Hindenburg Report બાદ સેબીનું પહેલું નિવેદન, રોકાણકારોને શાંત-સતર્ક રહેવા સલાહ

sebi

Hindenburg Report : અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગે અદાણી મામલે નવો રિપોર્ટ જાહેર કર્યો છે. સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને અદાણી વચ્ચે સાંઠગાંઠના આરોપ લગાવવામાં આવ્યા છે. એવામાં સોમવારે શેર બજારમાં શું થશે તેને લઈને રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે. એવામાં હવે SEBIએ રોકાણકારોને શાંતિ બનાવી રાખવા સલાહ આપી છે. 

રવિવારે જાહેર કરવામાં આવેલ નિવેદનમાં SEBIએ કહ્યું છે કે અદાણી સામે મોટા ભાગની તપાસ સમાપ્ત થઈ ગઈ છે. હિંડનબર્ગ દ્વારા લગાવેલ આરોપ બુચ દંપત્તિએ નિરાધાર ગણાવ્યા છે અને જવાબ પણ રજૂ કર્યો છે. 

શાંત રહો, સાવચેતી રાખો: સેબી 

રોકાણકારોને શાંત રહેવાની અપીલ સાથે સેબીએ કહ્યું છે, કે 'આ પ્રકારના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા પહેલા શાંત રહો. સાવચેતી રાખો. રિપોર્ટમાં આપવામાં આવેલ ડિસ્ક્લેમર ધ્યાનથી વાંચો, જેમાં કહેવામાં આવ્યું છે કે વાંચકોએ માની લેવું જોઈએ કે હિંડનબર્ગ રિસર્ચની શૉર્ટ પોઝિશન હોઈ શકે છે.' 



રાહુલ ગાંધીએ મોદી સરકારને આકરા સવાલ કર્યા

1. સેબીના ચેરપર્સન માધબી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? 

2. જો રોકાણકારો પોતાની મહેનતની કમાણી ગુમાવે છે તો કોણ જવાબદાર? પીએમ મોદી, સેબી ચેરપર્સન કે પછી અદાણી? 

3. નવા આરોપો બાદ શું સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરાવશે? 

રાહુલ ગાંધીએ કહ્યું છે, કે 'હવે ખબર પડી ગઈ છે કે વડાપ્રધાન મોદી JPC તપાસથી આટલા કેમ ગભરાય છે. આનાથી સત્ય બહાર આવી શકે છે.' 

શેરબજારમાં જોખમ: રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને કહ્યું છે, કે 'કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે મેચ ચાલી રહી છે. મેચ જોનારા, મેચ રમનારા સૌ કોઈ જાણતું હોય કે અમ્પાયર ન્યાયસંગત નથી. તો શું મેચ થઈ શકશે? મેચમાં ભાગ લેનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે? ભારતીય શેરબજાર બિલકુલ આ જ ચાલી રહ્યું છે. છેલ્લા વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે. ઈમાનદારીથી બચત કરેલા રૂપિયા શેર બજારમાં લગાવી રહ્યા છે. વિપક્ષ નેતા રૂપે મારી ફરજ છે કે હું તમારું ધ્યાન દોરું કે શેર બજાર જોખમભર્યું છે કારણ કે શેર બજારને નિયંત્રિત કરતી સંસ્થા સાથે સમજૂતી કરાઇ છે.' 

નોંધનીય છે કે 10મી ઓગસ્ટે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબીના ચેરપર્સન  માધબી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. હિંડનબર્ગ દાવો હતો કે અદાણી ગ્રૂપ સાથે જોડાયેલી ઑફશોર કંપનીમાં  માધબી પુરી બુચ અને તેમના પતિની ભાગીદારી હતી. 

સેબીમાં જોડાયાના બે વર્ષ પહેલા કર્યું હતું રોકાણ: બુચ 

શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી સાથે સાંઠગાંઠના આરોપ પર માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે વિસ્તૃત જવાબ આપ્યો છે. નવા જવાબમાં બુચ દંપત્તિએ કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોકાણ તેમણે વર્ષ 2015માં કર્યું હતું. ત્યારે તેઓ બંને (માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ) સિંગાપોરના નાગરિક હતા અને SEBIમાં જોડાયાના બે વર્ષ પહેલા આ રોકાણ કરવામાં આવ્યું હતું. 

મિત્રની સલાહથી રોકાણ કર્યું: બુચ 

વધુમાં જણાવતા બુચ દંપત્તિએ કહ્યું છે કે આ રોકાણ તેમણે ધવલના ખાસ મિત્ર તથા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અનિલ આહુજાની સલાહ પર કર્યું હતું. અનિલ આહુજા બાળપણથી લઈને IIT સુધી ધવલ બુચના મિત્ર હતા. અનિલ આહુજાએ સિટીબેન્ક, જે પી મોર્ગન તથા 3i ગ્રૂપ જેવી સંસ્થાઓમાં કામ કર્યું છે. બુચ દંપત્તિનો દાવો છે કે જ્યારે વર્ષ 2018માં તેમને જાણ થઈ કે આહુજાએ ફંડના CIO રૂપે પદ છોડી દીધું છે ત્યારે તેમણે પણ પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું હતું. આ ફંડનો ક્યારેય અદાણીની કોઈ કંપનીના બોન્ડ કે ઈક્વિટીમાં ઉપયોગ કરાયો નથી.

અમારા કોઈ કોમર્શિયલ સંબંધ નથી: અદાણી 

હિંડનબર્ગના આરોપો પર અદાણી ગ્રૂપ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે. અદાણીએ પણ આરોપો નકારીને કહ્યું છે કે અગાઉ તપાસ થઈ ચૂકી છે અને તમામ આરોપ આધારહીન સાબિત થઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં જ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગ્રૂપનું કહેવું છે કે તેમના ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચરમાં પારદર્શિતા છે અને સમય સમય પર પબ્લિક ડોક્યુમેન્ટના માધ્યમથી જાણકારીઓ આપવામાં આવે છે. રિપોર્ટમાં જે લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની સાથે અમારા કોઈ જ કોમર્શિયલ સંબંધ નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો