સપ્ટેમ્બરમાં આફત બનીને વરસશે મેઘરાજા: ગુજરાત સહિત સાત રાજ્યોમાં ઍલર્ટ
Heavy Rain In India, IMD : ઑગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદને લઈને દેશભરમાં મેઘતાંડવના દૃશ્યો જોવા મળ્યા છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. આ સાથે અતિભારે વરસાદને કારણે તારાજીના દૃશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી મહિનામાં ગુજરાત સહિત સાત રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વાવાઝોડું ફંટાયું પણ હજુ મેઘરાજા કરશે તાંડવ, ગુજરાતમાં આ તારીખે ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ
ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સહિત દેશભરમાં સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઉત્તર-પશ્ચિમ ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વખતે IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 'દેશમાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં 167.9 મિ.મી.થી વધુ આશરે 109 ટકા છે.'
આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
ઑગસ્ટમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પછી, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સહિત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના ભાગો, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આજુબાજુના વિસ્તારોની સાથે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
આ પણ વાંચો : અમદાવાદીઓ સાચવજો! થોડા દિવસ ડહોળું પાણી આવે તેવી શક્યતા, ઉકાળીને પીજો
આ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા
IMDના વડાએ જણાવ્યું હતું કે, 'ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો, દક્ષિણ દ્વીપકલ્પના ઘણા વિસ્તારો, ઉત્તર બિહાર અને ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારો સિવાય ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે.'
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતી કાલે (1 સપ્ટેમ્બર) દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાત્રે ડ્યુટી કરનારા 35 ટકા ડોક્ટર અસુરક્ષિતઃ IMA ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
ઑગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં 16% વધુ વરસાદ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઑગસ્ટ મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. દેશમાં ઑગસ્ટ મહિનામાં 16 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 2001 પછી ઑગસ્ટમાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ ઉત્તર-પશ્ચિમ ભારતમાં 253.9 મિ.મી. નોંધાયો છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 'દેશમાં ઑગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ 248.1 મિ.મી કરતાં 287.1 મિ.મી વરસાદ નોંધાયો છે. એકંદરે, ભારતમાં 1 જૂનના રોજ ચોમાસાની સિઝનની શરુઆતથી અત્યાર સુધીમાં 749 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 701 મિ.મી. છે.'
Comments
Post a Comment