વિનેશ ફોગાટને રાજ્યસભામાં મોકલવાની માંગ, પણ કાયદા પ્રમાણે ગેરલાયક


Vinesh Phogat Was Demanded To Be Sent To Rajya Sabha: વિનેશ ફોગાટનું પહેલીવાર ઓલિમ્પિકસમાં કુશ્તીની ફાઇનલમાં પહોંચવાનું સપનું માત્ર '100 ગ્રામ'થી ચકનાચૂર થઈ ગયું હતું. વિનેશ ઓલિમ્પિકસમાં કુશ્તીની ફાઇનલમાં પહોંચનારી પહેલી ભારતીય રેસલર હતી. વિનેશ પહેલીવાર 50 કિગ્રા કેટેગરીમાં રમી રહી હતી. તેણે આખી રાત સખત મહેનત કરીને પણ વજન ઘટાડ્યું, પરંતુ તે આખરે 100 ગ્રામ વજનથી ચૂકી ગઈ હતી. વધુ વજનના કારણે અયોગ્ય જાહેર થયેલી વિનેશે પોતાના ડિસક્વોલિફિકેશન સામે અપીલ કરી છે. તેણે માંગ કરી છે કે તેને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે. આ અંગેનો નિર્ણય શુક્રવારે આવવાનો અપેક્ષિત છે. પરંતુ આ બધા વચ્ચે રાજકારણે જોર પકડ્યું છે. હવે વિનેશ ફોગટને રાજ્યસભામાં મોકલવાની માંગ ઉઠી છે. જેની માંગ હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર હુડ્ડા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ કરી છે.

વિનેશના કાકા મહાવીર ફોગાટે આ બધાને રાજકીય સ્ટંટ ગણાવ્યો

હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર હુડ્ડાએ કહ્યું હતું કે, 'જો રાજ્યમાં કોંગ્રેસ પાસે બહુમતી હોત તો હું વિનેશ ફોગટને રાજ્યસભામાં મોકલી ચૂક્યો હોત. હરિયાણામાં હાલમાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે, જો મારી પાસે બહુમતી હોત તો હું તેને રાજ્યસભામાં મોકલી દેત.' આ સાથે જ ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે, વિનેશ ફોગાટને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે અથવા તો તેને રાજ્યસભામાં મોકલવી જોઈએ. જો કે આ બધી પ્રતિક્રિયા વચ્ચે વિનેશના કાકા મહાવીર ફોગાટે આ બધાને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજે ભૂપિન્દર હુડ્ડા વિનેશને રાજ્યસભામાં મોકલવાની વાત કરી રહ્યા છે, પરંતુ જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે ગીતાને કેમ રાજસભા ન મોકલી? તેમણે દાવો કર્યો હતો કે તે સમયે ભૂપિન્દર હુડ્ડાની રાજ્યમાં સરકાર હતી. ત્યારે ગીતા અને બબીતાને ડીએસપીનું પદ આપવાનું હતું. પરંતુ હુડ્ડા સાહેબે ભેદભાવ કરીને ગીતાને ઈન્સ્પેક્ટર અને બબીતાને સબ ઈન્સ્પેક્ટર બનાવી હતી. અમે ત્યારે કેસ દાખલ કર્યો અને કોર્ટ દ્વારા સમગ્ર મામલો ઉકેલાયો હતો.

આ પણ વાંચો: VIDEO : ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો અર્શદ નદીમ, ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યા બાદ પાકિસ્તાની એથ્લીટ થયો ભાવુક

તો પણ વિનેશ માત્ર 4 દિવસથી ચૂકી જશે

હકીકતમાં હરિયાણામાં ભૂપિન્દર હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડા લોકસભામાં ચૂંટાયા બાદ રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે. માટે ખાલી બેઠક પર રાજ્યસભાની ચૂંટણી માટે જાહેરનામું 14 ઓગસ્ટે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. પરંતુ આ સ્થિતિમાં વિનેશ ફોગાટની સાથે ઉંમરને લઈને સમસ્યા થઇ શકે છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની ઉમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. વિનેશ અત્યારે 29 વર્ષની છે. 25મી ઓગસ્ટે તે 30 વર્ષ પૂરા કરશે. એટલે કે આ વખતે વીનેશ ઈચ્છે તો પણ તે રાજ્યસભા માટે નોમિનેશન નહીં ભરી શકે. કોઈપણ પક્ષ તેને હરિયાણાથી રાજ્યસભામાં મોકલવા ઈચ્છે તો પણ વિનેશ માત્ર 4 દિવસથી ચૂકી જશે.

શું રાષ્ટ્રપતિ વિનેશ ફોગાટને રાજ્યસભા માટે નોમીનેટ કરી શકે? 

રાષ્ટ્રપતિ બંધારણની કલમ 80(3) હેઠળ રાજ્યસભાના 245 સભ્યોમાંથી 12ને નોમિનેટ કરી શકે છે. નોમિનેટ કરાયેલા સભ્યોને સાહિત્ય, વિજ્ઞાન, કલા જેવા ક્ષેત્રોનો અનુભવ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરાયેલા 12માંથી 4સભ્યોનો કાર્યકાળ 13 જુલાઈએ પૂરો થઈ ગયો છે. જેમાં રામ શકલ, રાકેશ સિંહા, સોનલ માનસિંહ અને મહેશ જેઠમલાણીનો સમાવેશ થાય છે. બાકીના આઠ સભ્યોનો કાર્યકાળ પૂરો થવામાં હજુ સમય છે. એટલે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બાકીના 4 સભ્યોને રાજ્યસભા માટે નોમિનેટ કરી શકે છે. રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારની સલાહ પર કોઈપણને નોમિનેટ કરી શકે છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ વિનેશ ફોગટને નોમિનેટ કરી શકે છે.

રાજ્યસભાના સભ્ય બનવા માટે ભારતનું નાગરિક હોવું જરૂરી છે. અને વ્યક્તિની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. એટલા માટે દર બે વર્ષે ચૂંટણી યોજાય છે. રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ સભ્યો છ મહિનામાં કોઈપણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. અને જો તે આવું ન કરે તો તેને અપક્ષ ઉમેદવાર ગણવામાં આવે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે