ટીબીને લાગ્યો છે ખાનગીકરણનો રોગ


સરકાર ગરીબોના ઉત્કર્ષ માટે યોજનાઓ ઘડતી રહે છે અને પ્રાઇવેટ હૉસ્પિટલો મધ્યમ વર્ગને ગરીબીમાં ધકેલતી રહે છે

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં સોનીપુરા ગામમાં કૈલાશ સહરિયાનું મૃત્યુ ટીબીથી થયું. થોડા દિવસોમાં એ જ રોગે તેના માતાપિતાનો પણ ભોગ લીધો. નાના ભાઈ રામકિશને હૈયાનો વલોપાત ઠાલવ્યો કે ટીબીએ તો અમને બરબાદ કરી નાખ્યા. પરિવારના તમામ સભ્યોની સારવાર પાછળ રૂા.૧.૫ લાખનો ધુમાડો થઈ ગયો.

પૈસા પણ ગયા અને સ્વજનો પણ ગયા, આ કહાની ભારતના લગભગ દરેક ગામની છે. ન માત્ર ટીબી, બીજા ઘણા બધા રોગ એવા છે જે શરીરની સાથોસાથ ઘરને પણ ખાલી કરી નાખે છે. સરકાર ગરીબી હટાવવા યોજનાઓ લાવી રહી છે, તો સામે ખાનગી હૉસ્પિટલની મોંઘી સારવાર નવા ગરીબ પેદા કરી રહી છે.

ટીબીનું નિદાન થતા કિશને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિયત કરવામાં આવેલી અને સરકારી હૉસ્પિટલમાંથી મળતી ડોટ્સની દવા લીધી. દવાથી મુંઝારો અનુભવાવા લાગ્યો. તરત બંધ કરી દીધી. ખાનગી હૉસ્પિટલની દવા ચાલુ કરી. તબિયત ન સુધરી તે ન જ સુધરી. કિશન વૈકુઠમાં જતો રહ્યો.

૧૯૭૭માં આવેલી અમર અકબર એન્થનીનું શરૂઆતનું દૃશ્ય યાદ કરો. કિશનલાલ વર્ષો સુધી જેલમાં રહ્યા પછી બહાર આવે છે. ઘરે આવીને શું જુએ છે? પત્ની જોર-જોરથી ઉધરસ ખાઈ રહી છે. જ્યારે તેને ખબર પડે છે કે પત્નીને ટીબી છે તો તેની આંખમાં આંસુ તગતગી જાય છે. ભય અને પીડા તેમાં ઓગળી જઈ એક નવા જ પ્રકારનું રંગહીન દ્વાવણ રચે છે.

તેને ત્રણ બાળકો છે. ત્રણેને પતિના સહારે છોડીને નીકળી જાય છે. તે નથી ઇચ્છતી કે પોતાના જીવલેણ રોગની અસર પરિવારજનોને પણ થાય. કિશનલાલનું પાત્ર પ્રાણે અને તેની પત્નીનો કિરદાર નિરૂપા રૉયે ભજવ્યો છે.

અમર અકબર એન્થનીના ૨૪ વર્ષ પહેલા રાજ કપૂરની પ્રથમ ફિલ્મ આહ આવી હતી. તેમાં ટીબીની ભયાવહતાનું વિકરાળ સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. રઈસ બાપનો બેટો ગામડે ફરવા જાય છે અને ટીબીની ઝપટમાં આવી જાય છે, ને પછી મૃત્યુની વાટ જોવા લાગે છે. ૧૯૫૧માં આવેલી હમલોગ અને ૧૯૬૩માં આવેલી બંદિની પણ ટીબીના ભયની જ વાર્તા છે. ૧૯૭૨માં આવેલી સંજીવ કુમાર અભિનિત પરિચયમાં નાયક ગરીબી અને  ટીબી એમ બેવડી હાડમારીનો શિકાર બને છે.

કયો મોટો રોગ છે? ગરીબી કે ટીબી? ગરીબીનો ઈલાજ હૉસ્પિટલો પાસે પણ નથી. ટીબી સામે લડવાના નામે મત મળતા નથી, એટલે ચૂંટણીમાં પાકિસ્તાન સામે જ લડવાની વાતો થતી રહે છે. ટીબી હટાવવાના મત મળતા નથી, એટલે ગરીબી હટાવવાની જ વાત થતી રહે છે.

આ બધી ફિલ્મો બની ત્યારે ટીબી રાજ રોગ હતો, કિન્તુ ભારતમાં તેનો ઠાઠમાઠ આજની તારીખે  પણ કમ નથી. આપણી લોકશાહીમાં રાજકુમારોને માન મળે જ છેને.  ૨૦૧૩માં ભારતમાં ૧૪,૯૫,૯૭૫, ૨૦૧૪માં ૧૫,૬૬,૯૮૧, વર્ષ ૨૦૧૫માં ૧૪,૨૭,૨૭૧, વર્ષ ૨૦૧૬માં ૧૬,૩૩,૭૬૭ અને વર્ષ ૨૦૧૭માં ૧૮,૬૪,૯૮૬ ટીબી પેશન્ટ નોંધાયા. અભિનંદન. ટીબીના દર્દીઓની સંખ્યા ભારતમાં વધતી જાય છે. સરસ વિકાસ થઈ રહ્યો છે. જેને દુનિયા હવે સામાન્ય રોગ ગણે છે તે ભારતમાં અસામાન્ય હાજરી પુરાવી રહ્યો છે.

 આજની તારીખે પણ દુનિયામાં સૌથી વધુ ટીબીથી મરનારા ભારતીયો છે. દર ૧૦ ટીબી પેશન્ટમાંથી ચાર ભારતીય હોય છે. સમાચાર માધ્યમોમાં તેના વિશે પૂરતું કવરેજ થતું ન હોવાથી આપણને અંદાજ જ નથી કે ટીબી વાસ્તવમાં દેશમાં કેટલી કઠોર પકડ જમાવીને બેઠો છે. બોલીવુડની ફિલ્મોમાં હવે ટીબી ગઈ કાલની વાત છે, પણ વાસ્તવિક જીવનમાં નથી.

ટીબીના કેસ બહાર ન આવવાનું એક કારણ છે શરમ. ટીબી હવામાં ફેલાય છે, પણ સ્પર્શવાથી નથી ફેલાતો. આટલી સાદી વાત લોકો સમજતા નથી. પારકા તો છોડો ટીબીના દર્દીઓ સાથે તેના સગા-સંબંધીઓ પણ અસ્પૃશ્ય વ્યવહાર કરે છે. રોગ વિશે સાચું જાણવાને બદલે, સાચી દવા લેવાને બદલે ભુવા પાસે જનારા લોકો આજની તારીખેય પડયા છે.

સૌપ્રથમ તો ટીબી થયો હોય તેણે અને તેના પરિવારે લાજ-શરમ છોડવા જોઈએ. તમને ટીબી થાય એમાં તમે કંઈ ગુનો નથી કરી નાખ્યો. ટીબીના દર્દીઓ જ્યાં સુધી ખાનગીમાં સારવાર મેળવશે ત્યાં સુધી તેમનો કેસ સરકારી ચોપડે દર્જ થશે નહીં અને જ્યાં લગી સરકારી ચોપડે નહીં નોંધાય ત્યાં સુધી ભારત ટીબી મુક્ત થશે નહીં.

ટીબી લાઇલાજ નથી, પણ ભારતમાં તેનું સ્વરૂપ વિરાટ એટલા માટે છે કેમ કે તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. પહેલા તો ટીબીનું નિદાન નથી થતું. લાંબા સમય સુધી દર્દીઓ સામાન્ય ઉધરસની દવા લીધા કરે છે.  માની લો કે સમયસર નિદાન થઈ જાય અને સારવાર પણ સમયસર ચાલુ થઈ જાય તો જેવું સારું થાય કે દર્દીઓ અધવચ્ચેથી દવા બંધ કરી દે. કોર્સ પૂરો કરવો ખૂબ ખૂબ ખૂબ જરૂરી છે.

ટીબીને હવે ખાનગીકરણની બીમારી લાગી છે. જાહેર થઈ જાય તો સમાજ દ્વારા બહિષ્કૃત જેવો વ્યવહાર કરવામાં આવે એવા ભયથી દર્દીઓ સરકારીને બદલે ગુપચુપ ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવા લાગે છે. સરકારી હૉસ્પિટલોની દુર્દશા જોતા દર્દીઓને ત્યાંની દવા અને સારવાર પર વિશ્વાસ આવતો નથી.

૨૦૧૩માં ૬૦,૯૮૯, વર્ષ ૨૦૧૪માં ૧,૩૯,૭૧૦, વર્ષ ૨૦૧૫માં ૧,૩૯,૭૧૦, વર્ષ ૨૦૧૬માં ૨,૨૬,૧૫૫ અને વર્ષ ૨૦૧૭માં ૩,૯૫,૮૩૮ મરીઝોએ ખાનગી હૉસ્પિટલમાં ટીબીની સારવાર લીધી. પાંચ વર્ષમાં ખાનગી હૉસ્પિટલમાં ટીબીની સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં છથી સાત ગણો વધારો થયો. આ બાબત કથળતી જતી જાહેર આરોગ્ય સેવાઓ તરફ આંગળી ચીંધે છે.

આપણા માટે વિકાસ એટલે કોર્પોરેટ સ્ટાઇલની બે-ચાર સરકારી કચેરીઓ, શહેરમાં બે-ચાર ફ્લાઇઓવર, એક સિમેન્ટ રોડ, બે ૧૫૦ ફૂટના રોડ, એક બીઆરટીએસ રૂટ. આપણા માટે આરોગ્ય ક્ષેત્રનો વિકાસ એટલે મર્યા પછી બીજી વાર મરી જવાનું મન થાય એવી મોંઘીદાટ ફાઇવ સ્ટાર હૉસ્પિટલ્સ. આપણા માટે શિક્ષણ ક્ષેત્રનો વિકાસ એટલે કમર તોડ ફી વસૂલીને ક્યાંય કામ ન લાગે એવી ડિગ્રીઓ આપતી કોલેજો.

વિશ્વમાં દર વર્ષે ૨૦ લાખ લોકો ટીબીથી મરે છે. ભારતમાં ટીબી વકરવામાં કેવળ સરકાર દોષિત નથી. જનતા પણ છે. દર્દીઓ એક વખત સારવાર લીધા પછી ફોલો અપ ટ્રીટમેન્ટ લેતા નથી અને બીજી વખત વધુ ખરાબ રીતે ટીબીનો શિકાર બને છે.

ટીબીની નવી અને અસરકારક દવા શોધાઈ છે. બેડેક્વિલિન અને ડેલામેનિડ. તેનો પુરવઠો ખૂબ ઓછો પડતો હોવાથી બહુ ઓછા દર્દીઓને આ દવાનો લાભ મળે છે. ૫,૦૦,૦૦૦માંથી માત્ર ૩૦,૦૦૦ સમજોને. આ દવાઓ નાના માણસને પણ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જેનેરિક મેડિસિનના ધોરણે તેના ઉત્પાદનની છૂટ આપવી જોઈએ.

ખાનગી હૉસ્પિટલો ટીબીની સારવારના ઊંચા પૈસા તોડે છે. સારી આર્થિક નીતિઓ ગરીબને મધ્યમ વર્ગમાં, મધ્યમ વર્ગને અમીર વર્ગમાં લઈ જાય છે, એવી રીતે ખાનગી હૉસ્પિટલો અમીરનું મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગનું ગરીબમાં રૂપાંતર કરી નાખે છે. બીજી બાજુ સરકાર જેમાં વધુ મત મળે એમાં જ વધુ પૈસા રોકતી હોવાથી ટીબી માટે ક્યારેય પૂરતું ભંડોળ આપી શકતી નથી.

ખાનગી હૉસ્પિટલ અને સરકાર બંને પોતપોતાની લાલસા પાછળ દોડે છે ત્યારે ગરીબો મફતમાં ખાનગી હૉસ્પિટલોમાં ટીબીની સારવાર મેળવી શકે તે માટે ઉદ્યોગપતિઓએ અને જ્ઞાાતિ મંડળોએ આગળ આવવું જોઈએ. તેઓ જો ખીસા હળવા કરે તો નોંધપાત્ર કામ થઈ શકે.

અંધશ્રદ્ધા ફેલાવવા માટે, જનમાનસ ભડકાવવા માટે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ થાય છે તો ટીબી વિશે જાગરુકતા ફેલાવવા માટે શા માટે નથી થતો? ટીબી વિશે લોકજાગૃતિ લાવતો મેસેજ સાત જણાને ફોરવર્ડ કરશો તો બે દિવસમાં તમને શુભ સમાચાર અવશ્ય મળશે તેની ખાત્ર અહીંથી આપવામાં આવે છે. ઇસ મેસેજ કો ઇતના ફેલાઓ, ઇતના ફેલાઓ કિ ટીબી દેશ સે ભાગ જાયે.

યુનાઇટેડ નેશન્સે ૨૦૩૦ સુધીમાં આખી પૃથ્વી અને ભારત સરકારે ૨૦૨૫ સુધીમાં ભારત ટીબી મુક્ત બનાવવા નિર્ણય કર્યો છે. ૨૧મી સદીમાં ભારત સિવાય ટીબીનો ફેલાવો ખૂબ ઓછો છે ત્યારે આપણે અત્યારે જે ગતિથી તેની સામે લડી રહ્યા છીએ તે ઝડપ યથાવત્ રાખીશું તો ૨૦૨૫નો લક્ષ્યાંક કવિની કલ્પના પુરવાર થશે.

આજની નવી જોક

છગન (મગનને): યાર, દર વખતે ચૂંટણી આવે ત્યારે મારા મનમાં એક સવાલ થયા કરે છે.

મગનઃ શું?

છગનઃ ગરીબોના હક માટેની લડાઈ લડતા નેતાઓ અમીર કઈ રીતે બની જાય છે?

મગનઃ હેં!?

દર્શન

હું એક એવો કલાકાર છું જે મુક્તપણે કલ્પના દોરી શકે છે

- ઓસ્કાર વાઇલ્ડે સાચું જ કહ્યું છે, તમે તમે બનો, બીજા બધા તો ઓલરેડી બની ચૂક્યા છે.

- બિકમિંગ એન ઇન્વિટેશનલ લીડરના લેખક વિલિયમ ડબલ્યુ પર્કી કહે છે, એવી રીતે નૃત્ય કરો કે જાણે તમને કોઈ જોતું જ નથી, એવી રીતે પ્રેમ કરો જાણે ક્યારેય દુઃખી થવાના નથી, એવી રીતે ગાવ જાણે કોઈ સાંભળતું નથી, એવી રીતે પૃથ્વી પર રહો જાણે સ્વર્ગમાં રહેતા હો.

- ઇલીનોર રુઝવેલ્ટે ધીસ ઇઝ માય સ્ટોરી કિતાબમાં લખ્યું છે, તમારી ઇચ્છા વિના તમને કોઈ લઘુતાગ્રંથીનો અનુભવ કરાવી શકતું નથી.

- મહાત્મા ગાંધી બહુ મુદ્દાની વાત કહી ગયા છે, એવી રીતે જીવો જાણે કાલે મરી જવાના છો, એવી રીતે શીખો જાણે ક્યારેય મરવાના નથી.

- અમેરિકાના ગાંધી માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે કહ્યું છે, અંધારું અંધારાને બહાર કાઢી શકતું નથી. તે માત્ર પ્રકાશ વડે જ સંભવ બની શકે છે. એવી રીતે નફરતથી નફરત દૂર કરી શકાતી નથી, તે માત્ર પ્રેમ વડે જ સંભવ બને છે.

- ફ્રેડરિક નિત્શેની આટલી વાત યાદ રાખી લો, સંગીત વિનાનું જીવન એ કોઈ ભૂલ છે.

- દાર્શનિક વિજ્ઞાાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે છે, જીવન જીવવાના બે જ રસ્તા છે, કાં તો કોઈ જ ચમત્કાર નથી એમ માની લો. અથવા માની લોકે બધું જ ચમત્કાર છે.

- ઓસ્કાર વાઇલ્ડનું વધુ એક ક્વોટ વાંચવા જેવું છે, આપણે બધા ગટરમાં જીવીએ છીએ, પણ આપણામાંના કેટલાક સિતારાઓ ભણી તાકી રહ્યા છે.

-  આઇન્સ્ટાઇનની વધુ એક ઉક્તિ થઈ જાય, હું એક એવો કલાકાર છું જે કલ્પના દોરી શકે છે.  જ્ઞાાન કરતા કલ્પના વધારે મહત્ત્વની છે. જ્ઞાાન સીમિત છે જ્યારે કલ્પના દુનિયા આખીને ફરી વળેલી છે.

- પાબ્લો પિકાસો તો એનાથી પણ જરાક આગળની વાત કરી દે છે, જે કંઈ તમે કલ્પી શકો છો એ સચ્ચાઈ છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો