SC-ST અનામતમાં ક્રિમિલેયર નથી જોઈતું: સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરશે NDAના નેતા
SC St Reservation Sub-quota Creamy Layer: અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગમાં ક્રિમિલેયર બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વાંધો વ્યક્ત કર્યો છે. ચિરાગની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ચિરાગ પાસવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અમે ટિપ્પણી કરી શકતા નથી, પરંતુ આ આ મુદ્દે અમારા પક્ષને વાંધો છે. આ કારણે અમે પુનર્વિચારની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા જઇ રહ્યા છે. બે દિવસ પહેલા પણ ચિરાગ પાસવાનના પક્ષ એલજીપી(આર) એ નિવેદન આપી એસસી એસટી આરક્ષણમાં સબ કેટેગરી બનાવવા અને ક્રિમિલેયર લાવવાનો વિરોધ કર્યો હતો.
ચિરાગ પાસવાને શું કહ્યું?
કેન્દ્રિય ખાદ્ય મંત્રી તેમજ એલજીપી(આર)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને પટના સ્થિત મૌર્ય હોટલમાં શનિવારે (3 ઓગસ્ટ) ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગપતિઓના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, 'SCની જ્યાં સુધી વાત છે. તેમાં કેટલીક જાતીઓ છે જેમનો આધાર અસ્પૃશ્યતા છે. આ કારણસર આમા અનામતના અંદર અનામતનો ક્વોટા લાવવાની જોગવાઇ આવી શકે તેમ નથી. આ સાથે ક્રિમિલેયરની પણ જોગવાઇ લાગુ ન કરી શકાય. ચિરાગે વધુમાં કહ્યું કે, દલિત સમાજના સંપન્ન લોકો સાથે અસ્પૃશ્યતાના આધારે આજે પણ ભેદભાવ થઇ રહ્યું છે. દલિત સમાજના દિગ્ગજ લોકો પણ જો મંદિરમાં જાય છે તો મંદિરને ગંગાજળથી ધોવામાં આવે છે. આ દર્શાવે છે કે આજે પણ અસ્પૃશ્યતા આધારે ભેદભાવ થઇ રહ્યું છે.'
સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો?
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક ચૂકાદો આપતાં અનુસૂચિત જાતિ-જનજાતિમાં અત્યંત પછાત જાતિઓને અનામતનો લાભ આપવા માટે પેટા કેટેગરી બનાવવા રાજ્ય સરકારોને બંધારણીય શક્તિ આપી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત જાતિઓના ઉત્થાન માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવવા રાજ્યોને સંમતિ આપી છે. હવે રાજ્યોની વિધાનસભાઓ એસસી-એસટીની અંદર પેટા કેટેગરી બનાવવા કાયદો બનાવી શકશે. જોકે, સુપ્રીમે રાજ્યોને ક્રિમિલેયરને આ અનામતથી બહાર રાખવા નિર્દેશ આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ૬:૧ની બહુમતીથી આ ચૂકાદો આપ્યો હતો. આ બેન્ચમાં એકમાત્ર ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ અસંમતિપૂર્ણ મત વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ પહેલા રાજ ઠાકરે હવે શરદ પવાર...: વિરોધી નેતાઓને કેમ મળી રહ્યા છે મહારાષ્ટ્રના CM શિંદે?
ક્વોટાની અંદર ક્વોટા કેવી રીતે અપાશે
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અનુસૂજિત જાતિ અને અનુસૂજિત જનજાતિઓ માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવ્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટના ગુરુવારના આદેશ સાથે અનામતની અંદર ક્વોટા મળશે.વર્તમાન વ્યવસ્થા મુજબ અનુસૂજિત જાતિને 15 ટકા, અનુસૂચિત જનજાતિને 7.5 ટકા અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને 27 ટકા તેમજ આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામત આપવામાં આવે છે. હવે સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાના પગલે અનુસૂચિત જાતિના 15 ટકા અનામતની અંદર પેટા કેટેગરી બનાવી અનુસૂચિત જાતિની અત્યંત પછાત અને જરૂરિયાતમંદ જાતિઓને અનામત અપાશે. એટલે કે અનામતનો લાભ મેળવતા પછાત અને જરૂરિયાતમંદ વર્ગોની અંદર પણ ઉપેક્ષિત રહી ગયેલી જાતિઓને પેટા કેટેગરી હેઠળના અનામતનો લાભ મળી રહે તે નિશ્ચિત કરવામાં આવશે.
Comments
Post a Comment