દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ : કેજરીવાલની ટ્વીટ
- દુનિયાના સૌથી શ્રેષ્ઠ શિક્ષણમંત્રી મનિષ સિસોદિયા ભારતરત્નના હકદાર : દિલ્હીના મુખ્યમંત્રી
- આપ તોડી દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા માગતા હતા, કેજરીવાલને ગુજરાતમાં રોકવા સીબીઆઇની રેડ પડાઇ : મનિષ સિસોદિયાનો ઘટસ્ફોટ
- 70 વર્ષમાં દેશના કોઈ શિક્ષણમંત્રીએ નથી કર્યું એટલું કામ સિસોદિયાએ દિલ્હીમાં પાંચ વર્ષમાં કરી બતાવ્યું : કેજરીવાલ
અમદાવાદ/નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનિષ સિસોદિયા પર સીબીઆઈની રેડ પડી તે મુદ્દે તેમ જ મનિષ સિસોદિયાને ભાજપમાં જોડાઈને મુખ્યમંત્રી બનવાનો પ્રસ્તાવ આવ્યો તે બાબતે કહ્યું હતું કે દિલ્હીમાં આપ સરકાર ઉથલાવવાનું ભાજપનું કાવતરું નિષ્ફળ ગયું છે. કેજરીવાલે ટ્વીટ કરી હતી : દિલ્હી મેં ઓપરેશન લોટસ ફેલ. કેજરીવાલના દાવા વચ્ચે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ એવો ઘટસ્ફોટ કર્યોકે, ભાજપે મને ઓફર કરી છેકે, તમારા પર સીબીઆઇ,ઇડીના કેસો છે તે પરત લેવામાં આવશે . તમે આપ તોડીને ભાજપમાં જોડાઇ જાઓ, તમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ત્યાં સુધી દાવો કર્યો હતો કે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ભાજપે આપના નેતાઓ પર સીબીઆઈ સહિતની તપાસ એજન્સીઓને છૂટી મૂકી દીધી છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી પર સીબીઆઈની રેડ પડી તેની પાછળ નવી દારૂનીતિ કે ભ્રષ્ટાચાર સહિતના કોઈ પરિબળો જવાબદાર નથી. દિલ્હીની આપ સરકારને ઉથલાવવાનો એકમાત્ર એજન્ડા હતો. બીજા રાજ્યોમાં ભાજપે જે કર્યું એ જ દિલ્હીમાં પણ કરવાનું કાવતરું ઘડાયું હતું. કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન શક્ય છે કે મનિષની ધરપકડ થાય. એવું પણ શક્ય છે કે મારી પણ ધરપકડ થઈ શકે છે.
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ૨૭ વર્ષની ભાજપ સત્તામાં છે. નાગરિકો ભાજપના અહંકારનો ભોગ બને છે. ન્યૂયોર્ક ટાઈમ્સે દિલ્હીના શિક્ષણ મોડેલની પ્રશંસા કરી છે. અમે એ જ શિક્ષણ મોડલ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લાગુ પાડીશું. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આરોગ્યલક્ષી સુવિધા આપવાનો વાયદો કરીને દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી મહિલા અને યુવાઓ માટે નવી તક લઈને આવશે.
દિલ્હીના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે મનિષ સિસોદિયા દુનિયાના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે. ૭૦ વર્ષમાં જે નહોતું થયું તે મનિષે દિલ્હીમાં પાંચ વર્ષમાં કરી બતાવ્યું. જે માણસને આખા દેશની શિક્ષણ વ્યવસ્થા સોંપવી જોઈએ, તેના પર સીબીઆઈના દરોડો પાડવામાં આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. કેજરીવાલે તો મનિષ સિસોદિયાના શિક્ષણ ક્ષેત્રના કામને ધ્યાનમાં રાખીને તેમને ભારત રત્ન આપવાની માગ પણ કરી હતી.
ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ ોસસોદિયાએ એવો ઘટસ્ફોટ કર્યોકે, ભાજપે મને ઓફર કરી છેકે, તમારા પર સીબીઆઇ,ઇડીના કેસો છે તે પરત લેવામાં આવશે . તમે આપ તોડીને ભાજપમાં જોડાઇ જાઓ, તમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે પણ હુ મુખ્યમંત્રી બનવા માટે રાજકારણમાં આવ્યો નથી. હુ કોઇની વાતમાં આવવાનો નથી. તેમણે એવુ વચન આપ્યુ કે, જો ગુજરાતમાં આપની સરકાર રચાશે તો, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે દિલ્હીની જેમ વિશ્વસ્તરીય શિક્ષણ વ્યવસ્થા ગોઠવીશુ.
દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં એવો આક્ષેપ કર્યો કે, ગુજરાતમાં જનતા કેજરીવાલને એક વિકલ્પના રુપમાં જોઇ રહી છે. ગુજરાતમાં કેજરીવાલને રોકવા માટે મારા ઘરે સીબીઆઇની રેડ પાડવામાં આવી હતી. તેમણે એ વાતનો ય ઉલ્લેખ કર્યો કે, જે લોકોએ મને ભાજપમાં જોડાવવાની ઓફર કરી તે લોકોએ જ મને કહ્યું કે, એમના થકી જ પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા છે. આસામમાં હેમંત શર્માને પણ એમણે જ ભાજપમાં જોડયા છે. આ સિવાય નારાયણ રાણે સહિત અન્ય લોકો પણ ભાજપમાં જોડાયા છે. પણ હુ આવા કોઇપણ લોકોની વાતમાં આવવાનો નથી.
હુ શહીદ ભગતસિંહ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહારાણા પ્રતાપ જેવા મહાપુરુષોને અનુસરુ છું. તેમને પિતાતુલ્ય માનુ છુ. હુ કોઇની સામે ઝુકવાનો નથી. હુ કટ્ટર ઇમાનદાર છું. મને કોઇ ડરાવી શકશે નહી. હુ એટલુ જ કહીશ કે, મારા પર ખોટા કેસો કરાયા છે. મુખ્યમંત્રી બનવાનુ મારુ સપનુ નથી. હુ તો દિલ્હી સહિત દેશના દરેક બાળકને સારૂ શિક્ષણ મળે તેના માટે કામ કરી રહ્યો છુ.
સિસોદિયાએ વચન આપ્યુંકે, જો ગુજરાતમાં આપની સરકાર રચાશે તો, ખાનગી શાળાઓ પર અંકુશ લગાવાશે. સરકારી શાળાઓને ખાનગી શાળાઓ કરતાં શાનદાર બનાવાશે. ગુજરાતી શાળાઓમાં એક લાખ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.કોન્ટ્રાક્ટ પધ્ધતિ રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ખાનગી શાળાઓને મનફાવે તેમ ફી વધારો કરવા મંજૂરી નહી અપાય.
એક્સાઈઝ નીતિ મુદ્દે આપ-ભાજપના સામ-સામા આરોપો
કેજરીવાલ અને તેના મંત્રીઓ જૂઠાણા ચલાવે છે : અનુરાગ ઠાકુર
- ભ્રષ્ટાચારના કેસ મુદ્દે કેજરીવાલના અકળ મૌનથી ખબર પડે છે એ કટ્ટર બેઈમાન નેતા છે : ભાજપનો આરોપ
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. બંને પક્ષના નેતાઓ એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે. એ દરમિયાન ભાજપે કેજરીવાલ અને તેમના મંત્રીઓને જૂઠા ગણાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જૂઠા માણસ છે અને તેમના મંત્રીઓ તો મહાજૂઠા છે. ભાજપે મનિષ સિસોદિયાને પક્ષમાં જોડાઈ જઈને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનો દાવો આમ આદમી પાર્ટીએ કર્યો એ પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વળતો શાબ્દિક હુમલો કેજરીવાલ અને સિસોદિયા સામે કર્યો હતો. સીબીઆઈએ મનિષ સિસોદિયા સામે ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ હાથ ધરી હોવાથી બંને પક્ષના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પક્ષના મુખ્યાલયમાંથી મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતા સમક્ષ ભ્રષ્ટાચાર મુદ્દે જવાબ આપવો જોઈએ, તેના બદલે એ એક પણ શબ્દ ન બોલીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીને ૨૪ કલાકનો સમય અપાયો હતો. જો એ ખરેખર કટ્ટર ઈમાનદાર હોત તો જવાબ કેમ ન આપ્યો? હકીકત તો એ છે કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર નહીં, કટ્ટર બેઈમાન નેતા છે. ભાજપે કેજરીવાલ સરકાર સામે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની કેજરીવાલ સરકારે ભ્રષ્ટાચારનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કેજરીવાલ જેને ઈમાનદારનું સર્ટિફિકેટ આપે છે એ નક્કી જેલમાં જાય છે. દિલ્હી ભાજપના કાર્યકરોએ તો અરવિંદ કેજરીવાલના ઘર સામે દેખાવો કર્યો હતો.
Comments
Post a Comment