10 વર્ષમાં પહેલીવાર થયું આવું : મોદી સરકારે JPCમાં કેમ મોકલ્યું વક્ફ બિલ?
Waqf Ammendent Bill: સંસદમાં 8 ઓગસ્ટે સંસદીય કાર્ય અને લઘુમતી બાબત મંત્રી કિરેન રિજિજૂએ સંશોધિત વક્ફ બિલ રજૂ કર્યું છે. જેના પર કોંગ્રેસ અને સપાના સાંસદો સહિત વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષના વિરોધને ધ્યાનમાં રાખીને બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, સરકારે વકફ સુધારા બિલ, 2024ને રાજ્યસભામાંથી પાછું ખેંચી લીધું છે. પાછલા 10 વર્ષમાં એટલે કે નરેન્દ્ર મોદીની સરકારમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ બિલ ગૃહમાં અટક્યું હોય અને તેને JPCમાં મોકલવામાં આવ્યું હોય.
વિપક્ષની માગ પર JPC પાસે મોકલાયું બિલ
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં 'વક્ફ (સુધારા) બિલ, 2024' રજૂ કરતાં વિપક્ષની માગણી મુજબ બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે લોકસભા અધ્યક્ષને વિનંતી કરી કે, "સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવે અને વિગતવાર ચર્ચા માટે બિલને તેમની (JPC) પાસે મોકલવામાં આવે. બિલની ચર્ચા કરવા, મંતવ્યો સાંભળવા માટે શક્ય તેટલા હિતધારકોને બોલાવો, ભવિષ્યમાં અમે તેમના (સભ્યોના) સૂચનો ખુલ્લા દિલથી સાંભળીશું." આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, "હું તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ સંયુક્ત સંસદીય સમિતિ બનાવીશ." આ પહેલા વિપક્ષી સભ્યોએ આ બિલને બંધારણ, સંઘવાદ અને અને લઘુમતીઓ પર હુમલો ગણાવી ભારે વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ વક્ફ બિલ: અખિલેશ યાદવ પર બરાબરના વિફર્યા અમિત શાહ, કહ્યું- ગોળગોળ વાતો નહીં કરવાની
બિલને NDAના સહયોગી પક્ષોનું સમર્થન
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના બે મુખ્ય સહયોગી પક્ષો નીતીશ કુમારની જનતા દળ (યુનાઈટેડ) અને ચંદ્રબાબુ નાયડુના પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ બિલને સમર્થન આપ્યું છે. જો કે, ટીડીપીએ તેને સંસદીય સમિતિમાં મોકલવાની હિમાયત પણ કરી હતી. વિપક્ષી સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં અલ્પસંખ્યક બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ બિલ કોઈપણ ધાર્મિક સ્વતંત્રતામાં દખલ કરતું નથી અને બંધારણની કોઈપણ કલમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું નથી.
વક્ફ બિલમાં સુધારો સૌપ્રથમ 1954માં રજૂ કરાયો હતો
કિરેન રિજિજુએ કહ્યું કે, “વક્ફ બિલમાં સુધારો પહેલી વાર ગૃહમાં રજૂ કરવામાં આવ્યો નથી. આઝાદી બાદ આ બિલ સૌપ્રથમ 1954માં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી ઘણા સુધારા કરવામાં આવ્યા હતા. આ સંશોધન બિલ વ્યાપક ચર્ચા-વિચારણા પછી લાવવામાં આવ્યું છે જે મુસ્લિમ મહિલાઓ અને બાળકોના કલ્યાણને લાભ આપશે. તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દરમિયાન રચાયેલી સચ્ચર સમિતિ અને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ બિલ તેમની ભલામણોના આધારે લાવવામાં આવ્યું છે. લગભગ એક કલાક સુધી વિપક્ષી સભ્યોના વાંધાઓનો જવાબ આપ્યા પછી, રિજિજુએ વિગતવાર ચર્ચા માટે બિલને જેપીસીને મોકલવાની ભલામણ કરી હતી.
વક્ફ કાયદો 1995ની કલમ 40 દૂર કરાઈ
સંશોધિત બિલ મુજબ જે વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરી રહ્યો હોય તે પોતાની ચલ-અચલ સંપત્તિને વક્ફમાં દાન કરી શકશે. વક્ફ-અલલ-ઔલાદ મહિલાઓને વારસાગત અધિકારોથી ઇન્કાર કરી શકતો નથી. સંશોધિત બિલમાં વક્ફ કાયદો 1995ની કલમ 40ને દૂર કરવામાં આવી છે. આ કાયદા હેઠળ વક્ફ બૉર્ડને કોઈપણ સંપત્તિને વક્ફ સંપત્તિ જાહેર કરવાનો અધિકાર હતો. પરંતુ હવે સંપત્તિના અધિકારો પર કાતર મૂકવામાં આવી છે. વક્ફ અધિનિયમની કલમ 40 પર સૌથી વધુ વિવાદ છે. કલમ 40ની જોગવાઈ છે કે, જો વક્ફ બૉર્ડ કોઈપણ સંપત્તિને વક્ફની સંપત્તિ સમજે છે, તો તેણે નોટિસ પાઠવી તપાસ હાથ ધર્યા બાદ તેનો નિર્ણય લેવામાં આવશે. તે શિયા વક્ફ છે કે સુન્ની તે પણ નક્કી કરી શકે છે. વક્ફ બૉર્ડના નિર્ણય વિરુદ્ધ માત્ર ટ્રિબ્યુનલમાં જવાનો અધિકાર છે. સંશોધિત બિલમાં કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર જ સર્વે કમિશ્નર રહેશે.
Comments
Post a Comment