લુસાને ડાયમંડ લીગ જીતીને નીરજ ચોપરાએ સર્જ્યો ઈતિહાસ
- નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા
સ્વિત્ઝરલેન્ડ, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર
ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે.
નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.
ચોપરા (24)એ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં 89.08 મીટર અને રિપીટ 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તેઓ બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા.
વધુ વાંચોઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ફેવરિટ નીરજ ઈજાના કારણે ખસી ગયો
હરિયાણાના પાનીપતના રહેવાસી નીરજ ચોપરા ડાયમંડ લીગમાં ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ પહેલા ડિસ્ક થ્રોના ખેલાડી વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટના ટોપ-3માં સ્થાન મેળવનારા એકમાત્ર ભારતીય છે.
Comments
Post a Comment