ભારતના કારણે બાંગ્લાદેશમાં આવ્યું પૂર! નવી સરકારનો આક્ષેપ, ભૂસ્ખલન-ડૂબવાથી નવ લોકોના મોત
Bangladesh Flood: બાંગ્લાદેશ હિંસક પ્રદર્શનોથી થયેલા નુકસાન બાદ હવે પૂરના સંકટનો સામનો કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં સતત વરસાદ બાદ ભૂસ્ખલન અને ડૂબવાથી નવ લોકોના મોત અને 2 લોકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશના ઢાકામાં મોટાભાગની મુખ્ય નદીઓ ચિંતાજનક સ્તરથી ઉપર વહી રહી છે, ગોમતી નદીનું જળસ્તર પણ અત્યંત જોખમી સ્તરને પાર કરી ગયું છે. બીજીતરફ બાંગ્લાદેશની નવી સરકારે ભારતના કારણે પૂર આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેણે આક્ષેપ કર્યો છે કે, ભારતે ડેમનું પાણી છોડતાં દેશના પૂર્વીય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
વિદેશ મંત્રાલયે આરોપો નકાર્યા
ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના આરોપો નકારી કાઢ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, 'ત્રિપુરામાં ગોમતી નદી ઉપર સ્થિત ડંબૂર ડેમને ખોલવાથી બાંગ્લાદેશમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી નથી. ગોમતી નદીના જળગ્રહણ ક્ષેત્રોમાં તાજેતરમાં જ ભારે વરસાદ થયો છે. જે પૂરનું મુખ્ય કારણ છે.'
મંત્રાલયે કહ્યું કે, 'ડંબૂર ડેમ બાંગ્લાદેશની સરહદથી 120 કિમી દૂર સ્થિત છે અને આ એક ઓછી ઉંચાઇવાળો ડેમ છે, જે વીજળી ઉત્પન્ન કરે છે. બાંગ્લાદેશ ત્રિપુરાથી 40 મેગાવોટ વીજળી પણ પ્રાપ્ત કરે છે. બાંગ્લાદેશને પૂરના આંકડા વાસ્તવિક સમયમાં ભેજવામાં આવી રહ્યા છે. પૂરના કારણે કોમ્યુનિકેશનમાં તકલીફો પડી રહી છે, પરંતુ ભારતે ડેટા સમયસર મોકલાવાના પ્રયાસો કર્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નદી જળ સહયોગ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. બન્ને દેશોએ મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની આવશ્યક્તા છે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે 54 નદીઓ વહે છે
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરા અને બાંગ્લાદેશના ઘણાં શહેરોમાં હજુ ભારે વરસાદ ચાલુ છે અને ભારે જળ પ્રવાહની સ્થિતિમાં નિયમિત રૂપે પાણી છોડવામાં આવે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી નદીઓમાં પૂર એક મોટી સમસ્યા છે, જેનાથી બન્ને દેશના લોકોની મુશ્કેલી પડે છે અને તેનું સમાધાન ઘનિષ્ઠ સહયોગથી જ સંભવ છે.'
વિદેશ મંત્રાલયે જળ સંસાધનો અને નદી જળ પ્રબંધનના મુદ્દાઓ પર દ્વિપક્ષીય કાઉન્સેલિંગ અને ટેક્નિકલ ચર્ચાઓના માધ્યમથી ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 54 નદીઓ વહે છે અને નદી જળ સહયોગ દ્વિપક્ષીય સંબંધોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
Comments
Post a Comment