સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, ગુજરાતમાં જ 39 હજારથી વધુ સંપત્તિઓ: જાણૉ ‘સંશોધન’ પર કેમ થઈ રહ્યો છે વિરોધ


Waqf Board Amendments Bill :  મોદી સરકાર દ્વારા વક્ફ બોર્ડની અમર્યાદિત શક્તિઓ પર સકંજો કસવા માટે સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર મુસ્લિમો માટેના વકફ કાયદામાં સુધારો કરવા જઇ રહી છે. એવું કહેવાય છે કે, આગામી સપ્તાહે સંસદમાં આ બિલ લાવવામાં આવશે. એવા અહેવાલો છે કે આ સુધારા માટે કેબિનેટ દ્વારા બિલને પણ મંજૂરી આપી દેવાઇ છે જેને હવે સંસદમાં રજુ કરવામાં આવશે. કેબિનેટ દ્વારા વકફ કાયદામાં કુલ 40 જેટલા સુધારાને મંજૂરી અપાઇ છે. જેમાં મોટાભાગના સુધારા વકફ બોર્ડને સંપત્તિ પર મળેલા અધિકારો પર કાપ મુકવા માટેના છે. સુધારા મુજબ વકફ બોર્ડ કોઇ પણ સંપત્તિને પોતાની રીતે વકફની સંપત્તિ જાહેર નહીં કરી શકે. કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવનો મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ આકરો વિરોધ કરી રહ્યો છે. બિલ અંગે કેટલાકનું કહેવું છે કે, આ બિલ વક્ફ બોર્ડના અધિકારીઓને છિનવી લેવા માટે લવાશે. તો કેટલાક કહે છે કે, આ કલ્યાકારી બિલ છે. તો જાણીએ આ બિલનો વિરોધ કેમ થઈ રહ્યો છે અને વકફ બોર્ડ પાસે દેશના કયાં રાજ્યોમાં કેટલી જમીન છે?

વક્ફ બોર્ડના દાવા બાદ સંપત્તિનું સંપૂર્ણ વેરિફિકેશન કરાશે

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારો કરવામાં આવે તો બાદમાં વકફ બોર્ડે જો કોઇ સંપત્તિ પર દાવો કર્યો હશે તો તેનું સંપૂર્ણ વેરિફિકેશન કરવામાં આવશે. આ સંશોધનોનું બિલ આગામી સપ્તાહે સંસદમાં રજુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. દરમિયાન, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ સ્પષ્ટ કહ્યું છે કે, વક્ફ બોર્ડની કાનૂની સ્થિતિ અને સત્તામાં કોઈપણ દખલ સહન કરવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર વક્ફ બોર્ડને સંચાલિત કરતા 1995ના કાયદામાં સુધારો કરવા માટે સંસદમાં એક બિલ લાવવા જઈ રહી છે જેથી કરીને તેમના કામકાજમાં વધુ જવાબદારી અને પારદર્શિતા આવે અને મહિલાઓની ફરજિયાત ભાગીદારી હોય.

આ પણ વાંચો : 'તમે લાંબા સમય સુધી બહાર થઇ શકો છો...' રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ પર કેમ ભડક્યાં સભાપતિ

વિવાદિત સંપત્તિનું પણ ફરજિયાત વેરિફિકેશન કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારા માટે જે બિલ તૈયાર કરાયું છે તેમાં મોટા ફેરફારોનો ઉલ્લેખ છે. જે મુજબ વકફ બોર્ડે દાવો કર્યો હોય તે તમામ સંપત્તિનું ફરજિયાત વેરિફિકેશન કે ખરાઇ થશે. કાયદાની કલમ 9 અને 14માં સુધારો કરાશે અને મુસ્લિમ મહિલાઓને પણ વકફ બોર્ડમાં સામેલ કરાશે. જે પણ સંપત્તિનો વિવાદ હાલ ચાલી રહ્યો હોય તેનું પણ ફરજિયાત વેરિફિકેશન કરાશે. દુરુપયોગ અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને પણ વકફ સંપત્તિની દેખરેખ માટે સામેલ કરાશે. વર્ષ 2022માં તામિલનાડુ વકફ બોર્ડ દ્વારા રાજ્યના પુરા એક ગામ થિરુચેનુદુરાઇ પર પોતાનો દાવો કર્યો હતો. જ્યારે આ ગામમાં હિન્દુઓ બહુમતમાં છે. આ દાવા બાદ વિવાદ પણ સામે આવ્યો હતો. 

