મસૂદ અઝહર મામલે અમેરિકા અને ચીન આમનેસામને



યૂ.એન.ની સુરક્ષા પરિષદમાં આગળ વધારેલા અમેરિકાના આ પ્રસ્તાવ પર ચીન મૂંગું રહીને વીટો નહીં વાપરી શકે અને જો તેણે વીટો વાપરવો હશે તો એ માટેના નક્કર કારણો પણ દુનિયા સમક્ષ રજૂ કરવા પડશે 

પાકિસ્તાનમાં શરણ લઇને શાંતિથી બેઠેલો મસૂદ અઝહર બેરોકટોક આતંકવાદ ફેલાવી રહ્યો છે અને ચીન તેને બચાવવામાં લાગ્યું છે. ચીનનું આ કૃત્ય આખી દુનિયા મૂક બનીને જોઇ રહી છે કારણ કે મહાસત્તા અને ખાસ તો યૂ.એન.ની સલામતિ સમિતિમાં કાયમી સભ્ય હોવાના કારણે તે વારંવાર મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ આડે વીટો વાપરતું આવ્યું છે. 

જોકે ચીનની આડોડાઇ સામે પશ્ચિમી દેશોએ અને ખાસ તો અમેરિકાએ બાંયો ચડાવી છે અને ચીનને કોઇ પણ ભોગે મ્હાત આપવા કમર કસી છે. એ જ કોશિશ અંતર્ગત અમેરિકા એક યૂ.એન.માં એક નવો પ્રસ્તાવ લાવ્યું છે જેના દ્વારા મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

અમેરિકાના આ પગલાંથી ચીન અકળાયું છે અને અમેરિકા પર આરોપ મૂકી રહ્યું છે કે આ રીતે તો અમેરિકા સમગ્ર મામલાને વધારે ગુંચવાડાભર્યો બનાવી રહ્યું છે. હકીકતમાં ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાના ભારત, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના આગ્રહને સતત ફગાવતું રહ્યું છે. ગયા મહિને પણ ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેકનિકલ વાંધો ઉઠાવીને વીટો વાપર્યો હતો. એ પછી અમેરિકાએ સીધી સલામતિ સમિતિમાં આ પ્રસ્તાવ લાવવા માટે એકપક્ષીય ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. 

ચીનનું કહેવું છે કે અમેરિકાએ ૧૨૬૭ અલકાયદા સેશન્સ કમિટી ઓફ ધ કાઉન્સિલને કોરાણે મૂકીને સીધો જ સુરક્ષા પરિષદમાં ડ્રાફ્ટ પ્રસ્તાવ મૂક્યો છે. એવામાં આ મામલો વાતચીત દ્વારા ઉકેલવો શક્ય નથી. અગાઉ ૧૨૬૭ અલકાયદા પ્રતિબંધ સમિતિ સમક્ષ જ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં યૂ.એન. સલામતિ સમિતીના પાંચ કાયમી સભ્યો જ મતદાન કરી શકે છે.

પરંતુ ચીન કાયમ વીટો વાપરીને મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવાના પ્રયાસો પર પાણી ફેરવી દે છે. નવાઇની વાત એ છે કે મસૂદ અઝહરે જે આતંકવાદી સંગઠન ઊભું કર્યું છે એ જૈશ-એ-મોહમ્મદ છેક ૨૦૦૧થી જ યૂ.એન.ની આતંકવાદી યાદીમાં સામેલ છે. પરંતુ મસૂદ અઝહરને છાવરવા ચીન એવી દલીલ કરે છે કે તેનો જૈશ-એ-મોહમ્મદ સાથે કોઇ સંબંધ જ નથી. 

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલું પાડવા જે અભિયાન આદર્યું છે એમાં ઘણે અંશે સફળતા મળી છે. એ જ કડીમાં પાકિસ્તાનને હજુ વધારે સબક શીખવાડવા માટે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી ઠરાવવા માટે ભારત પ્રયાસરત હતું. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા અંગેનો પ્રસ્તાવ ગત ૨૭ ફેબુ્રઆરીના દિવસે ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ રજૂ કર્યો.

પ્રસ્તાવ રજૂ કર્યાના દસ કામના દિવસમાં જો કોઇ કાયમી સભ્ય વાંધો ન ઉઠાવે તો પ્રસ્તાવ પાસ થઇ જાય એવી વ્યવસ્થા છે. જોકે  ફરી એક વખત ચીન પાકિસ્તાનની મદદે આવ્યું અને છેલ્લી ઘડીએ આ પ્રસ્તાવ પર વીટો વાપરી દીધો જેના કારણે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ રદ્ થઇ ગયો. આ પ્રસ્તાવ ઓછામાં ઓછા છ મહિના માટે અટકી ગયો છે અને એ પછી પણ વધારે ત્રણ મહિના માટે ચીન તેને અટકાવી શકે છે.

ત્યારબાદ ફરીથી પ્રસ્તાવ રજૂ કરી શકાશે. જોકે એ વખતે પણ ચીન અડિંગો ન લગાવે એની કોઇ ખાતરી નથી. માટે જ અમેરિકાએ આ વખતે મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવા માટે નવો રસ્તો પકડયો છે. અમેરિકાએ અન્ય દેશોની મદદ વડે મસૂદને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ સીધો જ ૧૫ સભ્ય રાષ્ટ્રો ધરાવતી યૂ.એન. સલામતિ સમિતિ સમક્ષ રજૂ કર્યો છે.

ગઇ વખતે મસૂદને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે ૧૪ દેશો તેના સમર્થનમાં હતાં પરંતુ ચીને વીટો વાપરીને મસૂદ અઝહરને બચાવી લીધો હતો. ૧૨૬૭ અલકાયદા પ્રતિબંધ સમિતિમાં જ્યારે પ્રસ્તાવ મોકલવામાં આવે ત્યારે તેનો વિરોધ કરવા માટે નિશ્ચિત સમય હોય છે પરંતુ જો પ્રસ્તાવ યૂ.એન. સમક્ષ સીધો જ રજૂ કરવામાં આવે તો તેનો વિરોધ કરવા માટે કોઇ નિશ્ચિત સમયમર્યાદા નથી. હવે આ પ્રસ્તાવ પર તમામ દેશો મળીને વોટિંગ કરશે. હજુ સુધી વોટિંગનો દિવસ નક્કી થયો નથી. 

બીજું એ કે યૂ.એન.ની સુરક્ષા પરિષદમાં આગળ વધારેલા અમેરિકાના આ પ્રસ્તાવ પર ચીન મૂંગું રહીને વીટો નહીં વાપરી શકે. જો તેણે વીટો વાપરવો હશે તો એ માટેના નક્કર કારણો પણ રજૂ કરવા પડશે. અને એટલા માટે જ ચીન આ વખતે મુઝવણમાં મૂકાયું છે અને અમેરિકા ઉપર યૂ.એન.નું મહત્ત્વ ઓછું કરવાના આરોપ મૂકી રહ્યું છે. 

હવે ચીન પાસે વિકલ્પ છે કે તે આ પ્રસ્તાવ પરનો ટેકનિકલ વિરોધ દૂર કરે અને જો તેણે એમ ન કરવું હોય તો તેણે જાહેરમાં કહેવું પડશે કે તે શા માટે યૂ.એન. દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના વડાને છાવરી રહ્યું છે. આ મામલે ઉઘાડા પડવાનો ભય હોવાના કારણે ચીન એવો આક્ષેપ કરી રહ્યું છે કે યૂ.એન.ની આતંકવાદ વિરોધી કમિટીના અધિકારને ઘટાડવામાં આવી રહ્યો છે. 

એક તરફ મસૂદ અઝહર ચીનનો લાડકો બની ગયો છે તો બીજી તરફ ચીન પોતાની જ ધરતી પર આતંકવાદ ફેલાવવાના નામે મુસ્લિમોને પ્રતાડિત કરે છે. ચીનમાં મુસ્લિમોનું મોટા પાયે શોષણ થઇ રહ્યું છે જે વાત દુનિયાથી છૂપી નથી. અમેરિકા પણ ચીનમાં મુસ્લિમોની અવદશાનો મુદ્દો ઉઠાવી ચૂક્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે દુનિયા ચીન દ્વારા મુસ્લિમો પ્રત્યે કરવામાં આવતું પાખંડ હવે સહન કરી શકે એમ નથી. એક તરફ તે લાખો મુસ્લિમોનું શોષણ કરે છે અને બીજી તરફ ઇસ્લામિક આતંકવાદી સંગઠનના વડાને યૂ.એન.ના પ્રતિબંધથી બચાવી રહ્યું છે. 

ચીનના વિદેશ ખાતાના પ્રવક્તાએ ઉલટો અમેરિકા પર આરોપ મૂકતા કહ્યું કે અમેરિકા પ્રસ્તાવ સીધો જ યૂ.એન. સમક્ષ રજૂ કરતા સલામતિ સમિતિની આતંકવાદવિરોધી સમિતિના અધિકારોનું હનન થયું છે.

આ દેશોની એકતા માટે અનુકૂળ નથી અને પરિસ્થિતિ ઓર ગુંચવાઇ જશે. એ સાથે જ ચીને અમેરિકાને પ્રસ્તાવ આગળ ન વધારવાની ચેતવણી પણ આપી છે. આટલું ઓછું હોય એમ ચીન સૂફિયાણી વાતો કરતા કહે છે કે અમે કદી મસૂદને પ્રતિબંધિત કરવાના પ્રસ્તાવને ફગાવ્યો નથી. અમે તો માત્ર ટેકનિકલ સ્ટે જ મૂકીએ છીએ. 

વૈશ્વિક મંચો ઉપર ચીન આતંકવાદ વિરુદ્ધ હોવાના દાવા કરે છે પરંતુ હકીકત એ છે કે આતંકવાદના મુદ્દે તેના ચાવવાના અને બતાવવાના દાંત જુદાં જુદાં છે. પાકિસ્તાનની અસલિયત ચીન જાણે છે તેમ છતાં તે તેનો સાથ આપે છે અને પાકિસ્તાનની આતંકવાદી નીતિઓનું ખુલ્લેઆમ સમર્થન કરે છે.

ભારતમાં આટલા મોટા હુમલો કરાવ્યો હોવાની જવાબદારી જૈશ સ્વીકારી ચૂક્યું હોવા છતાં ચીન તેના આકા મસૂદ અઝહરને આતંકવાદી માનવાનો ઇન્કાર કરે છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા આડે ચીન કાયમ કેમ આડે આવે છે એ સમજવું મુશ્કેલ નથી. ચીન અને પાકિસ્તાનની નાપાક દોસ્તી જગજાહેર છે અને એ દોસ્તી નિભાવવા માટે ચીન હંમેશા તત્પર રહે છે.

ખરું જોતાં પાકિસ્તાન અને મસૂદ અઝહર મામલે ચીનની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી છે. ઉપર ઉપરથી ચીન પાકિસ્તાન તેનું જિગરી દોસ્ત હોવાના દાવા કરે છે પરંતુ પાકિસ્તાનને પોષવાના બહાને ચીને પાકિસ્તાનની ધરતી પર મોટા પાયે પગપેસારો કર્યો છે. ચીને પોતાની અતિ મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ યોજના અંતર્ગત પાકિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

જો ચીન મસૂદ અઝહર મામલે દુનિયાનો સાથ આપે તો તેની આ યોજના જ મુસીબતમાં મૂકાઇ શકે એમ છે. એટલું જ નહીં, ચીનના ૧૫થી ૨૦ હજાર જેટવા લોકો હાલ પાકિસ્તાનમાં વસવાટ કરે છે જેઓ ચાઇના-પાક ઇકોનોમિક કોરિડોર યોજનામાં કામ કરી રહ્યાં છે. જો ચીન મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં સંમતિ દર્શાવે તો આતંકવાદીઓ ચીનના આ નાગરિકોને નિશાન બનાવી શકે છે. 

ચાઇના પાક ઇકોનોમિક કોરિડોર જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં આતંકવાદી સંગઠનોનું પ્રભુત્ત્વ છે. એટલું જ નહીં, જો કોઇ ચીનની આ પરિયોજના સામે વિરોધ ઉઠાવે તો ઉલટું આ મસૂદ અઝહર અને તેનું સંગઠન એવા વિરોધને દબાવવાનું કામ કરે છે. સરમુખત્યારશાહી વ્યવસ્થા ધરાવતા ચીનનો વ્યવહાર માત્ર તેના દેશ પૂરતો જ નહીં, પરંતુ સમગ્ર દુનિયા પ્રત્યે સરમુખત્યાર જેવો છે.

ચીને પોતાની લશ્કરી અને આર્થિક તાકાતના જોરે અન્ય દેશોને દબાવવાની નીતિ અપનાવી રાખી છે. એટલા માટે જ આજે દુનિયાના મોટા ભાગના દેશો ચીનની વિરુદ્ધ ઊભાં છે. જે રીતે આતંકવાદીઓને શરણ આપવાથી પાકિસ્તાન દુનિયામાં એકલું પડી રહ્યું છે એ જ હાલ ચીનના પણ થાય એવી શક્યતા છે. દર વખતે મસૂદ અઝહરને બચાવવાની જિદે ચડેલું ચીન આ વખતે તેને બચાવવા કેવું બહાનું વાપરે છે એ જોવું રહ્યું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો