રાજસ્થાનના જોધપુરમાં ફાઈટર પ્લેન મિગ-27 ક્રેશ, પાયલોટ સલામત
(પીટીઆઈ) જોધપુર, તા. 31 માર્ચ, 2019, રવિવાર
આજે સવારે રાજસ્થાનના દક્ષિણ પ્રાંતમાં આવેલા સિરોહીમાં ભારતીય વાયુ સેનાનું મિગ-૨૭ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં તેના પાયલોટનો બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે પાંચ દશકાથી પણ વધુ પ્રાચીન મિગ વિમાનો ક્રેશ થવાની ઘટના સામાન્ય બની રહી છે અને છેલ્લા ત્રણ મહિનામાં વાયુ સેનાના નવ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
રાજસ્થાનના જોધપુરમાં મિગ-૨૭ યુપીજી એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ એરક્રાફ્ટ પોતાના રુટિન મિશન પર હતું ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યું હતું અને તેનો પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. સિરોહીના ગોંડાના બાંધ પાસે શિવગંજ વિસ્તારમાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું અને અગાઉ આઠમી માર્ચે પણ રાજસ્થાનના બિકાનેરમાં મિગ-૨૧ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કોર્ટ ઓફ ઈન્કવાયરી દ્વારા કરવામાં આવશે.
ભારતીય વાયુ સેનાના અધિકૃત નિવેદનમાં જણાવાયા મુજબ રવિવારે સવારે ૧૧:૪૫ કલાકે મિગ-૨૭ યુપીજી વિમાને ઉત્તરલાઈના વાયુ સેના બેઝથી ઉડાન ભરી હતી. વિમાનમાં ટેકનિકલ ખામી આવવાના કારણે જોધપુરથી આશરે ૧૨૦ કિમી દૂર દક્ષિણમાં તે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટનો બચાવ થયો છે અને જાનમાલને નુકસાનના કોઈ સમાચાર નથી નોંધાયા. ઉડાન ભર્યાની થોડી વારમાં જ પઈલટને એન્જીનમાં ખામી હોવાની જાણ થઈ હતી જેથી તે સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય વાયુ સેનાનું નવમું વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું છે.
૧૦ વર્ષમાં વાયુ સેનાએ વિભિન્ન શ્રેણીના ૯૯ વિમાન ગુમાવ્યા
છેલ્લા ઘણા સમયથી વાયુ સેનાના વિમાનો સાથેની દુર્ઘટનાઓ વધી રહી છે. હકીકતે ૧૯૬૩ બાદ ભારતીય વાયુ સેનામાં ૧,૨૦૦થી વધારે મિગ લડાકુ વિમાનને શામેલ કરવામાં આવ્યા હતા. આ વિમાનો પાંચેક દશકા જેટલા જુના થયા હોવાથી તે ક્રેશ થવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. જો કે છેલ્લા ઘણા સમયથી આ વિમાનો બદલવા માટે સેના દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અગાઉ આઠ માર્ચના રોજ બિકાનેરમાં જ વાયુ સેનાનું મિગ-૨૧ બાઈસન વિમાન ક્રેશ થયુ હતું જેમાં બંને પાયલોટ સુરક્ષિત બચવામાં સફળ રહ્યા હતા. પુલવામા હુમલા બાદ ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની એરક્રાફ્ટ પર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ-૨૧ વડે હુમલો કર્યો હતો. પાકિસ્તાની વિમાનને તોડી પાડયા બાદ વર્ધમાનનું વિમાન પણ ક્રેશ થયુ હતું જેથી તેઓ પાકિસ્તાની સેનાના હાથે પકડાઈ ગયા હતા. ૨૭ ફેબુ્રઆરીના રોજ જમ્મુ કાશ્મીરના બડગામમાં પણ ભારતીય વાયુ સેનાનું મિ-૧૭ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં બે પાઈલટ, ચાર જવાન અને એક સામાન્ય નાગરિકનું નિધન થયુ હતું. વાયુ સેનાની મિગ શ્રેણીના વિમાનોમાં મિગ-૨૧ અને મિગ-૨૭ સાથે સૌથી વધારે અકસ્માત નોંધાયા છે. છેલ્લા ૧૦ વર્ષમાં નોંધાયેલા વિમાની અકસ્માતમાં વાયુ સેનાએ વિભિન્ન શ્રેણીના ૯૯ જેટલા વિમાન ગુમાવ્યા છે.
Comments
Post a Comment