2019માં મારી સામે સ્પર્ધા જ નથી, 300 બેઠક 'પાકી': મોદી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.29 માર્ચ, 2019, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦૧૯માં મારી સ્પર્ધામાં કોઈ જ નથી, મતદારોએ ભાજપને ૩૦૦ કરતા વધુ બેઠકો અપાવવા માટે મન મનાવી લીધું છે. ૨૦૨૪ આવશે ત્યારે જોયું જશે.
મોદીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મતદારોએ ભાજપને અભૂતપૂર્વ બહુમતી આપવા માટે મન મનાવી લીધું છે. લોકોએ નક્કી કરી લીધું છે કે આ ચૂંટણીમાં ભાજપ ને સાથીપક્ષોને બહુમતી મળે. ૨૦૧૯માં મારી હરીફાઈમાં કોઈ જ નેતા નથી. ૨૦૨૪માં મારી સામે કોઈ પણ સ્પર્ધામાં હોઈ શકે છે, પરંતુ ૨૦૨૪ વખતે જોયું જશે.
મોદીએ વિપક્ષો ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે મતદારોએ નક્કી કર્યું છે કે મને બહુમતી આપવી, તેનાથી વિપક્ષો એટલે ભયભીત બની ગયા છે કે ગઠબંધન કરીને પોત-પોતાના ગઢ બનાવવા ઘાંઘાં થયા છે.
મોદીએ કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે ગરીબી હટાવવાના નામે દેશને દાયકાઓથી લૂંટયો જ છે. વડાપ્રધાને કહ્યું, 'નેહરુજી ગરીબીની વાત કરતા હતા. ઈન્દિરાજી પણ ગરીબીની વાતો કરતા હતા, રાજીવજીએ પણ ગરીબોના કલ્યાણના નામે મત મેળવ્યા.
સોનિયાજીએ પણ ગરીબી નાબૂદ કરવાના નામે સત્તા મેળવી અને હવે તેમની પાંચમી પેઢી રાહુલ પણ ગરીબી નિર્મૂલન માટેની વાતો કરે છે, પણ આ પરિવારે ગરીબી દૂર કરવા ખરેખર કંઈ જ નથી કર્યું'. કટોકટી લગાડનારો પક્ષ મને લોકશાહી અંગે ભાષણો આપે છે. મહેરબાની કરીને મને લોકશાહીના ભાષણો આપવાનું આ પક્ષના નેતાઓ બંધ કરે એવું કહીને મોદીએ કોંગ્રેસ ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
Comments
Post a Comment