ચીને લદ્દાખ પાસે ભારતીયોને પશુઓ ચરાવતા અટકાવ્યા


- સરહદે ડ્રેગનની અવળચડાઇ યથાવત્ : વાટાઘાટો વચ્ચે ફરી વિવાદ સર્જ્યો

- દેમચોક વિસ્તારની ઘટના ૨૧મીની હોવાના અહેવાલ, બન્ને દેશોની સૈન્ય બેઠકમાં ભારતે મામલો ઉઠાવ્યો

- સ્વદેશી બનાવટનાં શસ્ત્રોથી ભારતીય ભૂમિ દળ બનશે આધુનિક અને લડાયક

નવી દિલ્હી : લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ફરી વિવાદ વધી રહ્યો છે. એલએસી પાસે દેમચોકમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય પશુપાલકોને પશુ ચરાવતા રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ૨૧મી ઓગસ્ટની હોવાના અહેવાલો છે. આ ઘટના બાદ દેમચોક વિસ્તારમાં બન્ને દેશોના જવાનો જોવા મળી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.  

જાણકારી અનુસાર લદ્દાખના દેમચોક સ્થિત ચરાગાહ વિસ્તારમાં પશુઓને ચરાવતા કેટલાક ભારતીયોને ચીની સૈનિકોએ અટકાવ્યા હતા અને સ્થળ પરથી જતા રહેવા માટે કહ્યું હતું. જ્યારે આ પશુ ચરાવતા લોકો ભારતીય વિસ્તારમાં જ હતા, તેઓએ એલએસી પાર નહોતી કરી. આ વિવાદ મુદ્દે બાદમાં ૨૬મી ઓગસ્ટના રોજ ભારત અને ચીની સૈન્ય વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં ભારતે આ મામલો ઉઠાવ્યો હતો. 

બન્ને દેશોના જવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેમ છતા બન્ને દેશોના જવાનો હાલ આ વિવાદિત સ્થળે તૈનાત છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એલએસી પર કુલ ૨૩ જેટલા સ્થળો સંવેદનશીલ છે. જેમાં દેમચોકનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૮માં ચીની સૈનિકો દેમચોકમાં ૩૦૦-૪૦૦ મીટર ભારતીય વિસ્તારમાં ઘુસી ગયા હતા. જે બાદ બન્ને દેશોના સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.  દરમિયાન ભારતીય ભૂમિ દળનું ઝડપભેર  આધુનિકીકરણ થઇ રહ્યું  છે. ખાસ કરીને  ભારતીય  ભૂમિ દળમાં સ્વદેશી બનાવટનાં  આધુનિક શસ્ત્રોનો   સમાવેશ  થઇ રહ્યો છે. ભારતીય  ભૂમિ દળના એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી.

આ અધિકારીએ  એવી માહિતી પણ આપી હતી કે હાલ આપણા  ભૂમિ દળમાં સ્વદેશી બનાવટનાં ફ્યુચરિસ્ટિક વેહિકલ્સ, આધુનિક મિઝાઇલ  સિસ્ટમ, એન્ટિ- ડ્રોન વેપન્સ સહિત ઇન્ટેલીજન્સ, સર્વેલન્સ એન્ડ રિકોન્નેઝન્સ (આઇ.એસ.આર.) પ્લેટફોર્મ્સ વગેરેનો સમાવેશ  કરવાની યોજના આકાર લઇ રહી છે. વળી, ભવિષ્યમાં કદાચ પણ દુશ્મન દેશ સાથે યુદ્ધ  થાય તો આપણા લશ્કર પાસે વધુ ઘાતક, વધુ મારક અને  વધુ અસરકારક શસ્ત્રો હોવાં જોઇએ. સાથોસાથ તે આધુનિક શસ્ત્રોની હેરફેર પણ વધુ ઝડપથી અને વધુ સરળતાથી થવી જોઇએ. 

લશ્કરનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે હાલ  ભૂમિ દળમાં સોવિયેત સંઘનાં બીએમપી-!! એમ્ફિબિયન કોમ્બેટ વેહિકલ્સ(જમીન અને જળ બંને પર સરળતાથી કાર્યરત રહી શકે તેવાં વાહન) છે. આ જ વિશિષ્ટ વેહિકલ્સે હાલ પૂર્વ લદાખમાં  ચાલતી ચીન સાથેની ચિંતાજનક ગતિવિધિ સામે  બહુ મહત્વની અને ઉપયોગી કામગીરી કરી છે.  હવે જોકે આત્મનિર્ભર ભારત ઝુંબેશના હિસ્સારૂપે બીએમપી-!! ને બદલે સ્વદેશી  બનાવટનાં ૪૮૦ ફ્યુચરિસ્ટિક ઇન્ફન્ટ્રી કોમ્બેટ વેહિકલ્સ (એફ.આઇ.સી.વીએસ.)નો સમાવેશ    થશે. આ નવી વ્યવસ્થા માટે થોડા જ સમયમાં  ભારત  સરકારની  મંજુરી  માગવામાં આવશે. 

આ અમારો વિસ્તાર છે, અહીંથી જતા રહો : ગ્રામજનોને ચીનની ધમકી

૨૧મીએ દેમચોક વિસ્તારમાં પોતાના પશુઓને ચરાવવા માટે સ્થાનિક ગ્રામજનો જઇ રહ્યા હતા ત્યારે તેઓને ચીની સૈનિકોએ રોક્યા હતા અને ધમકી આપતા કહ્યું હતું કે આ અમારો વિસ્તાર છે, અહીંથી જતા રહો. 

જે વિસ્તારમાં આ વિવાદ સર્જાયો છે ત્યાં વર્ષોથી સ્થાનિક ગ્રામજનો પોતાના પશુઓને ચરાવતા આવ્યા છે. હાલ જે ઘટના બની છે તેને લઇને ભારત અને ચીની સૈનિકો વચ્ચે ફરી વિવાદ થવાની શક્યતાઓ છે. જોકે સરકારી અધિકારીઓએ દાવો કર્યો છે કે આ ઘટના બાદ બન્ને દેશોના જવાનો આમને સામને આવી ગયા હોવાની કોઇ ઘટના નથી બની અને મામલાને શાંત પાડવામાં આવ્યો છે.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો