પુલવામામાં CRPF પર ગ્રેનેડ હુમલો : જવાન ઘાયલ, બારામુલ્લામાં સ્થાનિકની હત્યા
બારામુલ્લામાં સ્થાનિક અર્જુમંદ માજિદ બટની હત્યા પાછળના કારણની તપાસ જારી
શ્રીનગર, તા.30 માર્ચ, 2019, શનિવાર
જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફવા પાસે સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જે ઘટના બાદ પણ રાજ્યમાં નાની મોટી આતંકી ઘટનાઓ સામે આવી હતી. જે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તે જ જિલ્લામાં ફરી જવાન પર હુમલો થયો છે.
પુલવામા શહેરમાં તૈનાત એક જવાન પર આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, જે બાદ આતંકીઓ નાસી છુટયા હતા. આ હુમલામાં જવાન ઘવાતા તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.
હુમલા બાદ નાસી છુટેલા આતંકીઓની શોધખોળ માટે તપાસ અભિયાન જારી કરવામાં આવ્યું હતું, જોકે કોઇ આતંકી હજુસુધી મળી આવ્યો નથી. ૧૪મી ફેબુ્રઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આતંકીઓ સામે મહા અભિયાન જારી કરવામાં આવ્યું હતું તેમ છતા ઘણા આતંકીઓ હજુ પણ અહીં સક્રીય હોવાનું પુરવાર થયું છે. ગ્રેનેડ વડે હુમલો કરનારા આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા છે તેની પણ તપાસ જારી છે. બીજી તરફ બારામુલ્લામાં આતંકીઓએ એક સ્થાનિકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
અહીંના રહેવાસી અર્જુમાંડ માજિદ બટ પર ગોળીઓ ચલાવીને આતંકીઓ ફરાર થઇ ગયા હતા, જે બાદ બટને તાત્કાલીક ધોરણો ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકોની હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. સૈન્ય કે પોલીસ સાથે જોડાયેલા અથવા તેમને આતંકીઓ અંગે માહિતી આપનારાઓની હત્યા વધુ થઇ રહી છે. હાલ બટના હત્યારાઓની શોધખોળ જારી છે.
Comments
Post a Comment