સપ્ટેમ્બરમાં સારા વરસાદનો વરતારો : ઓગસ્ટમાં વરસાદે 23 વર્ષનો રેકોર્ડ તોડયો


- ઓગસ્ટમાં દેશમાં સામાન્ય કરતા 16 ટકા વધુ વરસાદ પડયો

- હિમાચલમાં વરસાદી તારાજીથી 1265 કરોડનું નુકસાન, રાજ્યમાં 70 થી વધુ રોડ બંધ કરવા પડયા : હિમાચલમાં કુલ 150 મોત

- આંધ્રમાં વરસાદની ઘટનાઓમાં સાતનાં મોત

- ઓડિશા, હિમાચલ સહિતના રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહીથી ઓરેન્જ એલર્ટ અપાયું

નવી દિલ્હી : ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદે ૨૩ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આ ઓગસ્ટ મહિનામાં ભારતમાં સામાન્ય કરતા ૧૬ ટકા વધુ વરસાદ પડયો હતો. ઉત્તર પશ્ચિમ ભારતમાં ૨૫૩.૯ મિમી વરસાદ પડયો હતો, જે વર્ષ ૨૦૦૧ બાદ ઓગસ્ટ મહિનાનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. જોકે કેટલાક રાજ્યોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પણ નોંધાયો છે. ઓગસ્ટમાં દેશનું સરેરાશ લઘુતમ તાપમાન ૨૪.૨૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ૧૯૦૧ બાદ સૌથી વધુ માનવામાં આવે છે. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ પહેલા હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું કે ઓગસ્ટમાં વરસાદ સામાન્ય એટલે કે ૯૪થી ૧૦૬ ટકાની વચ્ચે રહેશે. જોકે ૧૫ ટકા વધુ વરસાદ પડયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ૨૮૪.૧ મીમી વરસાદ પડયો છે જે સામાન્ય રીતે ૨૪૮.૧ મીમી રહેતો હોય છે. એક જૂનથી ચોમાસાની શરૂઆત બાદ ભારતમાં અત્યાર સુધીમાં ૭૪૯ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળામાં સામાન્ય રીતે ૭૦૧ મિમી વરસાદ પડતો હોય છે. 

દરમિયાન રાજધાની દિલ્હીમાં વરસાદે ૧૫ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. ઓગસ્ટ મહિનામાં દિલ્હીમાં વર્ષ ૨૦૧૦ બાદ સૌથી વધુ વરસાદ પડયો હતો. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ સ્થિત વેધશાળાએ ઓગસ્ટમાં શુક્રવારે સાંજ સુધીમાં ૩૯૦.૩ મિલીમીટર વરસાદ નોંધ્યો હતો. જે ઓગસ્ટ ૨૦૧૨માં નોંધાયેલા ૩૭૮.૮ મિમી વરસાદ કરતા વધુ છે. આ પહેલા વર્ષ ૨૦૧૦માં સૌથી વધુ ૪૫૫.૧ મિમી વરસાદ નોંધાયો હતો. દેશમાં વરસાદ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં અનેક લોકો માર્યા ગયા છે. આંધ્ર પ્રદેશમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં વધુ સાત લોકો માર્યા ગયા હતા. જેમાં વિજયવાડામાં ભુસ્ખલનને કારણે માર્યા ગયેલા ચાર લોકોનો પણ સમાવેશ થાય છે. 

જ્યારે હિમાચલ પ્રદેશમાં ૨૭ જૂન બાદ એટલે કે છેલ્લા બે મહિનામાં વરસાદની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૧૫૦ને પાર પહોંચી ગઇ છે. રાજ્યના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ હિમાચલ પ્રદેશને આ દરમિયાન ૧૨૬૫ કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે. જ્યારે મંડીમાં ૧૨, કાંગ્રામાં ૧૦, કુલ્લુમાં નવ, શિમલામાં પાંચ મળી રાજ્યમાં કુલ ૭૨ રોડને બંધ કરવા પડયા છે. રાજ્યમાં ભુસ્ખલન અને પૂરને કારણે ટ્રાફિકની સ્થિતિ સર્જાઇ છે. હજુ આ સપ્ટેમ્બર મહિનામાં પણ હિમાચલ પ્રદેશમાં અતી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી સપ્ટેમ્બરના હિમાચલ પ્રદેશમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે. તેવી જ રીતે ઓડિશામાં પણ ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કેટલાક વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

તાજેતરના રિપોર્ટમાં કરાયેલા દાવાથી ખેડૂતોની ચિંતા વધી

ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ લાંબો સમય ચાલશે, પાકોને ભારે નુકસાનની ભીતિ

- ઓક્ટોબર સુધી મૂશળધાર વરસાદ ચાલુ રહેશે તો કપાસ, સોયાબીન, મકાઇ, દાળો સહિતના પાકોને મોટા પાયે નુકસાન થઇ શકે 

- મોંઘવારી વધવાની પણ સંભાવના

મુંબઇ : ચાલુ વર્ષે દેશમાં અત્યાર સુધી ચોમાસુ સારુ રહ્યું છે. જૂનમાં ધીમી શરૂઆત પછી જુલાઇ અને ઓગસ્ટમાં સારો વરસાદ થયો છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ વર્ષે ભારતમાં વરસાદ સામાન્યથી વધારે પડશે અને તે લાંબો સમય સુધી ચાલુ રહેશે.

ભારતીય હવામાન વિભાગે પણ અગાઉ જણાવ્યું હતું કે ચોમાસાના છેલ્લા બે મહિનામાં વરસાદ સામાન્યથી વધારે પડી શકે છે. નવા રિપોર્ટ પરથી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જો પાક તૈયાર થઇ જશે પછી વરસાદ પડશે મોટા પાયે કૃષિ પાકને નુકસાન થશે.

રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં ઓછા દબાણની સિસ્ટમ બની રહેવાને કારણે દેશમાં ચોમાસુ નિર્ધારિત સમય કરતા વધુ સમય સુધી ચાલી શકે છે. આ નવા રિપોર્ટને કારણે ચિંતાઓ વધી ગઇ છે કારણકે સપ્ટેમ્બરના મધ્યમાં જ કૃષિ પાક તૈયાર થવાના શરૂ થઇ જાય છે.

જો સપ્ટેમ્બરના મધ્યમાં પણ મૂશળધાર વરસાદ પડશે તો આ સમય દરમિયાન તૈયાર થતા પાક ધાન, કપાસ, સોયાબીન, મકાઇ અને દાળોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. 

જો કે બીજી તરફ વધારે વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે જેના કારણે  ઠંડીની સિઝનમાં લેવામાં આવતા ઘંઉ સહિતના પાકોને ફાયદો થશે. ખેડૂતોની નજર સપ્ટેમ્બરમાં પડનારા વરસાદ પર રહેશે. સપ્ટેમ્બરના વરસાદની અસર ખરીફ પાકોના ઉત્પાદન અને આગામી પાકની વાવણી બંને પર પડશે.

ભારતમાં ચોમાસાનો વરસાદ જૂનની શરૂઆતમાં શરૂ થાય છે. જુલાઇની શરૂઆત સુધી વરસાદ સમગ્ર ભારતને કવર કરી લે છે.

 વરસાદની સિઝન પૂર્ણ થવાની શરૂઆત સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ થાય છે અને ઓક્ટોબરના મધ્ય સુધી વરસાદની સિઝન પૂર્ણ થઇ જાય છે. જો કે આ વખત ચોમાસુ ઓક્ટોબરના અંત સુધી ચાલુ રહેવાની શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે ભારતીય કૃષિ સેક્ટરને જેટલા પાણીની જરૂર પડે છે તે પૈકી ૭૦ ટકા પાણીની જરૂરિયાત વરસાદના પાણીથી સંતોષાઇ જાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો