જમ્મુ-કાશ્મીરમાં હવે બહારના લોકો પણ મતદાન કરી શકશે


- ચૂંટણી પંચના ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષનો હોબાળો

- મતદાર યાદીમાં અન્ય રાજ્યના લોકો સહિત ૨૫ લાખ નવા મતદારો ઉમેરાશે : અન્ય રાજ્યના સલામતી દળના જવાનો પણ મતદાન કરી શકશે

- ભાડે રહેતા લોકો પણ મતદાન કરી શકશે, અન્ય રાજ્યના લોકોએ તેમના મૂળ રાજ્યની મતદાર યાદીમાંથી નામ રદ કરાવવું પડશે : ચૂંટણી કમિશનર

- જમ્મુ-કાશ્મીરની 98 લાખની વસતીમાં હાલ 76 લાખ મતદારો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા પછી પહેલી વખત કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી પંચે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકો પણ મતદાન કરી શકશે તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હૃદેશ કુમારે જણાવ્યું હતું. વધુમાં જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા સલામતી દળના જવાનોને પણ મતદાનની મંજૂરી અપાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે ત્યારે ચૂંટણી પંચનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ નિર્ણયના પગલે જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યના લોકો સહિત ૨૫ લાખ નવા મતદારો ઉમેરાશે.

વર્ષ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી અને જમ્મુ-કાશ્મીરને રાજ્યમાંથી વિભાજન કરી બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા પછી કેન્દ્ર સરકારે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પાછો આપવાનું તેમજ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાની ખાતરી આપી હતી. હવે છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંતે અથવા આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા અંગે ચર્ચા થઈ રહી છે. એવામાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનર હૃદેશ કુમારે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોને પણ મતદાનનો અધિકાર આપવાની જાહેરાત કરી છે. 

જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોએ મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવવું પડશે. જોકે, આ માટે તેમણે નીવાસી પ્રમાણપત્ર એટલે કે જમ્મુ-કાશ્મીરનું ડોમિસાઈલ સર્ટિફટિફિકેટ રજૂ કરવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, અન્ય રાજ્યોના સશસ્ત્ર બળના જવાનો, જે જમ્મુ-કાશ્મીરમાં નિયુક્ત હોય તેઓ પણ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરી શકશે અને મતદાન કરી શકશે.

ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું કે, અન્ય રાજ્યના લોકોને મતદાન કરવા પર કોઈ પ્રતિબંધ નથી. કોઈ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં કેટલા સમયથી રહે છે તેનાથી કોઈ ફરક નથી પડતો. અન્ય રાજ્યની વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં રહે છે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય ઈઆરઓ કરશે. અહીં ભાડે રહેતા લોકો પણ મતદાન કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનરે ઉમેર્યું કે, આ નિર્ણયના પગલે જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીમાં ૨૫ લાખ જેટલા નવા મતદારોનો સમાવેશ થશે. મતદાર યાદીમાં નામ સામેલ કરવાની એકમાત્ર શરત એ છે કે વ્યક્તિએ તેના મૂળ રાજ્યની મતદાર યાદીમાંથી તેનું નામ રદ કરાવવું પડશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, નવેમ્બર ૨૫ સુધીમાં મતદાન યાદીમાં સુધારણાની કામગીરી પડકારજનક કામ હતું. ૧લી ઑક્ટોબર ૨૦૨૨ સુધીમાં ૧૮ વર્ષ પૂરા કર્યા હોય તેવા લોકો સહિત બધા જ લાયક લોકો મતદાન કરી શકે તેની ખાતરી કરવાનો અમારો આશય છે. તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ટાઈમ લાઈન મુજબ મતદાર યાદીનો એકીકૃત ડ્રાફ્ટ ૧૫મી સપ્ટેમ્બરે પ્રકાશિત કરાશે જ્યારે ૧૫મી સપ્ટેમ્બરથી ૨૫મી ઑક્ટોબર વચ્ચે મતદાર યાદી મુદ્દે વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે, જેનો નિકાલ ૧૦મી નવેમ્બર સુધીમાં કરાશે અને ૨૫મી નવેમ્બર સુધીમાં અંતિમ મતદાર યાદી તૈયાર થઈ જશ. 

કુમારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૮ વર્ષથી વધુ વયની વસતી અંદાજે ૯૮ લાખની છે અને નવા નિર્ણય પછી અંતિમ મતદાર યાદીમાં અંદાજે ૨૦થી ૨૫ લાખ નવા મતદારોનો સમાવેશ થશે. તેમણે ઉમેર્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં નવી સીમાંકન કાર્યવાહી પછી વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને ૯૦ થઈ ગઈ છે. જોકે, તેમણે જમ્મુ અને અન્ય ભાગોમાં આશ્રય લઈ રહેલા રોહિંગ્યા પણ મતદાર તરીકે નોંધણી કરાવી શકશે તેવી બાબતોને રદીયો આપ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો