રાષ્ટ્રને માટે આત્મખોજનો અવસર

તમે હિન્દુ સાંપ્રદાયિક પરિબળોને સતત વખોડતા રહો અને મુસ્લિમ સાંપ્રદાયિક પરિબળોને પંપાળતા રહો તો તમારી વાતમાં વિશ્વસનીયતા કેટલી રહેવાની?

ફરી એકવાર રામ જન્મભૂમિનો પ્રશ્ન ઉખળ્યો છે. કોર્ટમાં આ મુદ્દે સુનાવણી શરૂ થઈ છે. કોઈ કહે છે કે દરરોજ સુનાવણી કરીને આ પ્રશ્નનો નિવેડો લાવવો જોઈએ. સુપ્રિમ કોર્ટે તાજેતરમાં ત્રણ જણની એક સમિતિ રચી છે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકરનું નામ પણ સામેલ છે. આ નામ સામે ઓવૈસી જેવા કેટલાક મુસ્લિમ નેતાઓને વાંધો છે પણ એ વાંધો ખોટો છે.

કારણ કે કોઈ એક વ્યક્તિ અહેવાલ આપી શકે નહીં અને સમિતિનો અહેવાલ આખરે તો સમગ્ર બેંચ પાસે જશે. આમ હવે આ મુદ્દાનું સમાધાન થવાની આશા ફરીથી ઉજળી બની છે. ૧૯૯૨માં ૬ઠ્ઠી ડીસેમ્બરે આ મસ્જીદનો ઢાંચો કેટલાક અસામાજિક તત્વોએ તોડી નાંખેલો. પી.વી. નરસિંહરાવ ત્યારે વડાપ્રધાન પદે હતા. તેઓ ટી.વી. ઉપર આખો ઘટનાક્રમ જોતા હતા એને બદલે તાત્કાલિક પગલા લઈને તેઓ રાષ્ટ્રપતિ શાસદ લાદી દેત તો ચાલ્યુ હોત, પણ એમ ન થયું.

હવે જ્યારે આ મુદ્દો સમાધાનની દિશામાં છે ત્યારે જરૂરી છે કે ભાજપ, સંઘ અને હિંદુ મહાસભા જેવી સંસ્થાઓ આમાં સાથ અને સહકાર આપે. વિદેશોમાં એવા કેટલાય કિસ્સા આવે. સાઉદ અરેબીયા અને ઈન્ડોનેશિયામાં આવું બન્યું પણ છે. બીજું ઈસ્લામમાં વિવાદાસ્પદ સ્થળે નમાજની મનાઈ છે. બાબરી મસ્જિદ જ્યાં હતી ત્યાં ૭૦ વરસથી નમાજ થતી જ નહોતી. એ જગ્યા અવાવરૂ પડી હતી. રાજીવ ગાંધીએ ભૂલથી એનું તાળું ખોલાવ્યું અને પૂજા શરૂ કરાવડાવી.

થોડા આવેશમય લોકોની ભૂલનો દોષનો ટોપલો સમગ્ર નેતાગણ ઉપર આવી પડયો અને સૌ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયા. અલબત્ત, આવું બની શકે છે એવો ભય તો ભૂતકાળમાં અનેક લોકોએ વ્યક્ત કરેલો પણ જે રીતે બન્યું અને જે સમયમાં બની ગયું એણે ચોક્કસ બધાને ઊંઘતા ઝડપી લીધા.

આમ જુઓ તો કેટલી નાની અને નજીવી સમસ્યા અને એના ઉપર રચાઈ ગયો કેવો ક્રૂર અને ઘાતકી ઈતિહાસ! કોઈ ધાર્મિક સ્થળને લઈને આપણે ત્યાં અને વિશ્વના બીજા દેશોમાં હજારો વિવાદો ઊભો થયા હશે ઉકેલાયા હશે. પણ આપણે એને પ્રમાણભાન ગુમાવીને રાષ્ટ્રીય પ્રશ્ન બનાવી દીધો. ધીમેધીમે એમાં જુદી જુદી કોમો અને વર્ગોનો સામૂહિક અહમ ભળતો ગયો અને વાત વધતી ગઈ. પ્રથમથી જ મુસ્લિમ નેતાગીરીએ શાણપણ વાપરીને બાંધછોડની ભાવના અપનાવી હોત તો આટલી તંગદીલી ન થાત.

આપણા નિર્દોષ માણસોના જાન ન જાત. સંસદમાં આટલો ઉહાપોહ ન થાત. અખબારોની આટલી જગ્યા ન બગડત અને સરકારે પણ મુસ્લિમ જનમત જાણવાને બદલે મસ્જીદોના મૌલવીઓને નેતા બનાવી દીધા! અને ભાજપે જ્યારે જોયું કે આ કાર્ડ તો ખુબ મોટા મત અપાવે તેમ છે ત્યારે બધા પ્રશ્નો કોરાણે મૂકીને આ એક જ ટોપલીમાં બધા ઈંડા મૂકી દીધા. વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ભાજપની આ મોટી જીત હતી.

બીજી બાજુથી ઋતુંભરા અને ઉમા ભારતી જેવાઓને બેફામ ઉશ્કેરણીજનક ભાષણો કરવા દીધા અને પછી તો એમના હાથમાંથી દોર જ છટકી ગયો અને સાધુ સંતો તથા આક્રમક તત્વોના હાથમાં બાજી જતી રહી. પરિણામે હજી કારસેવા શરૂ થાય એ પહેલાં જ મસ્જીદની ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ અને ભાજપ એકદમ આક્રમકમાંથી એકદમ સંરક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયો.

આજે આખો દેશ સ્વીકારે છે કે, 'ઓપરેશન બ્લ્યુ સ્ટાર' એ મોટામાં મોટી ભૂલ હતી. એક મંદિરમાં સંઘરાયેલા શસ્ત્રો અગાઉથી જ રોકી શકાયા હોત અને પછીથી પણ એ બહાર લાવવા માટે આવડું લશ્કરી પગલું લેવાની જરૂર નહોતી. હવે અયોધ્યામાં લગભગ એવી જ ઘટના બીજા સ્વરૂપે બની છે. બી.બી.સી. ઉપર માર્ક ટુલીએ કહ્યું તેમ 'ઓપરેશન બ્લ્યુ સ્ટાર'માં જે થયું એનું જ પુનરાવર્તન અયોધ્યામાં થયું છે.

પણ, જે નીતિ શ્રીમતિ ગાંધીએ અપનાવી એ એમના પછીના નેતાઓએ બેવડા જુસ્સાથી ચાલુ રાખી! રાજીવ ગાંધીએ શાહબાનો કિસ્સામાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને ઉલટાવવા માટે બંધારણ સુધાર્યુ એ બીજી હિમાલય જેવડી ભુલ હતી. આ અગાઉ પણ આપણા દેશમાં સામાન નાગરિક કાનૂન નહોતો. બીજા મુસ્લિમ દેશોમાં બહુપત્નીત્વ અને તલાક ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં જુનવાણી નીતિઓ જ ચાલુ હતી! આ પરિસ્થિતિનો સ્પર્ધાત્મક રીતે જ હિન્દુ સાંપ્રદાયિક પરિબળોએ પૂરો લાભ લીધો.

ભારતના ભાગલા જે પક્ષની માંગણીથી પડયા એ મુસ્લિમ લીગનું બિનસાંપ્રદાયિક ભારતમાં અસ્તિત્વ પણ હોઈ શકે ખરું? પણ, એનું અસ્તિત્વ ચાલુ રહ્યું. એટલું જ નહીં પણ કોંગ્રેસે આજ દિવસ સુધી એની સાથે સત્તામાં ભાગીદારી ચાલુ રાખી છે! તમે હિન્દુ સાંપ્રદાયિક પરિબળોને સતત વખોડતા રહો અને મુસ્લિમ સાંપ્રદાયિક પરિબળોને પંપાળતા રહો તો તમારી વાતમાં વિશ્વસનીયતા કેટલી રહેવાની? આમ ધીમે ધીમે સાધારણ અને સહિષ્ણુ હિન્દુ સમાજમાં પણ એવી લાગણી ઘર કરવા માંડી કે આ સરકાર મત મેળવવા માટે લઘુમતિના કોમવાદને પંપાળી રહી છે અને અમને અન્યાય કરી રહી છે.

રામ જન્મભૂમિનો પ્રશ્ન તો વર્ષો જૂનો હતો. પણ હવે રહી રહીને આટલો ઉગ્ર કેમ બની ગયો એના મૂળમાં રાજકીય પક્ષો જોશે તો ખ્યાલ આવશે કે શા માટે હિન્દુ સમાજ એકવાર આ પ્રશ્નમાં તટસ્થ અને ઉદાસીન હતો તે એકાએક ભાજપનો ટેકેદાર થઈ ગયો?

રાજીવ પછી સત્તાસ્થાને આવેલા વી.પી. સિંઘે તો શ્રીમતી ગાંધીને પણ ભુલાવે એવી ભયાનક મતલબી રાજરમત આચરી. પોતાનું શાસન ટકાવવા એમણે અચાનક મંડલ પંચની ભલામણોનો અમલ શરૂ કર્યો અને દેશને ભડકે બાળ્યો. રામ જન્મભૂમિ પ્રશ્ને અયોધ્યામાં અંધાધુંધ ગોળીબાર કરીને પરિસ્થિતિને વણસાવી અને ઉપરથી પોતાની સત્તા છોડાવવા શહાદતમાં ખપાવવાનો ડોળ કર્યો. એમની આ મહાભૂલનો બહોળો લાભ ભાજપને મળ્યો.

આટલું બધું વીતી ગયા પછી નરસિંહરાવ જેવા પીઢ અને શાંત નેતાની નેતાગીરી મળી પણ ત્યાં સુધીમાં તો બાજી બગડી ચુકી હતી. એટલે અયોધ્યા પ્રશ્ને ફરીથી બંને પક્ષે વચ્ચે વાતચીત શરૂ કરાવી અને સમાધાનનું હવામાન પણ સર્જાયું. પણ જ્યારે જ્યારે મુસ્લિમ નેતાઓ સમાધાન માટે આગળ વધ્યા ત્યારે વી.પી. સિંઘ, ચંદ્રશેખર અને અર્જુનસિંઘ જેવા 'સવાઈ બિનસાંપ્રદાયિકો'એ એમને એમ કરતાં રોક્યા!

પહેલાં આપણાં શાસકોએ મુસ્લિમ સમાજની કટ્ટરતાને અર્ધો વાળ્યો. એકની સંકુચિતતાને રાજકારણનું ખાતર આપીને ઉછેરી. પછી એ વિષવેલ વધતી વધતી પ્રદૂષણ ફેલાવા માંડી અને બીજા વર્ગોને અને બીજા પક્ષોને પણ બગાડતી ગઈ. હવે હવામાં ચારે બાજુ ઝેરી દુર્ગંધ પ્રસરી ગઈ છે એને હટાવવા માટે બેવડો પુરુષાર્થ કરવો પડશે.

હવે મંદિર મસ્જીદનો પ્રશ્ન ગૌણ બની ગયો. હવે તો પ્રશ્ન આ દેશના ભવિષ્યનો છે. આ દેશના રાજકારણીઓ, બુદ્ધિજીવીઓ, શિક્ષિતો, યુવાનો, લઘુમતી, બહુમતી અને મહિલાઓએ આ વિચારવાનું છે કે, આપણે દેશને કઈ દિશામાં લઈ જવો છે? એને દુનિયાના બીજા સમૃદ્ધ દેશોની હરોળમાં ઊભો રહે એવો મજબૂત બનાવવો છે કે, મત-લોલુપતા અને સ્વાર્થી રાજકીય પક્ષોના પ્રચારમાં આવીને એને નબળો પાડવો છે?

મંદિર મસ્જીદ એ તો લોકોની અંગત આસ્થાનો પ્રશ્ન છે એને શેરીઓમાં લાવીને કોણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું? આપણે બધાંએ એમાં આપણું ગૌરવ ગુમાવ્યું છે. કોઈ પક્ષ કે વર્ગ એમ માનતો હોય કે આમાં એને લાભ થયો છે તો એ નરી આત્મવંચના છે. જે લાભ દેખાય છે એ ક્ષણિક લાભ છે, અને એ એક ભ્રામક લાભ છે.

રશીદ તાલિબે ટી.વી. પરની ચર્ચામાં સાચું જ કહ્યું: મુસ્લિમ કટ્ટરવાદથી દુનિયાના ક્યા મુસ્લિમ દેશને લાભ થયો? ઈરાન અને ઈરાક આપસમાં લડીને ખતમ થઈ ગયા! કુવૈત પરના આક્રમણ પછી કુવૈત ખલાસ થયું અને ઈરાક પણ ખલાસ થયું, સાઉદી અરેબિયા જેવા દેશોને યુદ્ધનો ભારે માટો ખર્ચ ઉઠાવવો પડયો અફઘાનિસ્તાનમાં ચાંચ ડુબાવવા જતાં પાકિસ્તાન ભારે મોટી મુશ્કેલીમાં આવી પડયું અને ત્યાં લગભગ આંતરવિગ્રહ જેવી સ્થિતિ છે.

આપણો દેશ એક સમાજવાદી અને બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં ધાર્મિક બાબતોમાં રાજકીય પક્ષોએ માથું મારવાની જરૂર નથી. છતાં રામજન્મ ભૂમિના વિવાદમાં ભાજપે માથુ માર્યુ અને રથયાત્રા કાઢી પરિણામે દેશભરમાં તોફાનો થયા જેમાં હજારો નિર્દોષ નાગરીકોના જીવ હોમાઈ ગયા.

હવે આપણે એ જોવાનું રહે છે કે ફરીથી આવું ન બને. સુપ્રિમ કોર્ટમાં એકવાર ચુકાદો આવી ગયો છે. જેમાં ત્રણેય પક્ષોને થોડું થોડું મળ્યું છે. એ ચુકાદો સ્વીકારાઈ ગયો હોત તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતર્યું હોત પણ કોઈ પક્ષે આ ચુકાદો સ્વીકાર્યો નથી. પરિણામે હતા ત્યાંના ત્યાં જેવી સ્થિતિ ઉભી થઈ છે.

હવે લાંબા સમયે કોર્ટે ત્રણ સભ્યોની લવાદ સમિતિ નીમિ દીધી છે. સાચી વાત તો એ છે કે આ વિવાદાસ્પદ સ્થળે હોસ્પિટલ અને શાળાઓનું બાંધકામ થવું જોઈએ. આપણા દેશને અત્યારે શિક્ષણ અને આરોગ્યની તાતી જરૂર છે. આથી આ ઉકેલ અમલમાં આવે તો લાંબા સમયથી ચાલતો એક કડવાશ ભર્યો મુદ્દો ઉકલી જાય. આમાં આશ્ચર્યની વાત એ છે કે અયોધ્યાની પ્રજા તદ્દન શાંતિથી રહે છે. જ્યારે જ્યારે અયોધ્યામાં કાંઈ થાય કે તરત જ આસપાસના મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પડઘા પડે છે. આપણી પ્રજા આટલી પરિપક્વ કેમ નથી એ જ એક પ્રશ્ન છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો