રાયગઢના દરિયા કાંઠે શસ્ત્રો સાથેની બિનવારસી બોટ મળતાં સુરક્ષા એજન્સીઓની દોડધામ
ઓસિ. નાગરિકની બોટ ડેમેજ થયા બાદ તણાઈ આવ્યાનું જાણવા મળતાં રાહત અનુભવાઈ
બોટમાં એકે ૪૭ રાઈફલો ઉપરાંત કારતુસ હતાં:એટીએસની ટીમો દોડીઃ મુંબઈમાં નાકાબંધીઃ રાજ્યના સમુદ્ર કિનારાઓ પર શકમંદોની શોધ ચાલી
મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈથી દક્ષિણે ૨૦૦ કિમી દૂર રાયગઢના દરિયાકિનારે એકે ૪૭ રાઈફલ તથા કારતૂસ સાથેની બોટ બિનવારસી હાલતમાં મળી આવતાં સલામતી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. મહારાષ્ટ્ર ભૂતકાળમાં સમુદ્ર માર્ગે વિસ્ફોટકોની હેરફેર તથા ત્રાસવાદીઓની હેરફેરનો ભોગ બની ચૂક્યું હોવાથી તથા હાલ દહી હાંડીમાં રાજ્યભરમાં હજારોની ભીડ જામવાની હોવાથી કોઈ ત્રાસવાદી ગતિવિધિઓની શંકાએ રાજ્યભરમાં એલર્ટ જારી કરી દરિયા કિનારાઓ પર શંકાસ્પદ બોટ તથા શખ્સોની હેરફેરની તપાસ કરાઈ હતી. મુંબઈ તથા અન્ય શહેરોમાં નાકાબંધી કરી ચેકિંગ વગેરે શરુ કરાયું હતું. જોકે, બાદમાં યુરોપ જવા નીકળેલા ઓસ્ટ્રેલિયન નાગરિકની બોટ ઓમાન પાસે ખોટકાયા બાદ ભરતીમાં મુંબઈ તરફ ઘસડાઈ આવ્યાની સ્પષ્ટતા થતાં સલામતી એજન્સીઓએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર તેઓ કોઈ જોખમ લેવા માગતા નથી અને તમામ એજન્સીઓને સતર્ક રાખી તમામ શક્યતાઓની તપાસ ચાલુ રખાશે.
રાયગઢના હરિહરેશ્વર અને ભરડખોળ સમુદ્ર કિનારે આજે સવારે શંકાસ્પદ બે બોટ મળી હતી. ભરડખોલમાં એક નાની બોટમાં લાઈફ જેકેટ અને અન્ય સામગ્રી મળી હતી. આ બોટમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી. જ્યારે અમુક સ્થાનિક લોકોએ આજે સવારે આઠ વાગ્યે હરિહરેશ્વરમાં નધણિયાત બોટ પાણીમાં ફસાયેલી જોઈ હતી. તેઓ બોટમાં શું છે એની તપાસ કરવા ગયા હતા. તે સમયે બોટમાં ત્રણ એ.કે. ૪૭ રાઈફલ, ૨૨૫ કારતૂસ, ૧૦ બોક્સ, અમુક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે બોટમાં પ્રવાસ કરનારા ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયાના નાગરિક હોવાનું કહેવાય છે.
. બોટ પરનાં સ્ટીકરના આધારે નેપચ્યુન સિક્યોરિટીનો સંપર્ક કરાતાં તેમણે બોટ પોતાની હોવાનું કબૂલ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બોટનું નામ લેડી હાન છે અને તે ઓસ્ટ્રેલિયાની એક મહિલાની માલિકીની છે
આ અગાઉ, સ્થાનિક લોકોએ શંકાસ્પદ બોટની માહિતી પોલીસને આપી હતી. તરત જ સ્થાનિક પોલીસ દોડી હતી. શસ્ત્રો સાથેની બિનવારસી બોટની માહિતી મળતાં એટીએસ સહિતની અન્ય એજન્સીઓ પણ દોડી હતી. એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના વડા વિનીત અગ્રવાલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બોટનું કોઈ આતંકવાદી કનેકશન છે? એટીએસના અધિકારીએ એની તપાસ શરૃ કરી હતી.
બીજી તરફ શસ્ત્રો મળ્યાની જાણ થતા જ રાજ્યભરમાં પોલીસ એલર્ટ બની ગઈ હતી. મુંબઈમાં બાંદરા, વરલી, દાદર, નરીમાન પોઈન્ટ અને અન્ય વિસ્તારમાં ઠેર ઠેર પોલીસે નાકાબંધી કરી હતી. આ ઉપરાંત મહત્ત્વના સ્થળોએ પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુની માહિતી પોલીસને આપવા જણાવવામાં આવ્યું હતું. પોલીસે લોકોને અફવા પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. પોલીસે કોઈ અનિચ્છનિય ઘટના ન બની માટે પેટ્રોલિંગ વધારી દરેક વિસ્તારમાં બાજનજર રાખી રહી છે.પુણે પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. પુણેમાં હાઈ એલર્ટ જાહેર કરી ચેકિંગ શરુ કરી દેવાયું હતું. રત્નાગિરીમાં લેન્ડિંગ પોઈન્ટ પર જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંકણ ઝોનના વરિષ્ઠ પોલીસ ઓફિસર સંજય મોહિતે તેમની ટીમ સાથે રાયગઢમાં મળેલી બોટની તપાસ માટે પહોંચી ગયા હતા.
Comments
Post a Comment