18 વર્ષીય ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વા દીનદયાલનનું માર્ગ અકસ્માતમાં મોત


- 83મી સિનિયર નેશનલ અને ઈન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તેના 3 અન્ય સાથી ખેલાડીઓ સાથે ગુવાહાટીથી શિલાંગ જઈ રહ્યા હતા

ચેન્નાઈ, તા. 18 એપ્રિલ 2022, સોમવાર

તમિલનાડુના 18 વર્ષીય ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વા દીનદયાલનું રવિવારે ટેક્સી દ્વારા ગુવાહાટીથી શિલાંગ જતી વખતે માર્ગ અકસ્માતમાં મૃત્યું થઈ ગયું છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)એ એક નિવેદન બહાર પાડીને આ યુવા ખેલાડીના કમનસીબ મૃત્યુની પુષ્ટિ કરી છે. તેઓ આજથી શરૂ થયેલી 83મી સિનિયર નેશનલ અને ઈન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તેના 3 અન્ય સાથી ખેલાડીઓ સાથે ગુવાહાટીથી શિલાંગ જઈ રહ્યા હતા. વિશ્વા સાથે મુસાફરી કરી રહેલા રમેશ સંતોષ કુમાર, અવિનાશ પ્રસન્નાજી શ્રીનિવાસન અને કિશોર કુમારને પણ માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમનો ઈલાજ કરી રહેલા ડોક્ટર્સે ત્રણેયની સ્થિતિ સ્થિર જણાવી છે. 

ટીટીએફઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા 12 પૈડાવાળા ટ્રેલરે ટેક્સીને ટક્કર મારી હતી અને ઉમલી ચેકપોસ્ટ પછી શાંગબાંગલા ખાતે રોડ ડિવાઈડર સાથે અથડાઈને ખીણમાં પડી ગઈ હતી. ટેક્સી ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે વિશ્વાને નોર્થ ઈસ્ટર્ન ઈન્દિરા ગાંધી રિજનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સીનિયર નેશનલ એન્ડ ઈન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના આયોજકોએ મેઘાલય સરકારની મદદથી વિશ્વા અને તેના 3 સાથીઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 

વિશ્વ દીનદયાલ ભારતના એક ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી હતા. આટલી નાની ઉંમરમાં જ અનેક રાષ્ટ્રીય રેન્કિંગ ટાઈટલ અને આંતરરાષ્ટ્રીય મેડલ તેમના નામે નોંધાય ચૂક્યા છે. તેમણે કેડેટ અને સબ-જુનિયર કેટેગરીમાં અનેક રાષ્ટ્રીય ખિતાબ પણ જીત્યા હતા. આ હોનહાર ખેલાડી ઓસ્ટ્રિયાના લિન્ઝમાં 27 એપ્રિલથી શરૂ થનારી WTT યુથ કન્ટેન્ડર્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના હતા. વિશ્વાએ અન્ના નગરમાં કૃષ્ણસ્વામી ટીટી ક્લબમાં તાલીમ લીધી હતી. રામનાથ પ્રસાદ અને જય પ્રભુ રામે તેને ટ્રેનિંગ આપી હતી. ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરથ કમલ પણ વિશ્વ દીનદયાલનની પ્રતિભાના પ્રસંશક હતા અને તેમના વખાણ કરી ચૂક્યા છે. શરથ કમલે વિશ્વાને અત્યંત પ્રતિભાશાળી ખેલાડી ગણાવ્યો હતો. વિશ્વા દીનદયાલનનું આટલી નાની વયે અવસાન એ ભારતીય રમતગમત માટે મોટો ઝટકો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો