દુનિયામાં કોરોના ફરી ત્રાટક્યો, રોજના છ લાખથી વધારે કેસો
- દુનિયામાં હાલ કોરોનાના લગભગ બે કરોડ દર્દીઓ સારવાર હેઠળ
- ઓમિક્રોન વેરિઅન્ટ બીએ૫ તથા તેના પેટા વેરિઅન્ટ્સના 99 ટકા કેસો જાપાનમાં કોરોનાના નવા 1,78,286 કેસો અને 284ના મોત
ન્યુયોર્ક : દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હાલ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે કરોડ નજીક પહોંચી ગઇ છે જ્યારે રોજ સરેરાશ નવા છ લાખ કેસો નોંધાઇ રહ્યા છે. કોરોના કેસોની સંખ્યા રસીકરણ કરાવવા છતાં ઝડપથી વધી રહી હોવાથી લોકો ફરી ચિંતિત બન્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ઓમિક્રોન અને તેના પેટાવેરિઅન્ટ્સનો ચેપ ખૂબ વધી ગયો છે. આઠ જુલાઇથી આઠ ઓગસ્ટ દરમ્યાન દુનિયાભરમાં ૧.૭૫ લાખ સેમ્પલનું સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧.૭૪ લાખ એટલે કે ૯૯ ટકા સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ જણાયો હતો. વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૫૯.૭૧ કરોડ કેસો નોંધાયા છે. જ્યારે ૬૪.૫૯ લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે. છેલ્લા થોડા દિવસોથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પણ હજી સરેરાશ ૬ લાખ નવા કેસો નોંધાઇ રહ્યા છે. હાલ ૧.૯૪ કરોડ કરતાં વધારે કેસો સક્રિય છે. જો કે તેમાં રાહતની વાત એ છે કે મોટાભાગના દર્દીઓમાં કોરોનાના લક્ષણો હળવા જણાયા છે. અલબત્ત ૪૪,૦૦૦ દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો હોવાથી તેઓ વધારે બિમાર જણાયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોનાનો વેરિઅન્ટ બીએ.૫ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દસ ઓગસ્ટે જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર એક સપ્તાહમાં બીએ.૫ના ક્ેસોમાં વધારો નોંધાયો હતો. અગાઉ ૬૮.૯ ટકા કેસો હતા જે આ અઠવાડિયે વધીને ૬૯.૭ ટકા થઇ ગયા હતા. બીએ.૫ સહિત ઓમિક્રોનના બીજા પેટા વેરિઅન્ટ્સ કુદરતી રોગપ્રતિકારશક્તિને તથા રસી દ્વારા મળતા રક્ષણને ભેદી તેનો ચેપ ફેલાવે છે. આ ચેપને કારણે ગંભીર બિમારી થતી નથી પણ તેનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
દરમ્યાન જાપાનમાં કોરોનાના નવા ૧,૭૮,૨૮૬ કેસ નોંધાયા હતા અને ૨૮૪ના મોત થયા હતા. હંગેરીમાં પણ કોરોનાના નવા ૧૬,૨૪૯ કેસો નોંધાયા હતા અને ૧૧૭ જણાના મોત થયા હતા. દુનિયામાં આજે કોરોનાના નવા ૫,૩૬,૩૭૭ કેસો અને ૯૯૦ જણાના મોત નોંધાયા હોવાનું વર્લ્ડોમીટર વેબસાઇટ પર જણાવ્યું હતું.
Comments
Post a Comment