કોંગ્રેસની બરબાદી માટે રાહુલ ગાંધી જવાબદાર


- અંતે ગુલામ નબી કોંગ્રેસમાંથી 'આઝાદ', 50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કર્યા પછી બળાપો ઠાલવ્યો

- ગુલામ નબી નવો પક્ષ બનાવશે, આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરમાં પાંચ પૂર્વ ધારાસભ્યોએ પણ પક્ષ છોડયો : કોંગ્રેસની આગામી આંતરિક ચૂંટણીને ફારસ ગણાવી

- ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર બાળબુદ્ધિ, અપરિપક્વ, જૂથવાદી અને ચાપલૂસોથી ઘેરાયેલા રહેવાનો આક્ષેપ કર્યો

- 2014માં હેમંત બિશ્વા સરમાથી અત્યાર સુધીમાં 33 મોટા નેતા સહિત 450 થી વધુ નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો

નવી દિલ્હી : કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓના ગૂ્રપ જી-૨૩ની આગેવાની કરનારા ગુલામ નબી આઝાદે અંતે પક્ષ છોડી દીધો છે. તેમણે શુક્રવારે કોંગ્રેસ સાથે તેમનો ૫૦ વર્ષનો સંબંધ તોડી નાંખવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને લખેલા પાંચ પાના લાંબા રાજીનામામાં બળાપો કાઢતા તેમણે પક્ષના નેતૃત્વ પર અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા. અનેક ચૂંટણીઓમાં પરાજય માટે પણ સોનિયા ગાંધીની ટીકા કરી હતી. ૭૩ વર્ષીય આઝાદે છેલ્લા આઠ વર્ષમાં પક્ષની બરબાદી માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.

દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે એવા સમયે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે જ્યારે કોંગ્રેસમાં આગામી સમયમાં આંતરિક ચૂંટણીઓ યોજાવાની છે. 

૭૩વર્ષના આઝાદે કહ્યું કે, કોંગ્રેસ આજે રાષ્ટ્રીય સ્તરે ભાજપે છોડેલી જગ્યામાં અને રાજ્ય સ્તરે પ્રાદેશિક પક્ષોએ આપેલી જગ્યા સુધી સિમિત થઈ ગઈ છે.

આઠ વર્ષથી કોંગ્રેસ નેતૃત્વ પક્ષના ભોગે બીન ગંભીર વ્યક્તિને મહત્વ આપવાના કારણે આમ થયું છે. આથી મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત પક્ષના બધા જ પદો પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. 

આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. 

ગુલામ નબી આઝાદ હવે જમ્મુ-કાશ્મીરમાં નવો પક્ષ બનાવશે. 

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પરાજય પછી જુલાઈમાં આસામના દિગ્ગજ નેતા હેમંત બિશ્વા સરમાએ કોંગ્રેસનો સાથ છોડયા પછી અત્યાર સુધીમાં ૩૩ મોટા નેતા સહિત ૪૫૦થી વધુ નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે.

પક્ષની આંતરિક ચૂંટણીમાં રાહુલની ટોળકી જ યાદી જાહેર કરશે

ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાં આગામી સમયમાં યોજાનારી સંપૂર્ણ સંસ્થાગત ચૂંટણી પ્રક્રિયાને ફારસ ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સંસ્થામાં કોઈપણ સ્તરે સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ ચૂંટણી યોજાવાની કોઈ શક્યતા નથી. એઆઈસીસીના લેફ્ટનન્ટ્સ રાહુલની ટોળકી દ્વારા તૈયાર કરાયેલ યાદી પર હસ્તાક્ષર કરે છે. બૂથ, બ્લોક, જિલ્લા અથવા રાજ્ય સ્તરે કોઈ મતદાર યાદી પ્રકાશિત થઈ નથી.

આઝાદે 50 વર્ષનો ભૂતકાળ યાદ કરી પક્ષની કામગીરી વખાણી

જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાંચ પાનાના રાજીનામા પત્રની શરૂઆત કોંગ્રેસ સાથે તેમના જોડાણથી કરી હતી. તેમણે કેવી રીતે છેલ્લા ૫૦ વર્ષમાં તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિઃસ્વાર્થ ભાવે પૂરી કરી હતી તે યાદ કર્યું. તેમણે ભૂતકાળ યાદ કરતાં લખ્યું ૧૯૭૫-૭૬માં જમ્મુ-કાશ્મીરમાં કોઈ કોંગ્રેસ સાથે જોડાવા માગતું નહોતું તેવા સમયે પોતે સંજય ગાંધીના કહેવાથી યુથ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કેવી રીતે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહા રાવ અને મનમોહન સિંહની સરકારોમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કર્યું. આ સિવાય આટલા વર્ષોમાં કોંગ્રેસમાં દરેક મહત્વપૂર્ણ જવાબદારીઓ પૂરી કરી. તેમણે પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના કાર્યકાળની પ્રશંસા કરી હતી.

2013માં રાહુલને ઉપાધ્યક્ષ બનાવ્યા પછી પક્ષ બરબાદી તરફ ધકેલાયો

કોંગ્રેસને તેમના જીવનના લગભગ ૫૦ વર્ષ સમર્પિત કર્યાની ભૂમિકા બાંધ્યા પછી આઝાદે રાહુલ ગાંધી પર આકરો હુમલો કર્યો હતો. તેમણે લખ્યું દુર્ભાગ્યથી રાજકારણમાં રાહુલ ગાંધીના પ્રવેશથી તમારા દ્વારા સ્થાપિત સંપૂર્ણ કન્સલ્ટેટિવ મિકેનિઝમ ધ્વસ્ત થઈ ગઈ. ખાસ કરીને જાન્યુઆરી ૨૦૧૩માં રાહુલને કોંગ્રેસમાં ઉપાધ્યક્ષ બનાવાયા પછી તેમણે પક્ષને બરબાદ કરી નાંખ્યો. તેમણે બધા જ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા અને અનુભવહીન ચાપુલસોનું જૂથ પક્ષ ચલાવવા લાગ્યું. તેમણે રાહુલ ગાંધી પર બાળબુદ્ધિ,  અપરિપક્વ, જૂથવાદી અને ચાપલૂસોથી ઘેરાયેલા રહેવાનો આક્ષેપ કર્યો હતો.

મનમોહન સરકારનો વટહૂકમ ફાડવો રાહુલનું બાલિશ વર્તન

આઝાદે મનમોહનસિંહ સરકાર તરફથી લાવવામાં આવેલા અધ્યાદેશને રાહુલ ગાંધીએ મીડિયા સામે જાહેરમાં ફાડી નાંખવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે રાહુલે જે કર્યું કે તેમની અપરિપક્વતાનું ઉદાહરણ છે. તેમના આ બાલિશ વર્તનથી વડાપ્રધાનપદ અને ભારત સરકારના ગૌરવને ઠેસ પહોંચી હતી. આઝાદે રાહુલના અધ્યાદેશને ફાડવાને ૨૦૧૪માં કોંગ્રેસના પરાજયનું મુખ્ય કારણ ગણાવ્યું છે.

૨૦૧૩માં કરાયેલા સૂચનોનો હજુ સુધી અમલ તો ઠીક વિચાર પણ નહીં

ગુલામ નબી આઝાદે તેમના રાજીનામામાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના કામકાજની પ્રશંસા કરવાની સાથે તેમની ટીકા પણ કરી હતી. તેમણે યાદ કર્યું કે કેવી રીતે સીતારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. તેમણે લખ્યું, ૨૦૧૩ના જયપુર મહાઅધિવેશનમાં પક્ષને બેઠો કરવા તેમણે જે ભલામણો કરી હતી, ૨૦૧૪ની ચૂંટણી માટે જે વિસ્તૃત એક્શન પ્લાન બનાવાયો તેના પર છેલ્લા ૯ વર્ષમાં પણ અમલ નથી કરાયો. એટલું જ નહીં તેના પર ગંભીરતાથી વિચાર કરવાનો પણ પ્રયત્ન નથી કરાયો.

કોંગ્રેસ માત્ર બે રાજ્યોમાં સમેટાઈ, બેમાં ગઠબંધન સરકારનો ભાગ

આઝાદે તેમના રાજીનામામાં સોનિયા અને રાહુલ ગાંધી અંગે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે લખ્યું, ૨૦૧૪ પછી તમારા અને પછી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ અપમાનજનક રીતે બે લોકસભા ચૂંટણી હારી છે. ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે ૪૯ વિધાનસભા ચૂંટણીમાંથી ૩૯માં પક્ષનો પરાજય થયો. પક્ષ માત્ર ચાર રાજ્યોની ચૂંટણી જીતી શક્યો અને છ રાજ્યોમાં ગઠબંધન મારફત સરકાર બનાવી. દુર્ભાગ્યથી આજે માત્ર બે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે અને અન્ય બે રાજ્યોમાં જૂનીયર પાર્ટનર તરીકે ગઠબંધન સરકારનો ભાગ છે.

રાહુલે પક્ષ માટે જીવન ખપાવી દેનારા વરિષ્ઠ નેતાઓનું અપમાન કર્યું

ગુલામ નબી આઝાદે રાજીનામામાં લખ્યું છે કે ૨૦૧૯ની ચૂંટણી પછી કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું તો આપ્યું, પરંતુ તે પહેલા બધા જ વરિષ્ઠ પદાધિકારીઓનું અપમાન કર્યું, જેમણે પક્ષ માટે તેમનું જીવન ખપાવી દીધું હતું. આઝાદે ગાંધી પરિવાર પર રિમોટ કંટ્રોલ મોડેલથી સંગઠન ચલાવવાનો આક્ષેપ કર્યો. યુપીએ સરકાર દરમિયાન રિમોટ કંટ્રોલ મોડેલ હવે પક્ષના સંગઠન પર પણ લાગુ કરી દેવાયું છે. તમે માત્ર નામના પ્રમુખ છો જ્યારે બધા જ મહત્વપૂર્ણ નિર્ણયો રાહુલ ગાંધી અથવા તેમના સિક્યોરિટી ગાર્ડ અને પીએ લઈ રહ્યા છે. આઝાદે ત્યાં સુધી આક્ષેપ કર્યો કે ૨૦૨૦માં જી-૨૩ના નેતાઓ અને ૨૦૨૨માં તેમણે પક્ષના કામકાજ પર સવાલ ઉઠાવતા પત્ર લખ્યો તો ચાપલુસોની ફોજે દરેક શક્ય રીતે તેમના પર હુમલો કર્યો, અપમાનિત કર્યા. આ ટોળકીએ તો કપિલ સિબલના ઘરે ગુંડા મોકલી હુમલા પણ કરાવ્યા.

રાજીનામું આપનાર આઝાદ સામે કોંગ્રેસના આકરા પ્રહાર

'જીએનએ'ના ડીએનએ મોદી-ફાઈડ થયા, તેમનું 'રિમોટ' મોદીના હાથમાં

- પહેલાં સંસદમાં મોદીના આંસુ, પછી પદ્મ વિભુષણ, પછી નિવાસસ્થાન માટે એક્સટેન્શન, યે સંયોગ નહીં સહયોગ હૈ 

વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી કોંગ્રેસે શુક્રવારે તેમના પર ચારેબાજુથી હુમલો કર્યો હતો અને કહ્યું કે, પક્ષના નેતૃત્વ સાથે તેમનો 'દગો' તેમનું વાસ્તવિક ચરિત્ર દર્શાવે છે. હવે ગુલામ નબી આઝાદ (જીએનએ)નું ડીએનએ મોદી-ફાઈડ થઈ ગયું છે. 

કોંગ્રેસે તેમના રાજીનામાને રાજ્યસભામાં તેમનો કાર્યકાળ પૂરો થવા સાથે સાંકળ્યું હતું અને દાવો કર્યો હતો કે આઝાદે એવા સમયે પક્ષને દગો આપ્યો છે જ્યારે પક્ષમાં આંતરિક ચૂંટણીઓ યોજાઈ રહી છે. ઉપરાંત તેમનું આ ચરિત્ર દર્શાવે છે કે તેમનું રિમોટ કંટ્રોલ નરેન્દ્ર મોદીના હાથમાં છે અને તેમની વચ્ચેનો 'પ્રેમ' સંસદમાં પણ જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે, પહેલાં સંસદમાં મોદીના આંસુ, પછી પદ્મ વિભુષણ, પછી નિવાસસ્થાન માટે એક્સટેન્શન. યે સંયોગ નહીં સહયોગ હૈ.

જયરામ રમેશે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વ દ્વારા ખૂબ જ આદર આપવામાં આવ્યો હતો તેવી વ્યક્તિએ રાહુલ ગાંધી પર વિષ ઓકતા વ્યક્તિગત હુમલા કર્યા છે, જે દર્શાવે છે કે ગુલામ નબી આઝાદ 'જીએનએ'ના ડીએનએ મોદી-ફાઈડ થઈ ગયા છે. રમેશે કહ્યું આઝાદના રાજીનામા પત્રની વિગતો વાસ્તવિક નથી અને તેનો સમય ભયાનક છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આખું કોંગ્રેસ સંગઠન મોંઘવારી, બેરોજગારી અને ધુ્રવીકરણના મુદ્દાઓ પર ભાજપ સામે લડી રહ્યા છે તેવા સમયે આઝાદે આપેલું રાજીનામું કમનીબ છે. 

કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેરાએ પણ આઝાદના રાજીનામાને રાજ્યસભામાં તેમના કાર્યકાળ સાથે સાંકળ્યું હતું. તેમણે કહ્યું કે, ગુલામ નબી આઝાદ જેવા લોકો એક સેકન્ડ પણ પદ વિના રહી શકતા નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો