ચર્ચિલે દુષ્કાળના નામે 30 લાખ ભારતીયોને માર્યા હતા: સંશોધન!


ચર્ચિલના આ કૃત્યને સામુહિક હત્યાકાંડ (જેનોસાઈડ) ગણવો જોઈએ. એટલું જ નહીં, સરકારમાં ક્ષમતા હોય તો બ્રિટન પાસે માફી મંગાવવી જોઈએ અને વળતર પણ લેવું જોઈએ

ભારતમાં દર વર્ષે સરેરાશ ૯૦થી ૧૧૦ ટકા વરસાદ પડે છે. એટલે કે કોઈક વરસે પાણી ઓછુ પડે, ક્યારેક અતિવૃષ્ટિ થાય. ઉનાળામાં જળાશયો સુકાવા લાગે ત્યારે થોડી ચિંતા થાય, પણ વળી ચોમાસામાં વરસાદ પડે ત્યારે નવ નીર છલી વળે છે. એક તરફ નર્મદાની નહેરો વહે છે, બીજી તરફ પાણીના ટેન્કર દોડતા રહે છે.

ખાવા-પીવાની સામગ્રી તો હવે ઓનલાઈન મળતી થઈ છે અને જરૂરિયાતમંદો માટે ઠેર ઠેર અન્નક્ષેત્ર ચાલે છે. એટલે સ્થિતિ એવી છે કે છેલ્લા ૩૦-૩૫ વર્ષ દરમિયાન જન્મેલી કે ઉછરેલી પેઢીને દુષ્કાળ ખરેખર કેવો હોય તેનો અંદાજ જ નથી. પણ ભારતે જગતના ઈતિહાસનો સૌથી ઘાતક કહી શકાય એવો દુષ્કાળ આઝાદીના પાંચ વર્ષ પહેલા ૧૯૪૩માં જોયો હતો.

ઈતિહાસમાં 'ધ બેંગાલ ફેમિન ઓફ ૧૯૪૩' નામે ઓળખાતો એ દુષ્કાળ હકીકતે કૃત્રિમ હતો. એ વખતના બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની નીતિ (ખરેખર તો અનીતિ)ને કારણે ભારતના ૩૦ લાખથી વધારે લોકો ભૂખે મર્યા હતા. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના પ્રોફેસર વિમલ મિશ્રા અને તેમના સાથીદારોએ આ અંગે લેટેસ્ટ સંશોધન રજૂ કર્યુ છે. જિયોફિઝિકલ રિસર્ચ લેટરમાં આ સંશોધન પ્રગટ થયું છે.

તેમાં પ્રોફેસર મિશ્રા અને તેમના સભ્યો અમરદીપ તિવારી, સરન અધાર, રીપલ શાહ, મુ ક્ષિઓ, ડી.એસ.પાઈ તથા ડેનીસ લિટનમાઈરે ૧૮૭૬થી લઈને ૨૦૧૬ સુધીના તમામ દુષ્કાળનો અભ્યાસ કર્યો છે. એ પછી તારણ આપ્યું છે કે બીજા બધા દુષ્કાળ કુદરતી હતા, ૧૯૪૩નો દુષ્કાળ ચર્ચિલે જાતે ઉભો કરેલો હતો.

દુષ્કાળ કોઈ વ્યક્તિ કઈ રીતે ઉભો કરી શકે? કરી શકે, ખોરાક આંચકી લઈને કરી શકે. ચર્ચિલે ભારતના ભાગનું લાખો ટન અનાજ બ્રિટનમાં નિકાસ કરાવ્યું હતુ. પરિણામે અહીં જે ખેડૂત ખેતરમાં અનાજ ઉગવે એ ખેડૂતના હાડકાં થોડા સમય પછી એ જ ખેતરમાંથી મળતાં હતા. ૧૯૩૯થી ૧૯૪૫ વચ્ચે બીજું વિશ્વયુદ્ધ ખેલાયું હતુ.

યુદ્ધ વખતે અનાજ સહિતની સામગ્રીની જરૂર પડે. ટાપુ દેશ બ્રિટન પાસે તો એ બધી સામગ્રી ક્યાંથી હોય? માટે ભારત જેવા બ્રિટિશ તાબાના દેશોમાંથી બધી સામગ્રી લૂંટના ધોરણે બ્રિટન મોકલાવી દેવામાં આવતી હતી. છેવટે અનાજના ભંડાર ખાલી થવા લાગ્યા અને જ્યાં ગંગા અને તેના જેવી અનેક નદીઓ બે કાંઠે વહે છે, એ બંગાળમાં ભુખમરાની સ્થિતિ આવી.

આ સંશોધનમાં નોંધાયુ છે કે ૧૮૭૬થી લઈને ૨૦૧૬ સુધીમાં ભારતે સાત મોટા દુષ્કાળ જોયો છે. છેલ્લો દુષ્કાળ ૨૦૧૧થી ૨૦૧૫ વચ્ચે નોંધાયો હતો. પરંતુ તેને સામાન્ય દુષ્કાળ ગણવો રહ્યો, લાખો લોકોને અસર કરે એવો દુષ્કાળ આઝાદી પછી આવ્યો જ નથી. દુષ્કાળનું સામાન્ય કારણ વરસાદની અછત છે.

જે વરસે વરસાદ ઓછો પડે તેના બીજા વરસે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય. જો સતત બે-ત્રણ વરસ વરસાદ ન પડે તો પછી ગંભીર દુષ્કાળ કહી શકાય એવા સંજોગો પણ ઉભા થાય. પરંતુ મોટે ભાગે સરકારી સહાય પહોંચી જતી હોવાથી મોટી સંખ્યામાં જાનહાની હવે થતી નથી. એ વખતની સ્થિતિ અલગ હતી.

સંશોધકોએ દરેક દુષ્કાળ વખતની માટીની તપાસ કરી. જમીનમાં કેટલો ભેજ છે, તેના આધારે ખબર પડે કે વરસાદ પડયો હતો કે નહીં. ૧૯૪૩ને બાદ કરતા બાકીના બધા દુષ્કાળ વખતે માટી કોરી હતી. સાવ કોરી એટલે સતત બે-પાંચ વરસ વરસાદ ન પડયો હોવાની વાત સાબિત થાય. પણ ૧૯૪૩માં વરસાદ ન પડવાની સ્થિતિ ન હતી.

વરસાદ ઓછો પડયો હતો, પરંતુ એટલો બધો ઓછો કે બંગાળની સોના જેવી ધરતી અનાજ પેદા કરવાનું બંધ કરી દે. એટલે કે દર વર્ષની જેમ અનાજ પેદા થયું જ હતું. પણ એ અનાજ ખેતરમાંથી બંગાળીઓના પેટમાં પહોંચે એ પહેલા ચર્ચિલે આંચકી લીધું હતું.

વિન્સ્ટન ચર્ચિલ વડા પ્રધાન બન્યા ત્યારથી તેમને ભારત અને ભારતીયો પ્રત્યે સખત નફરત હતી. ભારતની પ્રજા તેમના માટે કીડા સમાન હતી. માટે વારંવાર ભારતીય પ્રજા વિશે બોલી શકાય એવા અપશબ્દો તેમના મુખેથી સરી પડતા હતા. ગાંધીજીને તો એમણે અર્ધનગ્ન ફકીર કહ્યા હતા. ભારતમાંથી જેટલું શોષણ થાય એટલું કરી લેવાનું હતું.

વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ લશ્કર માટે લાખો ટનના હિસાબે ચોખા, ઘઉં, અન્ય ખેત પેદાશોની જરૂર પડતી હતી. ભારતમાંથી હજારો ટન અનાજ બ્રિટનમાં જતું હતું. એ પૂરતું ન હતું, માટે ચર્ચિલે જ્યાં પણ અનાજનો દાણો દેખાય એ બ્રિટન ભેગો કરી દેવાનો આદેશ આપ્યો હતો. છેવટે સ્થિતિ એવી આવી કે લોકોના ઘરમાં હોય એટલું જ અનાજ બાકી રહ્યું અને એ ખતમ થાય પછી ભુખે મરવાની સ્થિતિ શરૂ થઈ.

જાન્યુઆરીથી જુલાઈ ૧૯૪૩ દરમિયાન ભારતમાંથી ૭૦ હજાર ટન ચોખા બ્રિટનમાં મોકલી દેવાયા હતા. વિશ્વયુદ્ધ એશિયાઈ મોરચે પણ સક્રિય હતું. બ્રિટિશ, જાપાની, અમેરિકન સૈનિકો ભારતમાં ઘણા ભાગોમાં ફેલાયેલા હતા. એમના માટે પણ અનાજનો જથ્થો ફળવાઈ ચૂક્યો હતો. જાપાનીઓ બ્રિટિશરોની સામે હતા, માટે તેઓ ભારતને બ્રિટિશ તાબાનું માનીને અનાજ આંચકી રહ્યા હતા. 

એ સંજોગોમાં સામાન્ય રીતે બ્રિટિશ સરકારે બંગાળ પ્રાંતમાં સત્તાવાર દુષ્કાળની જાહેરાત કરી દેવાની જરૂર હતી. જો જાહેરાત કરે તો પછી ભારતથી બ્રિટન જતા અનાજના કોથળા અટકાવી દેવા પડે. એટલે ચર્ચિલે કોઈ કાળે એ જાહેરાત થવા ન દીધી. બાકી એ બંગાળમાં ૧૮૭૩-૭૪માં પણ દુષ્કાળ પડયો હતો. ત્યારે ગવર્નર રિચાર્ડ ટેમ્પલ હતો.

તેણે દુષ્કાળ જાહેર કરી લોકોની મદદ કરી હતી. માટે મોતની સંખ્યા મર્યાદિત રહી હતી. ચર્ચિલના મંત્રીઓએ ચેતવણી આપી હતી કે ભારતમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે, તો ચર્ચિલે જવાબ આપ્યો હતો કે 'ભારતના પ્રશ્નો ઉકેલવાનો આપણી પાસે સમય નથી. એ લોકોએ પોતાનું ધ્યાન પોતે રાખતા શીખી જવું જોઈએ. ભારતથી જે જહાજો અનાજના ભરાઈને આવે છે એ તો ભારત-બ્રિટનના સારા સબંધના પ્રતિક છે એમ ભારતી પ્રજાએ માનવું જોઈએ!' 

ભારતમાં અનાજ વગર લોકો મૃત્યુ પામવા લાગ્યા. બ્રિટિશ અધિકારીઓની તિજોરી અને અનાજ ભંડાર ભરેલા હતા. એમને કશો ફરક પડતો ન હતો. બંગાળના મુખ્ય શહેર કલકતાની શેરીઓમાં હાલતાં-ચાલતાં માણસોને બદલે મનુષ્ય મૃતદેહોની સંખ્યા વધવા લાગી. 

ગીધ-કૂતરાંને ઉજાણી થવા લાગી. લોકો પાસે બચવાનો એક જ રસ્તો હતો, બંગાળ છોડી દેવાનો. ભારતના બીજા ભાગો તરફ સ્થળાંતર થવા લાગ્યું. જે લોકો સ્થળાંતર કરી શકે એમ ન હતા એ પરિવારના અન્ય સભ્યો, મહિલા-બાળકીઓને વેચી નાખવા લાગ્યા. એક સભ્ય વેચાય તો બીજા બે-ત્રણ સભ્યો ખાઈ શકે એટલી સામગ્રી મળી શકે એમ હતી. ચર્ચિલની અનીતિને કારણે લોકોની મજબૂરીની તમામ હદ વટી ગઈ હતી. 

ભૂખ આવ્યા પછી તો મલેરિયા જેવા રોગચાળાએ પણ અડિંગો જમાવ્યો હતો. જે લોકો પથારીમાં પડે એ ફરી ઉઠી શકશે કે કેમ એ જાણતા ન હતા, એટલી હદે શરીર ખવાઈ ગયા હતા. શરીર પર પેહરવા વસ્ત્રો જ ન હતા. માટે હાડ-પાંસળા સ્પષ્ટ ગણી શકાતા હતા. 

એ સ્થિતિની તસવીર ભારત અને બ્રિટનના ઘણા અખબારોમાં છપાઈ. એ પછી ચર્ચિલ અને બ્રિટિશ સત્તાધિશો પર માછલા ધોવાયા. એટલે તેમણે ભારતથી અનાજની ઉઠાંતરી ધીમી પાડી. ત્યાં સુધીમાં ઓછામાં ઓછા ૩૦ લાખ (એક અંદાજ પ્રમાણે તો ૪૦ લાખ) લોકો મૃત્યુશૈયા પર પોઢી ચૂક્યા હતા. દુનિયાએ અગાઉ ક્યારેય આવો માનવનિર્મિત દુષ્કાળ જોયો ન હતો. 

બ્રિટિશ ઈતિહાસકારો અને બ્રિટિશરોના પ્રભાવ હેઠળ લખતા ભારતના ઈતિહાસકારોએ વર્ષો સુધી આ દુષ્કાળને કુદરતી ગણાવ્યો. પરંતુ કેટલાક સંશોધકોએ ઉંડા ઉતરીને બ્રિટિશરોના પાપ રજૂ કર્યા છે હવે છાપરે ચડયા છે. ચર્ચિલના આ કૃત્યને સામુહિક હત્યાકાંડ (જેનોસાઈડ) ગણવો જોઈએ. એટલું જ નહીં, સરકારમાં ક્ષમતા હોય તો બ્રિટન પાસે માફી મંગાવવી જોઈએ અને વળતર પણ લેવું જોઈએ. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો