ન્યાયતંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો છે : સુપ્રીમ


- ન્યાયિક સંસ્થાઓના અસંગત નિર્ણયો સામે સુપ્રીમે જ સવાલ ઉઠાવ્યો

- ચૂકાદો લખવાનો આશય જટિલ ભાષા દ્વારા વાચકોને ભ્રમિત કરવાનો ન હોવો જોઈએ, ન્યાયાધીશોએ ચૂકાદા લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં લખવા જોઈએ

- સુપ્રીમે સરળ ભાષામાં નહીં લખાયેલો હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનો ચૂકાદો રદ કર્યો : એક કર્મચારી સામે શિસ્તભંગની કાર્યવાહી કરી

- આઈઆરએસી પદ્ધતિને અનુસરી ચૂકાદાઓ લખવા અદાલતોને સુપ્રીમ કોર્ટનું સૂચન

નવી દિલ્હી : દેશમાં ન્યાયિક સંસ્થાઓ દ્વારા અપાતા અસંગત ચૂકાદાઓના કારણે ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો છે અને તેનાથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા પર ગંભીર અસર પડે છે તેમ જણાવતા સુપ્રીમ કોર્ટે ચૂકાદાઓ લખતી વખતે કોર્ટોને ફોર્મ્યુલા આધારિત માર્ગદર્શિકાઓને અનુસરવા જણાવ્યું હતું. ન્યાયાધીશો ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે કહ્યું કે બધી જ ન્યાયિક સંસ્થાઓની જવાબદારી છે કે સમાજના નબળા લોકોના ચૂકાદા સંભળાવતી વખતે વિશેષ સાવધાની રાખે. વિશેષરૂપે દિવ્યાંગ હોય અથવા જોઈ ન શકતા હોય તેવા લોકો પ્રત્યે અદાલતોએ વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે.

ન્યાયાધીશો ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે કહ્યું કે, ન્યાયિક લેખનનો આશય જટિલ ભાષાના ઓઠા હેઠળ વાચકોને ભ્રમિત કરવા અથવા તેમને અસમંજસમાં મુકવાનો નથી. આ સાથે બેન્ચે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના સંબંધિત આદેશને એ આધારે રદ કરી દીધો કે તે આદેશ સમજી શકાય તેવો ન હતો. બેન્ચે કહ્યું કે, ન્યાયિક લેખન એટલું મુશ્કેલ ન હોવું જોઈએ કો લોકો સમજી જ ના શકે. આ બેદરકારીના કારણે હાઈકોર્ટના એક કર્મચારી પર શિસ્તભંગની કાર્યવાહી પણ થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિર્ણયને રદ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ આ પ્રકારના અસંગત નિર્ણયોથી ન્યાયિક સંસ્થાઓની છબી ખરાબ થાય છે.

બેન્ચે કહ્યું કે, ચૂકાદો તબક્કાવાર લખવામાં આવે છે અને ચૂકાદાના પહેલા સ્તર પર સંબંધિત પક્ષોની સમસ્યાઓ અને તેમની દલીલો લખવામાં આવે છે જ્યારે આગળના સ્તર પર હિતધારકોની સમસ્યાઓ નિર્ધારણ કરવામાં આવે છે. અલગ અલગ સ્તર પર કરવામાં આવેલું વિશ્લેષણ વર્તમાન અને ભવિષ્ય બંને પર અસર કરે છે. ચૂકાદો લખનાર એ બાબતની કલ્પના કરે કે ના કરે, પરંતુ તેણે લખેલો ચૂકાદો ભવિષ્યમાં ઉપયોગમાં લેવાય છે.  આ ચૂકાદો સામાજિક સંવાદમાં પ્રગતિશીલ પગલાંનું પ્રતિનિધિત્વ કરે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શક્ય છે કે બધા જ ન્યાયાધીશોના નિર્ણય લખવાની શૈલી અલગ હોય, પરંતુ તેમાં સરળ ભાષાનો ઉપયોગ તો કરી જ શકાય છે. બેન્ચે કહ્યું કે, હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે ન્યાયિક સંસ્થાઓ જે પણ ચૂકાદો આપે છે તેની વ્યાપક અસર થાય છે, જેમાં સમાજના બધા જ વર્ગના લોકો પણ આવી જાય છે. બંધારણીય મૂલ્યોના સંરક્ષક તરીકે ન્યાયિક સંસ્થાઓની જવાબદારી વધી જાય છે. તેણે સમાજના બધા જ વર્ગો વિશેષરૂપે દિવ્યાંગ અને અસહાય લોકોને ધ્યાનમાં રાખતા ચૂકદા લખવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનેક નિર્ણય કાયદા અને તથ્યોના જટિલ પ્રશ્નો નિશ્ચિત કરે છે અને આ કોર્ટ શીર્ષક અને પેટા-શીર્ષકના આધારે વાચકોને એક નિશ્ચિત માળખામાં નિર્ણયની માહિતી આપે છે. અદાલતો અને ન્યાયિક સંસ્થાઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલા નિર્ણયો અને આદેશોની ડિજિટલ આવૃત્તિ સુલભ હોય અને તેના પર ડિજિટલ હસ્તાક્ષર ઉપલબ્ધ હોય. 

બેન્ચે સૂચન કર્યું કે, અદાલતો એવી સંરચનાત્મક રીતે નિર્ણય આપવો જોઈએ જેમાં 'મુદ્દા, નિયમ, અરજી અને નિષ્કર્ષ' (આઈઆરએસી) સરળતાથી ઓળખી શકાય. ન્યાયિક વ્યવસ્થાએ આઈઆરએસી નિયમ હેઠળ કેસોને આગળ વધારવા જોઈએ. આઈઆરએસી વ્યવસ્થા પ્રસિદ્ધ વ્યવસ્થા છે અને ન્યાયિક સંસ્થાઓ તેનું પાલન કરે તો સામાન્ય માણસ સુધી તેનો લાભ પહોંચે છે.

બેન્ચે કહ્યું કે, વિશેષરૂપે દિવ્યાંગો માટે નિર્ણયોની સુનિશ્ચિત કરવા માટે બધી જ ન્યાયિક સંસ્થાઓએ તેમના દ્વારા પ્રકાશિત કરાતા નિર્ણયો અને આદેશોમાં અયોગ્ય રીતે વોટરમાર્ક ન હોય તે સુનિશ્ચિત કરવું જોઈએ. કારણ કે આવા દસ્તાવેજો તેને વાંચવા માટે સ્ક્રીન રીડરનો ઉપયોગ કરતા દિવ્યાંગો માટે મુશ્કેલરૂપ બની શકે છે. સ્વાભાવિક છે કે ભારતીય બંધારણ પર ગાંધીજીની પણ વ્યાપક અસર છે. તેઓ યોગ્ય કહેતા હતા કે જ્યાં સુધી સમાજની અંતિમ વ્યક્તિની આંખમાં આંસુ છે ત્યાં સુધી આપણે આઝાદ નથી. એવામાં ગાંધીજીના જીવનની અસર આપણે ભારતની તમામ સંસ્થાઓ પર જોઈ શકીએ છીએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો