ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ગણાતી ઘડીઓ


- ઈઝરાયેલમાં રાજધાની તેલ અવીવ-હાફિયા જેવા શહેરોને ટાર્ગેટ કરવા ઈરાન-હિઝબુલ્લાની ચેતવણી

- અમેરિકાનાં વિમાનવાહક જહાજ સહિત યુદ્ધ જહાજો ભૂમધ્યના પૂર્વ તટે પહોંચ્યા, ફાઈટર જેટસ પણ ઈઝરાયેલની મદદે મોકલ્યા

- હવે હાનિયાની હત્યામાં સામેલ ઈઝરાયેલના અધિકારીઓના ઘરોને પણ નિશાન બનાવાશે : ઈરાન

તહેરાન/તેલ અવીવ : ઈરાનની રાજધાની તહેરાનમાં પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાથી ઈરાન ધૂંધવાયું છે, જેને પગલે મધ્ય-પૂર્વ એક મોટા અને ભયાનક યુદ્ધની કગાર પર પહોંચી ગયું હોવાનું મનાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને કહ્યું છે કે તે ઈચ્છે છે કે આત્મરક્ષા માટે હિઝબુલ્લાહ ઈઝરાયેલની છેક અંદર સુધી હુમલો કરે. આ સાથે ઈરાને તેનું આક્રમક વલણ સ્પષ્ટ કરી દીધું છે ત્યારે ઈઝરાયેલ પર રવિવારે અથવા એકાદ સપ્તાહમાં ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા મોટા હુમલાની ભીતિ સેવાઈ રહી છે. બીજીબાજુ ઈઝરાયેલના રક્ષણ માટે અમેરિકાએ મધ્ય-પૂર્વમાં તેના યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે.

હમાસના વડા ઈસ્માઇલ હાનિયાના મોતથી ઈરાને ભારે ધૂંધવાયું છે. તેણે ઈઝરાયેલ પર કોઈપણ સમયે હુમલાની ચેતવણી આપી છે. ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી યુએનમાં ઈરાનના સ્થાયી મિશને જણાવ્યું હતું કે, અમે અમારા રક્ષણના અધિકાર હેઠળ ઈઝરાયેલ પર હુમલો કરીશું. 

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામનેઈના સંચાલન હેઠળ ચાલતા અખબાર કાહાનના એક લેખમાં કહેવાયું છે કે આ વખતે ઈઝરાયેલના આંતરિક ક્ષેત્રોને નિશાન બનાવાશે. અમારો અગાઉનો હુમલો મર્યાદિત હતો. તેમાં માત્ર કેટલાક સ્થળોને નિશાન બનાવાયા હતા, પરંતુ આગામી અભિયાનમાં અમારા ટાર્ગેટ મોટા હશે.

લેખમાં જણાવાયું છે કે ઈઝરાયેલના આંતરિક વિસ્તારોને નિશાન બનાવાશે, જેમાં તેલ અવીવ તથા હાઈફા જેવા શહેરો, રણનીતિક કેનદ્રો અને હાનિયાની હત્યામાં સામેલ ઈઝરાયેલના અધિકારીઓના ઘરોનો સમાવેશ થાય છે. આ હુમલો મોટો, ખતરનાક હશે અને તેને ઈન્ટરસેપ્ટ કરવો પણ મુશ્કેલ હશે. નોંધનીય છે કે ચાર માસ પૂર્વે એપ્રિલની ૧૩મી તારીખે ઈરાને ઈઝરાયલ પર મિસાઇલ્સ હુમલો કર્યો હતો, જે પૈકી ૯૦ ટકા જેટલાં મિસાઇલ્સ અમેરિકા, તેના સાથી દેશો તથા ઈઝરાયલે હવામાં જ તોડી પાડયાં હતાં.

હિઝબુલ્લાહે પણ ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે. ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરુતમાં મિસાઈલ હુમલો કરી હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફુઆદ શુકરની હત્યા કરી હતી. આ હુમલામાં ત્રણ મહિલા અને બે બાળકો સહિત પાંચ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા તેમ લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ઈરાને કહ્યું કે, હિઝબુલ્લાહ અને ઈઝરાયેલના શાસને છેલ્લા એક વર્ષમાં સરહદીય ક્ષેત્રો અને સૈન્ય સ્થળોને નિશાન બનાવીને કેટલાક નિયમોનું પાલન કર્યું હતું. પરંતુ બેરુતમાં હુમલો કરીને ઈઝરાયેલે આ નિયમોનો ભંગ કર્યો છે. હવે હિઝબુલ્લાહને તેનો બદલો લેવાનો અધિકાર છે. ફુઆદ શુકરની મોતના જવાબમાં આતંકી સંગઠને ઈઝરાયેલની અંદર નાગરિક અને સૈન્ય સ્થળો પર વધુ મોટા અને ભયાનક હુમલા કરવાનું જણાવ્યું છે. સૂત્રો મુજબ હિઝબુલ્લાહ પાસે ૧,૫૦,૦૦૦ મિસાઈલ અને રોકેટનો ભંડાર છે, જેમાંથી કેટલાક લાંબા અંતર સુધી હુમલો કરવા સક્ષમ છે. 

બીજીબાજુ મધ્ય-પૂર્વમાં તણાવ વધી ગયા પછી પેન્ટાગોને જાહેર કર્યું હતું કે અમેરિકા મધ્ય-પૂર્વમાં વધારાની ફાઈટર સ્ક્વોડ્રન તૈનાત કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને યુરોપીયન અને મધ્ય-પૂર્વ ક્ષેત્રોમાં વધારાની બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ ક્રુઝર તથા ડિસ્ટ્રોયર વિમાનોની તૈનાતીનો આદેશ આપ્યો છે. અમેરિકાએ ભૂમધ્ય સમુદ્રમાં રહેલા પોતાના જંગી જહાજ બેડાને તેના વિશાળ વિમાનવાહક જહાજ સાથે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટે રવાના કરી દીધો છે. 

જો બાઈડેન વહીવટી તંત્રને તો ખાતરી જ છે કે હવે ઈરાન ગમે ત્યારે ખાસ કરીને આ વીક-એન્ડમાં જ ઈરાન ઈઝરાયલ પર કે તેના સાથી દેશ ઈઝરાયેલ પર હુમલા કરશે જ તેમ અમેરિકાના સંરક્ષણ જૂથ પેન્ટાગોને જણાવ્યું હતું. પેન્ટાગોને ઉમેર્યું હતું કે અમેરિકન પ્રમુખ જો બાઈડેને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.


હનિયેહની હત્યામાં સાત કિલો વિસ્ફોટકો વપરાયાનો ઈરાનનો દાવો

હમાસના વડા હનિયેહની હત્યા ઈરાની એજન્ટ્સે જ કરી હોવાનો ઘટસ્ફોટ

- હનિયેહની સુરક્ષામાં ચૂક બદલ ઈન્ટેલિજન્સ અધિકારી સહિત 24ની ધરપકડ, અગાઉ પણ હત્યાનું કાવતરું ઘડાયું હતું

તહેરાન : પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ પ્રમુખ ઇસ્માઇલ હનિયેહની ૩૧ જુલાઈએ હત્યાથી વિશ્વમાં વિશેષરૂપે ઇસ્લામિક જગતમાં હાહાકાર વ્યાપી ગયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હનિયેહની હત્યા અંગે મોટો દાવો કરતા કહ્યું છે કે હમાસના પ્રમુખને ૭ કિલોના વિસ્ફોટકોથી લદાયેલા વિશેષ પ્રકારના હથિયાર શોર્ટ રેન્જ પ્રોજેક્ટાઈલ મારફત નિશાન બનાવાયા હતા. તહેરાનમાં હનિયેહના ગેસ્ટહાઉસ નજીકથી આ હથિયારથી હુમલો કરાયો હતો. ઈરાને આ મામલે ૨૪ લોકોની ધરપકડ કરી છે.

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (આઈઆરજીસી) કહ્યું છે કે હમાસના વડા ઈસ્માઈલ હનિયેહની શોર્ટ રેન્જ પ્રોજેક્ટાઈલ મારફત હત્યા કરાઈ હતી. આ પહેલાં દાવો કરાયો હતો કે તહેરાનમાં હનિયેહ જે ગેસ્ટ હાઉસમાં રોકાવાના હતા ત્યાં બે મહિના અગાઉ વિસ્ફોટકો છુપાવીને રખાયા હતા અને તેનાથી તેમની હત્યા કરાઈ હતી. જોકે, આ ઘટનામાં ઈરાને તપાસ કરતાં નવા ઘટસ્ફોટ થયા છે.

તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા ટીવી ફૂટેજમાં બે જણા ગુપચૂપ રીતે હમાસ નેતાને જ્યાં ઉતારો અપાયો હતો. ત્યાં જુદાં જુદાં સ્થળોએ ઇરાનની છૂપી પોલિસની પણ નજર ચુકાવી તે મહાલયમાં ઘૂસી ગઈ હતી અને માત્ર રીમોટ કન્ટ્રોલથી જ ફાટે તેવા બોમ્બને ઉતારાના ત્રણ ખંડો જે હનીયેહ આવવાના હતા તે ત્રણ ખંડોમાં મુકી દીધા હતા. 

આઈઆરજીસીએ કહ્યું હતું કે, આ હત્યાકાંડમાં ઈઝરાયેલને યોગ્ય સમયે અને જગ્યાએ આકરી સજા અપાશે. હમાસ વડાની હત્યાનો બદલો લેવાશે. જોકે, હનિયેહની હત્યામાં ઈઝરાયેલના કાવતરાંને અમેરિકાનું પણ સમર્થન હતું.

ઈરાને હનિયેહની સુરક્ષામાં ચૂકના પગલે અનેક ઈન્ટેલિજન્સ અધિકારી, સૈન્ય અધિકારી અને ગેસ્ટ હાઉસ સ્ટાફ સહિત કુલ ૨૪ લોકોની ધરપકડ કરી છે. બ્રિટિશ મીડિયા હાઉસ ધ ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ હનિયેહની હત્યા પાછળ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનો હાથ છે, જેણે આ કામ ઈરાનના જ સિક્યોરિટી એજન્ટ્સ મારફત કરાવ્યું હતું. 

ઈરાનના અધિકારીઓની મદદથી આઈઆરજીસીના ગેસ્ટ હાઉસના ત્રણ અલગ અલગ રૂમમાં બોમ્બ રખાયા હતા. મોસાદે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીની અંતિમ વિદાયના કાર્યક્રમમાં હનિયેહની હત્યાની યોજના બનાવી હતી. જોકે, તે સમયે વધુ ભીડ હોવાના કારણે આ યોજના અમલમાં મુકી શકાઈ નહોતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે