સરકારી કંપની જ મુસાફરોનો ખાનગી ડેટા વેચી પૈસા ઊભા કરશે
અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવાર
કોઈપણ વ્યક્તિ નાણાકિય વ્યવહાર કરે, કોઈ વસ્તુની ખરીદી કરે એનો ડેટા એકદમ ગોપનીય ગણાય છે. ડેટાના આધારે અત્યારે સમગ્ર દુનિયા બિઝનેસ કરી રહી છે. વિશ્વમાં ફેસબુક, ગૂગલ અને ટ્વીટર સામે ડેટાના સંગ્રહ અને તેના ઉપયોગ સામે તપાસ ચાલી રહી છે.
આ સમયે દેશમાં રેલવે ટિકિટ બુકિંગનો ઈજારો ધરાવતી, ભારત સરકારના રેલવે મંત્રાલયની જ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ટિકિટ બુક કરતા ગ્રાહકોના ડેટા વેંચી રૂ. 1૦૦૦ કરોડ ઊભા કરવાની યોજના બનાવી છે. શેરબજાર આ જાહેરાતથી ખુશ અને શેરનો ભાવ આજે ચાર ટકા વધ્યો છે. પણ, ગ્રાહક તરીકે ટ્રેનના મુસાફર તરીકે બહુ મોટી ચિંતા બની શકે છે.
રેલવે ટીકીટ બુક કરવા માટે ગ્રાહક પોતાનુ નામ, પુરાવો અને પેમેન્ટ સહિતની વિગત સિસ્ટમમાં દાખલ કરે છે. દૈનિક 11.4 લાખ જેટલી રેલવે ટિકિટ આ રીતે ઓનલાઇન બુક થાય છે. આ ડેટા સંભવ છે કે કોઈપણ ઇ કોમર્સ કંપની કે બેંક કરતા પણ મોટો હોય શકે છે.
IRCTCએ આ ડેટા વેચવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. કંપની આ ડેટા વેચવા માટે ટુરિઝમ, હોટેલ, ટ્રાવેલ ઓપરેટર, હોસ્પિટલ, વીમા કંપનીઓ જેવા ક્ષેત્રના ગ્રાહકો શોધી રહી છે.
સંસદના ચોમાસુ સત્રમાં સરકારે છેલ્લી ઘડીએ ગ્રાહકોના ડેટાની ગુપ્તતા અંગેનો કાયદો પરત ખેચી લીધો હતો.આ કાયદાની ગેરહાજરીમાં ડેટા ગુપ્ત રહેશે કે કેમ તે અંગે મોટી ચિંતા ઉભી થઈ શકે છે. બીજું, ડેટા ખરીદનાર કંપની આ ડેટા કોઈ ત્રીજી પાર્ટીને વેચે અથવા તો તેનો ઉપયોગ કરવાની છૂટ આપે તો શું એ એક મોટો સવાલ છે.
Comments
Post a Comment