UPAએ વક્ફ કાયદામાં 1995માં સુધારો કર્યો હતો

વકફ બોર્ડ લગભગ 9,40,000 એકરમાં ફેલાયેલી 8,70,000 સંપત્તિઓની દેખરેખ કરે છે. વર્ષ 2013માં યુપીએ સરકારે મૂળ વકફ કાયદા 1995માં સુધારો કરીને વકફના અધિકારોને મજબૂત કર્યા હતા. આ સુધારો ઔકાફને રેગ્યુલેટ કરવા માટે લાગુ કરાયો હતો. 

આ પણ વાંચો : 'આ તમે નવો ડ્રામા શરૂ કર્યો છે....'ફરી નામને લઈને ભડક્યા જયા બચ્ચન, ધનખડે જુઓ શું જવાબ આપ્યો

વક્ફ શું છે?

વક્ફ અરબી શબ્દ વકુફા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે રહેવું. વક્ફ એ ઇસ્લામિક કાયદા હેઠળ ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે ખાસ સમર્પિત મિલકતોનો ઉલ્લેખ કરે છે.  એક વકીફ દ્વારા દાન કરાયેલી અને વકફ તરીકે નામિત સંપત્તિને ઔકાફ કહેવામાં આવે છે. વકીફ તે વ્યક્તિને કહેવામાં આવે છે કે જે મુસ્લિમ કાયદા દ્વારા પવિત્ર, ધાર્મિક કે ધર્માર્થ સ્વરુપે માન્યતા પ્રાપ્ત ઉદ્દેશ્યો માટે સંપત્તિ સમર્પિત કરે છે. ઇસ્લામમાં આ એક પ્રકારની સખાવતી વ્યવસ્થા છે. વક્ફ એ મિલકત છે જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે. તે જંગમ અને સ્થાવર બંને હોઈ શકે છે. કહેવાય છે કે, આ દાનમાં આપવામાં આવેલી સંપત્તિ માલિક તરફથી ખુદાને સોંપવામાં આવે છે, ત્યારથી તે સ્થાન અપરિવર્તનીય બને છે.

જો વક્ફ બોર્ડ કોઈ જમીન પર દાવો કરે તો...

વક્ફ બોર્ડ પાસે અમર્યાદિત સત્તા છે. વકફ મિલકતોને વિશેષ દરજ્જો મળે છે. આ દરજ્જો કોઈપણ વિશ્વાસથી ઉપર છે. બોર્ડ કોઈપણ મિલકતની તપાસ કરી શકે છે. એકવાર બોર્ડ મિલકત પર પોતાનો દાવો કરે પછી તેને ઉલટાવવો મુશ્કેલ છે. વક્ફ એક્ટની કલમ 85 ખૂબ જ શક્તિશાળી છે. બોર્ડના નિર્ણયને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય નહીં.

વક્ફ પાસે કેટલી મિલકત છે?

સેના અને રેલ્વે પછી વકફ બોર્ડ પાસે સૌથી વધુ મિલકતો છે. વક્ફ પાસે 8.70 લાખ મિલકતો છે. વક્ફ દેશમાં ત્રીજા નંબરનું સૌથી મોટું જમીન માલિક છે. બોર્ડથી સૌથી વધુ મિલકત ઉત્તર પ્રદેશમાં છે. ભારતમાં બે પ્રકારના વક્ફ બોર્ડ છે, એક સુન્ની અને બીજા શિયા વક્ફ બોર્ડ... સુન્ની વક્ફ પાસે 2.10 લાખથી વધુ અને શિયા પાસે 15 હજારથી વધુ મિલકતો છે. વર્તમાન સમયમાં દેશમાં 32 વક્ફ બોર્ડ છે, જોકે ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, દમણ અને દીવમાં વકફ નથી.

કયા રાજ્યમાં કેટલી વકફ મિલકતો છે?

  • ઉત્તર પ્રદેશ - 2.25 લાખથી વધુ
  • પશ્ચિમ બંગાળ - 80,000થી વધુ
  • પંજાબ - 70,000થી વધુ
  • તમિલનાડુ - 65,000થી વધુ
  • કર્ણાટક - 61,000થી વધુ
  • કેરળ - 52,000થી વધુ
  • તેલંગાણા - 43,000થી વધુ
  • ગુજરાત - 39,000થી વધુ
  • મધ્યપ્રદેશ - 33,000થી વધુ
  • જમ્મુ-કાશ્મીર - 32,000થી વધુ
  • બિહાર - 8,000થી વધુ
  • દિલ્હી - 1,000થી વધુ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો