મેક્સિમ ગોર્કીઃ શોષણ સામે ઊઠેલી ચીસ



જ્યારે ઘરે-ઘરે શિક્ષણ પહોંચી જશે ત્યારે ગોર્કીને તુલસી અને સૂરની જેમ વાંચવામાં આવશે, એવું પ્રેમચંદે કહેલું 

બહુ ઓછી એવી કલમ હોય છે જે એકલી નથી દોડતી. પોતાની સાથોસાથ સામાજિક અને રાજકીય ક્રાંતિને પણ દોડાવે છે. સમાજ બદલવો કે રાજનીતિ બદલવી એ સાહિત્યકારની જવાબદારી નથી, પણ ક્યારેક સર્જકનું આંદોલન સમગ્ર સંસારનું આંદોલન બની જતું હોય છે. 

કેટલાક કવિઓ અને લેખકોનું સર્જન ક્રાંતિ તો જન્માવે છે, પણ તેનું સાહિત્યિક મૂલ્ય શૂન્ય હોય છે, તેની સામે કેટલાક સાહિત્યકારોની ઉત્તમ કૃતિની બાય પ્રોડક્ટ સ્વરૂપે ક્રાંતિ જન્મે છે. સાહિત્ય થકી સમાજ અને દુનિયા પર પ્રભાવ પાડનારા દિગ્ગજ સાહિત્યકારોમાં શિરમોર કોઈ નામ હોય તો તે છે, મેક્સિમ ગોર્કી.

માત્ર રશિયામાં નહીં, વિશ્વ સાહિત્યમાં પણ બાઇજ્જત લેવાતું નામ છે. તેમનો જન્મ નિઇની નોવગરદ શહેરમાં. માતાપિતા બંનેએ લવ મેરેજ કર્યા હતા. પિતા સુથાર હતા. દીકરાએ કાષ્ઠનું નહીં, પણ શબ્દોનું સુથારી કામ કર્યું. સાત વર્ષની ઉંમરે અનાથ બની ગયા. બાળપણ ગરીબાઈમાં વીત્યું. ઝાઝું ભણ્યા નહોતા. ભટકી-ભટકીને જ્ઞાાન હાંસલ કર્યું. ઠોકર ખાઈ-ખાઈને સમજણા થયા. ૧૮૯૨માં પ્રથમ નવલકથા લખી, મકાર ચુદ્રા.

તેના હસ્તાક્ષર કર્યા, એમ. ગોર્કી. આ તેમનું મૂળ નામ નહોતું. અસલ નામ હતું, એલેક્સાઇ મેક્સિમોવિચ પેશ્કોવ. ગોર્કી બન્યા એ પહેલા ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા હતા. મારું બાળપણ, મારા વિશ્વ વિદ્યાલયો અને લોકો વચ્ચે નવલકથા દર અસલ તેમની આત્મકથા છે, જેમાં તેમણે પોતાનું જીવન અનાવૃત કર્યું છે.

મારું બચપણનું પ્રથમ પાનું પિતાના મૃત્યુ વિશે લખ્યું છે. ગોર્કી માથી ડરતા હતા અને પિતાથી તેમને ખૂબ લગાવ હતો. માના ડરને કારણે પિતાની વધુ નિકટ જતા રહ્યા હતા. માતાપિતા બંને જતા રહ્યા બાદ તેમણે સૌથી વધુ વાત્સલ્ય વોલ્ગા પાસેથી મેળવ્યું. કદાચ એટલે વોલ્ગા નદી તેમની કૃતિઓમાં ખળખળ વહેતી સાંભળવા મળે છે.

ગોર્કીની સૌથી યાદગાર નવલકથા મા છે.  તેમાં ઝાર શાસસના સમાજની દુર્દશાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. રશિયન ક્રાંતિના જનક વ્લાદિમિર લેનિનની પત્ની નદેઝ્દા કોસ્તેન્તિનોવા ક્રુપ્સકેયાએ લેનિનના જીવન ચરિત્રમાં લખ્યું છે કે લેનિનને ગોર્કીની મા નવલકથા ખૂબ જ પસંદ હતી. 

લેનિન અને ગોર્કી વચ્ચે પણ આ વિશે વાતચીત થઈ હતી. ગોર્કીએ સવિનોદ લખ્યું છે, લેનિને ચીવટપૂર્વક મને મારી નવલકથાની ખામીઓ ગણાવી. શક્ય છે કે તેમણે આની સ્ક્રિપ્ટ વાંચી હોય. વાત કરતી વખતે તેમની આંખોમાં ગજબની ચમક હતી. 

ગોર્કીએ સામાજિક યથાર્થવાદ નામનું નવું સ્વરૂપ રચ્યું. તેમણે પોતાના જેવા લોકો પર લખ્યું. આપણા જેવા લોકો પર લખ્યું. તેમની વાર્તાના પાત્રો એટલે આપણી આસપાસ વસતા લોકો. એટલે જ તો પ્રેમચંદ મેક્સિમ ગોર્કીના આરાધક હતા. વિવેચકોએ લખ્યું, મા નવલકથાના પાત્રો જેવા લોકો વાસ્તવિક જિંદગીમાં હોતા નથી.

ગોર્કીએ સ્પષ્ટીકરણ કર્યું કે મારી કથા ૧૯૦૨માં રશિયાના પ્રાન્ત સોર્મોવોમાં નિઝ્ની નોવગરદ વિસ્તારમાં થયેલા મજૂર આંદોલનથી પ્રેરિત છે.

માના પાત્રો નિલોવ્ના અને દીકરા પોવેલ મારા દૂરના સગા કિરિલોવના ઝલમોવા અને પ્યોતોર ઝલમોવા પરથી રચવામાં આવ્યા છે. આ કૃતિમાં મજૂર વર્ગ અને મધ્યમ વર્ગ વચ્ચેનો  અવશ્યંભાવી સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. તેનો કાળ ખંડ રશિયન ક્રાંતિની ગર્ભાધાન વેળાનો છે. ગોર્કી જેવા સરવા કાનવાળા લેખકોને રશિયન ક્રાંતિના ભણકારા સંભળાઈ ચૂક્યા હતા. 

અમેરિકન લેખક અપટન સિંક્લેરની જંગલને રશિયન ક્રાંતિની જનેતા માનવામાં આવે છે. ગોર્કીની મા નવલકથા એની પણ પહેલા રચાઈ હતી, તેમાં રશિયન ક્રાંતિના પદચાપ સ્પષ્ટ સાંભળી શકાય છે. આમ, રશિયન ક્રાંતિના જનક તરીકેનો યશ અમેરિકન લેખકને આપી ગોર્કી સાથે ગુજરાતી સાહિત્ય કક્ષાની રાજનીતિ રમવામાં આવી! ગોર્કીને પાંચ વખત નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા, પણ એકેય વખત આપવામાં આવ્યો નહીં. આ બાબતમાં તેમની સાથે ગાંધીજી જેવું થયું.

બાપુને છ વખત નોમિનેટ કરાયેલા. રશિયાથી ભાગી છૂટીને અમેરિકાના ખોળામાં બેસી ગયેલા  એલેક્ઝાન્ડર જોલઝિલિતસિનને આ સન્માન આપવામાં આવ્યું હતું. બંને સાહિત્યકારોને ઝાર શાસનની સામે પડવા બદલ જેલવાસ વેઠવો પડયો હતો, કિન્તુ સર્જકતાની દૃષ્ટિએ ગોર્કી ઊંચેરા હતા.

અમેરિકા વિશે તેમને બીજો પણ કડવો અનુભવ હતો. જેલમાંથી છૂટયા બાદ તેઓ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી માટે ફાળો ઊઘરાવવા તથા પોતાના પક્ષની તરફેણમાં હવા બાંધવા એક સ્ત્રી મિત્ર સાથે અમેરિકા ગયેલા. શરૂઆતમાં તેમની ખૂબ આગતા-સ્વાગતા થઈ, પણ બાદમાં બંનેનો સંબંધ લોકોને ખટકતા તેમને હોટેલમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા. ગોર્કી ક્યારેય આ અપમાન ભૂલી શક્યા નહીં. 

સ્ટાલિને વળી તેમની સાથે જરા નોખો વ્યવહાર કર્યો. ગોર્કી વિદેશમાં હતા ત્યારે સ્ટાલિને તેમને સસમ્માન પાછા બોલાવ્યા. રાષ્ટ્ર કવિનો દરજ્જો આપવાનું પ્રલોભન આપ્યું. ગોર્કી પરત ફર્યા. સ્ટાલિને વચન પાળ્યું. ગોર્કીને ઑર્ડર ઑફ ધ લેનિન સન્માનથી નવાજ્યા. તેમના જન્મસ્થળને ગોર્કી નામ આપ્યું.

વિશ્વ રાજનીતિના જાણકારો કહે છે કે ક્રૂર સામ્યવાદને કાયદેસરતા આપવા માટે સ્ટાલિન ગોર્કીનો ચહેરા તરીકે ઉપયોગ કરવા માગતા હતા. તેણે તેમ કર્યું પણ ખરું. ગોર્કી જેવા પ્રબુદ્ધ સર્જક શા માટે ન સમજી શક્યા કે તેમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે? તેઓ લાચાર હતા, ડરેલા હતા કે લાલાયિત હતા?

મેક્સિમ ગોર્કી, વ્લાદિમિર લેનિન કે સ્વયં કાર્લ માર્ક્સ સામ્યવાદી નહોતા. આ બધા સમાજવાદી હતા. સામ્યવાદ એ સમાજવાદનું એક્સ્ટ્રિમ સ્વરૂપ છે, જે સ્ટાલિને અખત્યાર કરેલું. સ્ટાલિનના ઘટિયા પ્રયોગનો અપજશ આપણે લેનિન, માર્ક્સ કે ગોર્કીને ન આપી શકીએ. એ જ સમાજવાદનો પ્રયોગ ક્યુબામાં થયો તો કેટલો સફળ થયો જોઈ લો!

માર્કસના દર્શનમાં એક જ દોષ છે. તે લોહિયાળ ક્રાંતિની વાત કરે છે. માર્ક્સના દર્શનમાં ગાંધીનું દર્શન ઉમેરી દઈએ તો ઉત્તમ પરિણામ મળી શકે. કોઈ પણ દેશમાં સમાજવાદ લાવવો જોઈએ, પણ તે ગાંધી ચીંધ્યા માર્ગે લાવવો જોઈએ. ન કે શસસ્ત્ર ક્રાંતિ તરીકે. ભારત જેવા લોકશાહી દેશમાં તો ક્યારેય નહીં.

ગોર્કીના દર્શનમાં પણ એ જ ખામી હતી. તેઓ લોહિયાળ ક્રાંતિમાં માનતા હતા અને એટલે જ ઝાર શાસન સામે અવાજ ઉઠાવનારો આ મહામાનવ સ્ટાલિનની બર્બરતા સામે ચૂપ રહીને વામન બની ગયો. એટલું જ નહીં તેમણે સ્ટાલિનની પ્રશંસા કરતા લેખો લખ્યા. તેમની કલમને કાટ લાગ્યો. કોલસા પર રાખ બાઝી.

આ એ જ ગોર્કી હતા જે એક સમયે સ્ટાલિનના પ્રખર ટીકાકાર હતા. એક દિવસ તેમની હત્યા થઈ ગઈ. કહે છે કે હેતુ સરી જતા સ્ટાલિને તેની ગુપ્ત પોલીસન થકી તેમને ઝેર આપી દીધેલું. સ્ટાલિને પોતાના વિરોધીઓને સાફ કરવા ધ ગ્રેટ પર્જ અભિયાન છેડયું હતું. તેનું જ એક સોપાન હતું ગોર્કીની હત્યા.

જે ગોર્કી કટાયા હતા તે મરી ગયા. જે ગોર્કી પ્રસ્તુત છે તે આજે પણ આપણી સાથે છે. જેમ કે તેમની એક કૃતિ ૨૬ પુરુષો અને એક છોકરી. એક જ સ્ત્રીને પ્રેમ કરતા ૨૬ મજૂરોની કહાની છે.

વાર્તાની નાયિકા આ બધા સાથે માનપૂર્વક વર્તન કરે છે, પણ આમાંથી એકેયને પ્રેમ કરતી નથી. બધા મજૂરો તેને વન સાઇડેડ લવ કરે છે. તેમને તેમનો પ્રેમ મળતો ન હોવાથી સળી કરે છે. એક સૈનિકને એ છોકરીને પટાવવા ઉશ્કેરે છે. પેલો સફળ થઈ જતા મજૂરો સમસમી જાય છે. તેઓ છોકરીને ગાળો દેવા માંડે છે. 

આ કૃતિમાં માણસનાં બેવડાં ધોરણો દર્શાવવામાં આવ્યાં છે. ગોર્કી લખે છે, પ્રેમ એ નફરત કરતા ઓછો પીડાદાયક નથી. ગોર્કીના સાહિત્યનો ઊંડો અભ્યાસ કરનારા આર્મીન નીગી કહે છે, ગોર્કી દોસ્તોયેવસ્કીની જેમ ક્લાસિકલ લેખક નહોતા, પણ વિશ્વસાહિત્યના નેતા હતા.

તેમને મરણાંજલિ આપતા પ્રેમચંદે કહેલું, જ્યારે ઘરે-ઘરે શિક્ષણ પહોંચી જશે ત્યારે ગોર્કીને તુલસી અને સૂરની જેમ પૂજવામાં આવશે. એવું ન થયું. કેમ કે સ્ટાલિને સામ્યવાદ રૂપે સૌથી વિકૃત ઉદાહરણ રજૂ કર્યું. દુઃસ્વપ્નને ભૂલવા મથી રહેલી દુનિયા ગોર્કીને ક્યાંથી વાંચવાની?

ગોર્કીની કથાનો નાયક શ્રમિક હતો, પણ મૂડીવાદમાં તે ક્યાં છે? બિલકુલ હાંસિયામાં. નાયક નહીં, પણ એકસ્ટ્રા કલાકાર. મૂડીવાદી દેશોમાં બેક યોજનાઓ ચલાવીને તથા ધનપતિઓના હાથે દાન-પુણ્ય કરાવીને શ્રમિકોના આંસુને મુખ્યધારામાં દર્શાવવામાં આવે છે.

આ રીતે ચતુરાઈપૂર્વક રચવામાં આવતું સહાનુભૂતિનું મોજું દર્દને ખતમ કરવાને બદલે દબાવી દેતી એન્ટિ બાયોટિક દવાથી વિશેષ બીજું કશું જ નથી. જે દર્દ કાયમ માટે મટયું નથી તે ફરી ક્યારેક માથું ઊંચકવાનું. આર્થિક અસમાનતાથી છલકાતું વિશ્વ ખરી સમાજવાદી ક્રાંતિની રાહ જોઈ રહ્યું છે.

જીકે જંકશન

- દિલ્હીની સરકારી શિક્ષિકા મનુ ગુલાટીને માર્થા ફેરેલ પુરસ્કાર ૨૦૧૯થી સન્માનિત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણમાં તેણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. લૈંગિક અસમાનતા (જેન્ડર ઇનઇક્વાલિટી) દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારને આ પારિતોષિક અપાય છે. રૂા.૧,૫૦,૦૦૦ રોકડા, પ્રમાણપત્ર અને શીલ્ડથી નવાજવામાં આવે છે.

- દુનિયાની સૌથી લાંબી નમકની ગુફા ઈઝરાયલમાં મળી આવી છે. તે મૃત સાગર (ડેડ સી) પાસે આવેલી છે. તેનું નામ છે, માલમા. તેની લંબાઈ ૧૦ કિલોમીટર છે. ઇઝરાયલનું ચલણ છે ઇઝરાયલી ન્યૂ શેકલ.

- મતદારોની જાગરુકતા માટે આસામમાં મહિલા જાગરુકતા રેલીનો આરંભ કરવામાં આવ્યો છે.  સેલિબ્રિટીઓ દ્વારા અપીલ પણ કરાવવામાં આવી રહી છે. આસામમાં મહિલા મતદારો ખૂબ ઓછી સંખ્યામાં મતદાન માટે બહાર નીકળતી હોવાથી આ કવાયત હાથ ધરાઈ છે. આસામનું કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એક શીંગડાવાળા ગેન્ડા માટે સુપ્રસિદ્ધ છે. એક શીંગડાવાળો ગેંડો આસામ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળે છે.

- ઝેફરી હિંટન, યાન લેકન અને યોશુઆ બેંગિયોને તાજેતરમાં ટયુરિંગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. કોમ્પ્યુટર અને ટેકનોલોજી ક્ષેત્રે ઉત્તમ પ્રયોગો કરીને અહમ યોગદાન આપનારા સંશોધકોને ટયૂરિંગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

- તાજેતરમાં જેમનું નિધન થયું તે રેંકિંગ રોઝર એક ફેમસ ગાયક હતા. ફેફસાંના કેન્સરને કારણે તેમનું મૃત્યુ થયું.

- નોબેલ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બોડલ પુરસ્કારથી વિભૂશિત કરવામાં આવ્યા છે. 

- તાજેતરમાં વિપ્રોએ ફાઇવજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈ) ક્ષેત્રે સંશોધન માટે આઇઆઇટી-ખડગપુર સાથે કરાર કર્યા.

- મનોહર અજગાંવકરને ગોવાના ઉપમુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોવાના નવા મુખ્યમંત્રી છે, પ્રમોદ સાવંત. મૃદુલા સિંહા તેના ગવર્નર છે. ૧૯૬૧થી દર વર્ષે ૧૯મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે છે. ગોવા મુક્તિ દિવસ અને ગોવા સ્થાપના દિવસ અલગ છે. ગોવા સ્થાપના દિવસ ૩૦મી મેના રોજ મનાવાય છે.

- મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદે થોડા સમય પહેલા ઇંડિયન એર ફોર્સના વિમાનમાં ઊડાન ભરી હતી. કોઈ દેશના વડા અન્ય દેશની વાયુસેનાના વિમાનમાં મુસાફરી કરે તેવું ભાગ્યે જ બને છે. મલેશિયામાં લિમા-૨૦૧૯માં ભાગ લેવા માટે ભારતીય વાયુસેનાના વિમાન ત્યાં ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. લિમાનું ફુલફોર્મ છે, લોન્ગકાવી ઇન્ટરનેશનલ મેરિટાઇમ એન્ડ એરોસ્પેસ એક્ઝિબિશન.

આજની નવી જોક

છગન (લીલીને): સેલ્ફ કંટ્રોલ કરતા તો કોઈ તારી પાસેથી શીખે?

લીલીઃ કેમ?

છગનઃ તારા શરીરમાં કેટલી શુગર છે, પણ ક્યારેય જીભ પર આવે છે ખરી?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો