રાજ્યભરમાં ધોધમાર વરસાદ, આવતીકાલે આ 13 જિલ્લામાં રેડ એલર્ટ, હજુ ભારે વરસાદની આગાહી

Rain

Gujarat Rain Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે (26 ઑગસ્ટ) રાજ્યભરના મોટાભાગના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, આવતી કાલે (27 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ ખાબક્યો છે. 

આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

આવતી કાલે (27 ઑગસ્ટ) સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : ગુજરાત જ નહીં દેશભરમાં મેઘાનો કહેર, હજુ બે દિવસ માટે હવામાન વિભાગની ચેતવણી

આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 27 ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં યલો એલર્ટ 

27 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 ઑગસ્ટની આગાહી 

રાજ્યભરના મોટાભાગના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદી વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે 28 ઑગસ્ટે સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

29 ઑગસ્ટની આગાહી 

રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે 29 ઑગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જેમાં સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

બીજી તરફ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, રાજરોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : વડોદરામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ

30-31 ઑગસ્ટની આગાહી 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 ઑગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, 31 ઑગસ્ટે કચ્છ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. 

વડોદરામાં પૂરની સ્થિતિ, મ્યુનિસિપલ કમિશનરે વીડિયો જાહેર કર્યો

વડોદરા શહેરમાં સવારથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે, ત્યારે શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે આજવા સરોવરમાં પાણીની આવક વધતાં વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા વાસીઓ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે, બીજી તરફ વરસાદ અટકવાનું નામ લેતો નથી. આ દરમિયાન વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વડોદરાની સ્થિતિ વધારે ગંભીર બને તેવી શક્યતા છે. હાલના તબક્કે કાલાઘોડા બ્રિજ ખાતે સાંજે 5:00 વાગે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ નોંધાઈ છે, જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે એક વીડિયો જાહેર કરીને વડોદરામાં પૂરની ગંભીર સ્થિતિ હોવાનું જણાવ્યું છે.

પાંચ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 

અમદાવાદમાં રાતે જ સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરુ થયો હતો અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. મીઠાખળી, પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતાં 28 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો