ભુજઃ PM મોદીએ 2001ના ભૂકંપની યાદ તાજી કરાવતા સ્મૃતિવન સ્મારકનું લોકાર્પણ કર્યું


- વીર બાળક સ્મારકમાં 185 બાળકો અને 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, તે સૌ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપમાં દટાઈ ગયા હતા

ભુજ, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા કચ્છ પહોંચ્યા હતા અને ભુજના જયનગરથી સ્મૃતિવન મેમોરિયલ સુધી 2.5 કિમી લાંબા રોડ શોમાં કચ્છીમાડુઓનું સ્વાગત ઝીલ્યું હતું. 

ત્યાર બાદ વડાપ્રધાને સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યું હતું. સ્મૃતિવન મેમોરિયલ એ 2001માં જે ભયાનક ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું તેની યાદગીરી માટેનું મ્યુઝિયમ છે. ભૂકંપ વખતે 13,000 લોકોના મોત થયા હતા અને એ થપાટ બાદ ફરી બેઠા થયેલા કચ્છીઓની ખુમારીને કેન્દ્રમાં રાખીને ભુજ ખાતે 470 એકર વિસ્તારમાં સ્મૃતિવન સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. 

વડાપ્રધાને જિલ્લાના 948 ગામો અને 10 કસ્બાઓમાં સિંચાઈ માટેનું પાણી પૂરૂ પાડવા માટેની સરદાર સરોવર પરિયોજનાની કચ્છ શાખા નહેરનું પણ ઉદ્ઘાટન કર્યું. 

સાથે જ સરહદ ડેરીના એક નવા સ્વચાલિત દૂધ પ્રસંસ્કરણ અને પેકિંગ પ્લાન્ટ, ભુજ ખાતે એક ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામમાં ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, અંજારમાં વીર બાળ સ્મારક અને નખત્રાણામાં ભુજ 2 સબસ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું. 

અંજાર ખાતેના વીર બાળક સ્મારકમાં 185 બાળકો અને 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે. તે સૌ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપમાં દટાઈ ગયા હતા. 

વડાપ્રધાને શનિવારના રોજ અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો અને અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો