MUDA કૌભાંડમાં કોર્ટે સિદ્ધારમૈયાને આપી મોટી રાહત, 29 ઓગસ્ટ સુધી નહીં થાય કોઈ કાર્યવાહી
MUDA case Against Karnataka CM: કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે નીચલી અદાલતને કથિત મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (મુડા) કેસમાં સિદ્ધારમૈયા વિરૂદ્ધ 29 ઓગસ્ટ સુધી કોઇ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી 29 ઓગસ્ટે જ થશે. રાજ્યપાલે 17 ઓગસ્ટે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. તેમના પર મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)ની જમીનના વળતર માટે નકલી દસ્તાવેજો સબમિટ કરવાનો આરોપ છે.
હાઇકોર્ટે શું કહ્યું?
સીએમ સિદ્ધારમૈયાની રિટ પિટિશન પર સુનાવણી કરતી વખતે હાઇકોર્ટના જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે, મુખ્યમંત્રી સામે વધુ કાર્યવાહી કરવાની પરવાનગી આપતો કોઈપણ આદેશ આ કોર્ટ સમક્ષની કાર્યવાહીને બગાડશે. કોર્ટ સમક્ષ કાર્યવાહી પેન્ડિંગ હોવાથી અને દલીલો હજુ પૂર્ણ થઈ નથી. તેથી, સંબંધિત કોર્ટ કેસની આગામી સુનાવણી સુધી તેની કાર્યવાહી સ્થગિત કરશે. આ ફરિયાદોના સંબંધમાં કોઈ પ્રારંભિક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
રાજકીય લડાઈથી વધુ પ્રેરિત અનુભવું છું: સિદ્ધારમૈયા
રિટ પિટિશન દાખલ કર્યા બાદ સિદ્ધારમૈયાએ કહ્યું કે, મારો અંતરાત્મા સ્પષ્ટ છે. મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. મને કોર્ટમાંથી રાહત મળવાનો વિશ્વાસ છે, કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી. હું 40 વર્ષથી રાજકારણમાં છે અને મારા રાજકીય જીવનમાં એક પણ દાગ નથી. મારું રાજકીય જીવન એક ખુલ્લું પુસ્તક છે. રાજભવનનો ઉપયોગ કરીને ભાજપ અને જેડી(એસ)એ મારી છબી ખરાબ કરવાનું કાવતરું ઘડ્યું છે. તેમણે કહ્યું કે અમે રાજકીય લડાઈની સાથે કાયદાકીય લડાઈ પણ લડીશું. હું રાજકીય લડાઈ દરમિયાન વધુ ઉર્જા અનુભવું છું. હું આ સતત કરતો આવ્યો છું. મેં આ પહેલા પણ કર્યું છે, અત્યારે પણ કરીશ અને ભવિષ્યમાં પણ કરીશ.
મુડા મામલે ભાજપ અને કોંગ્રેસનો વિરોધ
કર્ણાટકમાં આજે સોમવારે ભાજપ અને કોંગ્રેસ બંને મુડા કૌભાંડનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાના રાજ્યપાલના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, ભાજપ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માગ સાથે વિરોધ કરી રહ્યું છે.
ભાજપે સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે કહ્યું- અમે સીએમ સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી રહ્યા છીએ. તેઓએ ગરીબ લોકોને લૂંટ્યા છે. કર્ણાટક સરકાર કોંગ્રેસ હાઈકમાન્ડ માટે એટીએમ છે. બીજેપી નેતા સીટી રવિએ કહ્યું કે સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારનો આરોપ છે. સૌ જાણે છે કે MUDA કૌભાંડ થયું છે. રાજ્યપાલે બંધારણ મુજબ તપાસના આદેશ આપ્યા છે.
સિદ્ધારમૈયા સરકારને તોડી પાડવાનું ષડયંત્રઃ કોંગ્રેસે
કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું- મુડા કૌભાંડ એ સિદ્ધારમૈયા સરકારને તોડી પાડવાનું બીજેપી અને જેડીએસનું ષડયંત્ર છે. તેઓ મુખ્યમંત્રીની છબી ખરાબ કરવા માંગે છે. કોંગ્રેસ આ મુદ્દે કાયદાકીય અને રાજકીય રીતે લડશે.
સિદ્ધારમૈયા પર શું છે આરોપ?
હકીકતમાં, સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી પાસે મૈસુર જિલ્લાના કેસારે ગામમાં 3 એકર અને 16 ગુંટા જમીન હતી. આ જમીન પાર્વતીના ભાઈ મલ્લિકાર્જુનને 2010માં ભેટમાં આપી હતી. MUDAએ આ જમીન સંપાદિત કર્યા વિના જ દેવનૂર સ્ટેજ 3 લેઆઉટ વિકસાવ્યો હતો. જો કે, આ જમીનના બદલામાં 2022માં બસવરાજ બોમાઈ સરકારે દક્ષિણ મૈસુરના પોશ વિસ્તારમાં પાર્વતીને 14 સાઇટ્સ આપી હતી. 50:50 રેશિયો સ્કીમ હેઠળ તેમનો કુલ વિસ્તાર 38,283 ચોરસ ફૂટ હતો. સિદ્ધારમૈયાની પત્નીને MUDA તરફથી વળતર તરીકે વિજયનગરમાં પ્લોટ મળ્યો હતો તેની કિંમત કેસારે ગામમાં આવેલી તેમની જમીન કરતાં ઘણી વધારે છે. જે મામલે સિદ્ધારમૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આમાં સિદ્ધારમૈયા પર MUDA સાઇટને પારિવારિક સંપત્તિ તરીકે દાવો કરવા માટે બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ મૂક્યો છે.
Comments
Post a Comment