ચીનનો 'ડેમ બોમ્બ' ભારતનાં 8 કરોડ લોકોને સાફ કરી શકે, 50 પરમાણુ બોમ્બથી વધુ ઘાતક હોવાનો દાવો


- ભારત સાથે યુદ્ધ કે તણાવના સંજોગોમાં બ્રહ્મપુત્રાનું પાણી છોડીને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં વિનાશક પૂર લાવી ભારતના મોટા વિસ્તારને તબાહ કરી નાંખવાની ચીનની મેલી મુરાદ

- ચીનનો બ્રહ્મપુત્રા નદી પરનો કહેવાતો 'સુપર ડેમ' વાસ્તવમાં ભારત સામે ઉપયોગ કરી શકાય એ માટેનો 'ડેમ બોમ્બ' છે. ભારત સાથે યુદ્ધ કે તણાવ થાય એ સંજોગોમાં બ્રહ્મપુત્રાનું પાણી છોડીને અરૂણાચલ પ્રદેશ, આસામ સહિતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં વિનાશક પૂર લાવીને ભારતના મોટા વિસ્તારને તબાહ કરી નાંખવાની મેલી મુરાદ સાથે ચીને 'સુપર ડેમ' પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ચીન 50 પરમાણુ બોમ્બ વાપરીને પણ ભારતને ના કરી શકે એટલું નુકસાન એક 'ડેમ બોમ્બ'થી કરી શકે છે.

China Dam Bomb News | ભારતને ભિડાવવા માટે ચીન જાત જાતના પેંતરા કર્યા કરે છે. ચીનનો આવો જ નવો પેંતરો બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધીને વિશાળ હાયડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરવાનો છે. ભારતની સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર બનનારા આ બંધ દ્વારા ચીન બ્રહ્મપુત્રા નદીના મોટા ભાગના પાણીને રોકી દેવા માગે છે. બ્રહ્મપુત્રા હિમાલયમાં કૈલાશ પવર્તમાંથી નિકળે છે.  બ્રહ્મપુત્રા ભારતમાં પ્રવેશે એ પહેલાં ચીનમાં હિમાલયની પર્વતમાળામાંથી લગભગ 3000 મીટર ઉંડી ખીણમાં જંગી ધોધ સ્વરૂપે પડે છે. ચીન આ સ્થળે જ 'સુપર ડેમ' બાંધવા માગે છે કે જેથી મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકાય. 

ચીનનો દાવો છે કે, 'સુપર ડેમ' બનાવવા પાછળનો ઉદ્દેશ ચીનની વીજળીની જરૂરીયાત સંતોષવાનો છે પણ અમેરિકા સહિતના દેશોના નિષ્ણાતોના મતે ચીનનો કહેવાતો 'સુપર ડેમ' વાસ્તવમાં ભારત સામે ઉપયોગ કરી શકાય એ માટેનો 'ડેમ બોમ્બ' છે. ભારત સાથે યુદ્ધ કે તણાવ થાય એ સંજોગોમાં બ્રહ્મપુત્રાનું પાણી છોડીને અરૂણાચલ પ્રદેશ, આસામ સહિતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં વિનાશક પૂર લાવીને ભારતના મોટા વિસ્તારને તબાહ કરી નાંખવાની મેલી મુરાદ સાથે ચીને 'સુપર ડેમ' પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ચીન 50 પરમાણુ બોમ્બ વાપરીને પણ ભારતને ના કરી શકે એટલું નુકસાન એક 'ડેમ બોમ્બ'થી કરી શકે છે. 

ભારતને ડરાવવા માટે ચીન લાંબા સમયથી 'સુપર ડેમ'ની વાતો કર્યા કરે છે પણ અત્યાર લગી આ યોજના કાગળ પર જ હતી. 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં યુદ્ધ થયું પછી ચીને કાગળ પરના આ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં ફેરવવાનું નક્કી કરી નાંખ્યું. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટયુટ (એએસપીઆઈ) નામની થિંક ટેંકે આપેલી ચેતવણી પ્રમાણે, ચીને 'સુપર ડેમ' બાંધવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને 'સુપર ડેમ'ના કારણે ભારત પર બહુ મોટો ખતરો ઝળુંબી રહ્યો છે.

આસામ સહિતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં 5.16 કરોડની વસતી વસે છે.  યમુના- બ્રહ્મપુત્રા લિંકના વિસ્તારમાં લગભગ 1 કરોડ અને પશ્ચિમ બંગાળની લગભગ 2 કરોડ વસતી આ 'સુપર ડેમ'ના દાયરામાં આવે છે એ જોતાં ચીન ભારતની 8 કરોડ વસતીને સાફ કરી દેવાય એવું હથિયાર વિકસાવી રહ્યું છે. ડેમમાંથી છૂટેલાં બ્રહ્મપુત્રાનાં ધસમસતાં પાણી ભારતમાં પ્રવેશે પછી તેના રસ્તામાં આવતું કશું ના બચે. બિલ્ડિંગો, પુલો, રોડ-રસ્તા, પાવર પ્લાન્ટ્સ, ફેક્ટરીઓ બધું તબાહ થઈ જાય એ જોતાં માલમત્તાને કેટલું નુકસાન થાય તેનો તો અંદાજ જ મૂકી શકાય તેમ નથી. 

એએસપીઆઈના રીપોર્ટ પ્રમાણે ચીને 'ડેમ બોમ્બ' બનાવવા માટેનું સ્થળ એવું પસંદ કર્યું છે કે, ભારતને મહત્તમ નુકસાન કરી શકાય. મોટા ભાગની નદીઓ સર્પાકારે વહેતી હોય છે. નદીમાં પૂર આવે ત્યારે નદીના કાંઠા સિવાયનો બીજા વિસ્તારમાં પણ પાણી ફરી વળે છે. આ વિસ્તાર ધીરે ધીરે નદીનો જ ભાગ બની જાય છે અને તેને રીવરબેન્ડ કહે છે. ગુજરાતીમાં તેને નદીનો પટ કહેવાય છે. નદીના પટમાં બારે મહિના પાણી ના હોય પણ ગમે ત્યારે પાણી આવી શકે. 

ચીને બંધ બાંધવા માટે એ વિસ્તાર પસંદ કર્યો છે કે જ્યાં બ્રહ્મપુત્રાનો પટ સૌથી પહોળો છે. આ પટ પાછો ત્રણ હજાર મીટર ઉંડી ખીણમાં છે તેથી વરસાદ વખતે મહત્તમ પાણીનો સંગ્રહ કરી શકશે. આ કારણે ઉનાળામાં ચીન પાણી રોકીને ભારતને પરેશાન કરી શકે અને તણાવના વખતે પાણી છોડીને ભારતને તબાહ કરી શકે. 

ચીને 2018માં ભારતને તેનું ટ્રેલર બતાવ્યું જ છે. ચીને તિબેટમાં બ્લાસ્ટ કરીને ભેખડો તોડી પાડીને બ્રહ્મપુત્રા નદીના પાણીનો પ્રવાહ રોકીને એક કૃત્રિમ સરોવર બનાવી દીધું હતું. ચીને એ પછી ભારતને ચેતવણી આપેલી કે,  આ કૃત્રિમ સરોવર ગમે ત્યારે તૂટી પડશે ને અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદીનાં ધસમસતાં પાણી ફરી વળશે તેથી પછી અમને કહેતા નહીં. .

ચીનની ચેતવણીના પગલે ભારતે અરૂણાચલ પ્રદેશમાં ઘરો ખાલી કરાવી દીધાં અને લોકોને સલામત સ્થળે ખસેડયાં હતાં. આખું વહીવટીતંત્ર ધંધે લાગી ગયું હતું.  લોકો પણ હાંફળાંફાંફળાં થઈને જે મળ્યું તે લઈને ભાગવા માંડયાં હતાં. આસામમા પણ લોકો ગભરાટમાં હતાં ને અરૂણાચલ પ્રદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવાયું હતું. એ પછી ચીને જાહેરાત કરી કે, બ્રહ્મપુત્રામાં પાણીનું સ્તર ઘટી ગયું છે તેથી કૃત્રિમ સરોવર ફાટે ને તેનાં પાણી ફરી વળે તેવો કોઈ ખતરો નથી. ચીને ભારતને ડરાવવા આ નાટક કરેલું એ કહેવાની જરૂર નથી. 

આપણી લાચારી એ છે કે, ચીનના 'ડેમ બોમ્બ' સામે આપણે કશું કરી શકીએ તેમ નથી. બ્રહ્મપુત્રા નદીના મુદ્દે ભારત-ચીન વચ્ચે 2002માં કરાય થયેલા. આ કરાર પ્રમાણે, ચીન બ્રહ્મપુત્રા નદી અંગે ચીન જે પણ પ્રવૃત્તિ કરે તેની માહિતી ભારતને આપવા બંધાયેલું હતું. 2008, 2013 અને 2018માં પાંચ-પાંચ વર્ષ માટે આ કરાર લંબાવાયો હતો. 2023માં આ કરાર પૂરો થયો પછી ચીને કરારને રીન્યુ કરવાની ઘસીને ના પાડી દીધી ત્યારે જ ચીનના બદઈરાદા છતા થઈ ગયેલા. એએસપીએનો દાવો છે કે, ચીને એ વખતે જ ભારત સામે 'ડેમ બોમ્બ'નો ઉપયોગ કરવાનું નક્કી કરી નાંખેલું. 

ભારત-ચીન વચ્ચે કરાર હતા ત્યારે ભારતે તિબેટમાં બનનારા ઝાંગમુ હાયડ્રોપાવર પ્રોજેક્ટ સામે વાંધો લીધો હતો. આ પ્રોજેક્ટના કારણે નદીનો પાણીનો પ્રવાહ ઘટશે તેવી ચિંતા ભારતે દર્શાવી હતી. ભારતે વાંધો લીધો પછી ચીને ચોરી પર સિનાજોર કરતાં  કહેલું કે,  બ્રહ્મપુત્રા નદી પર કોઈ બંધ બંધાઈ રહ્યો નથી પણ તિબેટની જિનશા, લૈનકાંગ અને નૂજિઆંગ નદીઓ પર બંધ બંધાઈ રહ્યો છે. આ નદીઓમાં વીજળી પેદા કરવાની ભારે ક્ષમતા છે. આ એકેય નદી ભારતમાંથી પસાર થતી નથી તેથી તેના પર પ્રોજેક્ટ બને તેની ભારતે ચિંતા કરવાની જરૂર નથી. 

ચીને ભારતને સૂફિયાણી સલાહ પણ આપી કે,  ચીનના કોઈ પણ હાઇડ્રોપાવરથી ભારતને કોઈ ખતરો નથી નથી તેથી ભારત ખોટા વાંધા ઉભા ના કરે. જિનશા, લૈનકાંગ અને નૂજિઆંગ નદીઓ બ્રહ્મપુત્રામાં ભળે છે તેથી ચીને જૂઠાણું ચલાવેલું પણ આપણે તેને કશું કરી શકીએ તેમ નહોતા. 

- ભારતનાં ઉત્તર-પૂર્વના રાજ્યો બ્રહ્મપુત્રા નદીના પાણી પર નિર્ભર

બ્રહ્મપુત્રા નદી ચીનમાં કૈલાશ પર્વત પાસેથી નિકળે છે. બ્રહ્મપુત્રા તિબેટ થઈને ભારત આવે છે અને પછી બાંગ્લાદેશ જાય છે. બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદી જમુના તરીકે ઓળખાય છે. તિબેટમાં યારલુંગ ત્સાંગપો અને ચીનમાં યારલુંગ ઝાંગબો તરીકે ઓળખાતી બ્રહ્મપુત્રા ભારતમાં સૌથી પહેલાં અરૂણાચલ પ્રદેશમાં આવીને પછી આસામમાં જાય છે. આસામનાં દિબુ્રગઢ, તેઝપુર, ધુબરી, જોરહટ, ગુવાહાટી વગેરે તમામ મોટાં શહેરો બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલાં છે. સુંદરવનના મુખત્રિકોણ પ્રદેશમાં ગંગા સાથે ભળીને બ્રહ્મપુત્રા છેવટે બંગાળના અખાતમાં ભળી જાય છે. ભારત માટે બ્રહ્મપુત્રા બહુ મહત્વની છે કેમ કે આસામ, અરૂણાચલ પ્રદેશ સહિતનાં ઉત્તર-પૂર્વનાં બધાં રાજ્યો તો બ્રહ્મપુત્રાના પાણી પર નિર્ભર છે જ પણ ઉત્તર ભારતનો મોટો વિસ્તાર પણ બ્રહ્મપુત્રાના પાણી પર નભે છે.  ભારતે બ્રહ્મપુત્રા-યમુના લિંક બનાવીને બ્રહ્મપુત્રાનું પાણી યમુના નદીમાં વાળ્યું હોવાથી ઉત્તર ભારતને પણ બ્રહ્મપુત્રા નદીના પાણીનો ભરપૂર લાભ મળે છે.  ચીને બ્રહ્મપુત્રા નદી પર 7 બંધ બાંધ્યા છે અને બીજા 11 બંધ બાંધવા માગે છે. 

બ્રહ્મપુત્રા નદી પર 11 મોટા ડેમ બાંધીને તેનું મોટા ભાગના પાણી પર કબજો કરવાની ચીનની મેલી મુરાદ જગજાહેર છે. ચીને સાઉથ-નોર્થ વોટર ટ્રાન્સફર પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે. 

આ પ્રોજેક્ટ હેઠળ ચીનની સૌથી મોટી નદી યાંગતેઝમાંથી ત્રણ મોટી કેનાલ બનાવીને મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે એ વિસ્તારોમાં પાણી અપાશે. ચીન બ્રહ્મપુત્રા સહિતની નદીઓનાં પાણી પણ આ કેનાલમાં વાળશે તેથી ભારત અને બાંગ્લાદેશ બંનેને અસર થશે. 

- ચીન 1000 કિમી લાંબી પાઈપ સુરંગથી બ્રહ્મપુત્રાનું વહેણ બદલી નાંખશે

ચીન ભવિષ્યમાં ભારતને બ્રહ્મપુત્રા નદીનું એક ટીપું પાણી ના મળે એ માટે બ્રહ્મપુત્રા નદીના વહેણને બદલવા માટે પણ કામ કરી રહ્યું હોવાનું કહેવાય છે. આ અહેવાલ પ્રમાણે ચીન  એક હજાર કિલોમીટર લાંબી વિશાળ પાઈપ ધરાવતી સુરંગ બનાવી રહ્યું છે. જમીનમાં બનનારી આ સુરંગ ચાઈના મેઈનલેન્ડ કહેવાતા વિસ્તારમાં પહોંચશે. ચીન ત્યાં વિશાળ સરોવર બનાવશે. સુરંગ દ્વારા બ્રહ્મપુત્રાનું પાણી આ સરોવરમાં પહોંચશે ને પછી ત્યાંથી નહેરો દ્વારા આખા ચીનમાં જશે.ભારતમાં કોઈને કલ્પના પણ ના આવે આ યોજના છે પણ ચીન પાસે રાક્ષસી ટેકનોલોજી છે, પૈસો છે અને જબરદસ્ત મેનપાવર છે એ જોતાં ચીન માટે એ શક્ય છે જ. ચીન સાઉથ-નોર્થ વોટર ટ્રાન્સફર પ્રોજેક્ટની વેસ્ટ કેનાલમાં બ્રહ્મપુત્રાનું પાણી વાળવાનું છે. જમીનમાં બનનારી પાઈપની સુરંગ તેનો ભાગ હોઈ શકે છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો