ચૂંટણીમાં 170 વખત હારી ચુકેલા ડો.પદ્મરાજને ફરી ઉમેદવારી નોંધાવી
નવી દિલ્હી,તા.30.માર્ચ 2019, શનિવાર
લોકસભા ચૂંટણીનો ફીવર આખા દેશમાં જામી રહ્યો છે.ઠેર ઠેર પહેલા તબક્કાની ચૂંટણી માટે હજારો ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે તામિલનાડુના અપક્ષ ઉમેદવાર ડો. પદ્મરાજને તામિલનાડુની ધર્મપુરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.
હોમિયોપેથીક ડોક્ટર પદ્મરાજનની નોંધ એટલા માટે લેવી પડે કે તેમણે સૌથી વધુ 170 વખત ચૂંટણી હારવાનો રેકોર્ડ બનાવ્યો છે.તામિલનાડુના સાલેમના રહેવાસી પોતાના નામે ગિનેસ બૂકમાં રેકોર્ડ નોંધાવવા માંગે છે.
તેઓ દર વખતે ચૂંટણી આવતાની સાથે જ ઉમેદવારી નોંધાવી દે છે.મંગળવારે તેમણે પોતાના પુત્ર સાથે સવારે 9 વાગ્યે ધર્મપુરી ખાતે કલેક્ટરની ઓફિસમાં જઈને પહેલા જ ફોર્મ ભરી દીધુ હતુ.
મીડિયાને તેમણે કહ્યુ હતું કે, હું એવો સંદેશ આપવા માંગુ છું કે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્તરે ચૂંટણી લડી શકી છે.ચૂંટણી માત્ર શક્તિશાળી લોક જ લડી શકે તેવુ નથી.
પદ્મરાજન 1988થી તામિલનાડુની સાથે સાથે આંધ્રપ્રદેશ, કેરલ અને કર્ણાટકથી મા્ંડીને દિલ્હી સુધી ચૂંટણી જંગમાં ઉતરી ચુક્યા છે.તેઓ 4 વડાપ્રધાન, 11 મુખ્યમમંત્રી, 13 કેન્દ્રીય મંત્રી અને 15 રાજ્યમંત્રીઓ સામે ચૂંટણીમાં હાજરી ચુક્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ સામે પણ તેઓ ચૂંટણીના મેદાનમાં હારવા માટે ઉતરી ચુક્યા છે.
Comments
Post a Comment