક શૅરના બદલામાં ૫૪.૨૦ ડોલર રોકડ મળશે.
ટ્વિટર સાથેની ડીલને અંતિમ મંજૂરી મળી ગયા પછી ઈલોન મસ્કે તેમની સૌપ્રથમ ટ્વીટમાં કહ્યું કે હું હંમેશા ફ્રી સ્પીચનો સમર્થક રહ્યો છું. મને આશા છે કે મારા સૌથી મોટા ટીકાકારો ટ્વિટર પર જળવાઈ રહેશે. મેં ટ્વિટરમાં એટલા માટે રોકાણ કર્યું છે, કારણ કે તેમાં આખી દુનિયામાં ફ્રી સ્પીચનું પ્લેટફોર્મ પૂરું પાડવાની ક્ષમતા છે. મારું માનવું છે કે કોઈપણ લોકતાંત્રિક સમાજ માટે ફ્રી સ્પીચનું પ્લેટફોર્મ હોવું ખૂબ જ જરૂરી છે. ટ્વીટરમાં અસાધારણ ક્ષમતા છે અને હું તેને અનલોક કરીશ.
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના દુનિયાભરમાં ૨૧.૭ કરોડ એક્ટિવ યુઝર્સ છે, તેમાં સૌથી વધુ ૭.૭ કરોડ અમેરિકામાં છે, બીજા નંબરે જાપાનમાં ૫.૮ કરોડ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને ૨.૪ કરોડ યુઝર્સ સાથે ભારત ત્રીજા નંબરે છે.
એલન મસ્કના જણાવ્યા મુજબ હવે દરેક યુઝરનું એકાઉન્ટ વાદળી ટીકવાળું થઈ જશે. આ પ્લેટફોર્મ પરથી સ્પામ બોટ્સ પણ હટાવી દેવાશે. આ પ્લેટફોર્મ પર દરેક યુઝરને ઓથેન્ટિકેટ કરાશે. આ પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં એડિટ બટન પણ હશે. તેનો આશય કોઈપણ ટ્વિટમાં થનારી ભૂલો સુધારવાનો છે. તેઓ અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસ વધારવા માગે છે.
દરમિયાન ટ્વિટર ખરીદતા જ ઈલોન મસ્ક અને ટ્વિટરના બોર્ડ તથા કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્ચેનો ખટરાગ સામે ઊભરીને આવ્યો છે. મસ્કે ૧૪ એપ્રિલે સિક્યોરિટી ફાઇલિંગમાં કહ્યું હતું કે તેમને ટ્વિટરના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી. રિસર્ચ કંપની ઇક્વિલરને ટાંકીને એક અહેવાલ મુજબ મસ્કની ગુડબુકમાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલનું નામ નથી તેથી તેમની હકાલપટ્ટી લગભગ નિશ્ચિત છે.
ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર અગ્રવાલને નવેમ્બર ૨૦૨૧માં જ સોશિયલ મીડિયા જાયન્ટના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. પરાગ છેલ્લા ૧૦ વર્ષથી ટ્વિટર સાથે જોડાયેલા છે. ટ્વિટર મુજબ ૨૦૨૧માં તેમનું કુલ વળતર ૩.૦૪ કરોડ ડોલર હતું, જેમાં મોટાભાગે સ્ટોક એવોર્ડ્સનો સમાવેશ થતો હતો.
મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી પરાગે એક નિવેદનમાં કહ્યું કે ટ્વિટર સમગ્ર વિશ્વમાં સંબંધિત અને અસરકારક માધ્યમ છે. મને મારી ટીમ પર ગર્વ છે. પરાગે એક ટ્વિટમાં પોતાની ટીમના કામના વખાણ પણ કર્યા છે અને એક પત્રમાં ટ્વિટરના કર્મચારીઓને કહ્યું કે ઈલોન મસ્કના નેજા હેઠળ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરનું ભવિષ્ય અંધકારમય છે. આ પત્ર અને અન્ય પ્રતિક્રિયા બાદ તેમના ટ્વિટર છોડવાની અટકળો શરૂ થઈ ગઈ છે.
જોકે, ઈલોન મસ્ક પરાગ અગ્રવાલને બરતરફ કરશે તો તેમના માટે આ સોદો વધુ મોંઘો સાબિત થઈ શકે છે. અહેવાલ અનુસાર ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલને સોશિયલ મીડિયા કંપનીની કમાન સંભાળ્યાના ૧૨ મહિનાની અંદર બરતરફ કરવામાં આવે છે તો કંપનીએ તેમને ૪.૨ કરોડ ડોલર એટલે કે ૩૨૦ કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમ ચૂકવવી પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો