યુક્રેનના સ્વતંત્રતા દિને રશિયાનો ટ્રેન સ્ટેશન પર હુમલો : 53નાં મોત થયા


- યુએનમાં ભારતનું પહેલી વખત રશિયા સામે મતદાન

- અમે સરહદ પર સૈનિકોને લઈ જતી મિલિટરી ટ્રેન પર હુમલો કરી 200 સૈનિકોને માર્યા : રશિયાનો દાવો

પોકરોવ્સ્ક : યુક્રેન તેના સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે રશિયાએ ટ્રેન પર કરેલા હુમલામાં ૫૨ના મોત થયા છે. રશિયાનો દાવો છે કે આ હુમલો અમે પૂર્વી સરહદે લશ્કરને લઈ જતી ટ્રેન પર કર્યો છે. તેમા ૫૩ના મોત નીપજ્યા છે. બીજી બાજુ ચાલુ યુદ્ધે પુતિને રશિયાના લશ્કરમાં ૧,૩૭,૦૦૦ સૈનિકોનો વધારો કરવાનો આદેશ આપ્યો છે. યુએનમાં ભારતે પહેલી વખત રશિયાની વિરોધમાં વોટિંગ કર્યુ છે. 

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના દળોએ મિલિટરી ટ્રેનને ટાર્ગેટ બનાવવા માટે ઇસ્કંદર મિસાઇલનો ઉપયોગ કર્યો છે. આ ટ્રેન યુક્રેનના લશ્કરી દળો અને સાધનસામગ્રીને પૂર્વી યુક્રનેમાં લઈ જઈ રહી હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે અમે ૨૦૦થી વધુ યુક્રેનિયન સૈનિકોને આ હુમલામાં ખતમ કર્યા છે. 

રશિયાએ આ જોરદાર હુમલો યુક્રેનના ચેપલીન શહેરના રેલ્વે સ્ટેશન પર કર્યો છે. જિનિવામાં માનવ અધિકાર કાર્યકર મિશેલ બેશલેટે જણાવ્યું હતું કે રશિયાના પ્રમુખ પુટિનના દળો અકલ્પનીય રીતે ભયાવહ સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. તેમણે પુતિનને સશસ્ત્ર હુમલો રોકવા હાકલ કરી હતી. 

યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના ૭૦ હજારથી વધારે સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. એક રીતે જોઈએ તો રશિયાએ દર મહિને બાર હજાર સૈનિકો ગુમાવ્યા છે. તેની સામે યુક્રેને દસથી બાર હજારો સૈનિકો જ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. આમ રશિયાના પક્ષે ખુવારી જબરજસ્ત છે. આ ખુંવારીની તેણે કલ્પના પણ નહી કરી હોય. પુતિનને ૪૦ હજાર સૈનિકો ગુમાવવાની અપેક્ષા હતી, તેના કરતાં આ બમણી ખુવારીની નજીક રશિયા પહોંચી ગયું છે અને હજી પણ યુદ્ધનો અંત નથી.

પુતિને ૧,૩૭,૦૦૦ સૈનિકોની ભરતી કર્યાનો આદેશ આપ્યો હતો. કેટલાય નિષ્ણાતો તેને હતાશામાં લેવાયેલો નિર્ણય ગણાવે છે. રશિયાના ભૂતપૂર્વ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ સૈનિકોની ભરતીથી કંઈ યુદ્ધના પરિણામ પર ફેર નહી પડે. રશિયાએ યુક્રેન યુદ્ધ માટે બે લાખનું તૈયાર રાખેલું લશ્કર હવે ઓછું પડી રહ્યુ છે તે હકીકત આનાથી પુરવાર થાય છે. 

આ ઉપરાંત યુએનમાં ભારતે પહેલી વખત રશિયાના વિરોધમાં મતદાન કર્યુ હતુ. જો કે આ મતદાનનું ખાસ મહત્વ ન હતુ, એક પ્રક્રિયાત્મક મતદાનમાં ભારતે યુક્રેનની તરફેણમાં અને રશિયાની સામે મતદાન કર્યુ હતુ. જ્યારે ચીન ગેરહાજર રહ્યુ હતુ. જો કે ભારતે રશિયાની ટીકા કરવાનું ટાળ્યું હતું. 

આ ઉપરાંત યુક્રેનના ન્યુક્લિયર પાવર ઓપરેટરે જણાવયું હતું કે ઝાપોરિઝઝિયા પ્લાન્ટને ઇલેક્ટ્રિક ગ્રિડથી જુદો કરવામાં આવ્યો છે. ગયા વખતે તેની ટ્રાન્સમિશન લાઇનને નુકસાન થયા પછી પહેલી વખત આ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ ગ્રીડ સાથે ફરીથી જોડાયો છે કે નહી તે કોઈ જાણતું નથી. 

આ ઉપરાંત આશ્ચર્યજનક વાત એ છે કે રશિયા પર આર્થિક પ્રતિબંધોની દુહાઈ દેનારા અને યુક્રેનને જંગી નાણાકીય સહાય કરનારા અમેરિકાએ રશિયા પાસેથી અબજો ડોલરના ખર્ચે વિવિધ સાધનોની આયાત જારી રાખી છે. અમેરિકા તરફ આ અંગે આંગળી ચીંધવામાં આવી તો તેણે જણાવ્યું હતું કે જો આ આયાત બંધ કરીએ તો રશિયા કરતાં અમેરિકાને વધારે નુકસાન જાય તેમ છે. જ્યારે આ જ અમેરિકા રશિયા પાસેથી ભારતને ઓઇલ ખરીદતું રોકવા કાંડુ આમળી રહ્યુ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે