ભારતીય એરફોર્સે પોતાનું જ હેલિકોપ્ટર તોડી પાડયું : તપાસનો આદેશ
કરવા ગયા કંસાર થઇ ગઇ થુલી: એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની વિમાનોની ઘૂસણખોરી વખતે એરફોર્સે પાક.ના બદલે ભારતીય હેલિકોપ્ટર જ તોડી પાડયાના પીટીઆઇના અહેવાલ
૨૭મી ફેબુ્રઆરીએ સવારે ૯.૩૦ કલાકે ઉરી અને રાજોરી સેક્ટરમાં પાકિસ્તાની વિમાન ઘુસ્યા, ૧૦.૧૦ કલાકે ભારતીય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
જોકે આ અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, એરફોર્સ દ્વારા તપાસ ચાલી રહી હોવાના અહેવાલો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર
પુલવામાની ઘટના બાદ ૨૬મી ફેબુ્રઆરીએ ભારતીય એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, જેના બીજા જ દિવસે એટલે કે ૨૭મી ફેબુ્રઆરીએ કાશ્મીરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલો સામે આવ્યા હતા જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને તેમાં એરફોર્સના કર્મચારીઓ પણ હતા.
આ ઘટનાને મહિના ઉપરનો સમય વીતી ગયો છે ત્યારે કેટલાક ચોંકાવનારા રિપોર્ટ સામે આવી રહ્યા છે.પીટીઆઇના અહેવાલમાં સૂત્રોને ટાંકીને એવી શંકા છે કે ભારતીય એરફોર્સે જે એરસ્ટ્રાઇક કરી હતી તેના બીજા દિવસે પાકિસ્તાને પણ એરસ્ટ્રાઇક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યુ હતું કેમ કે ભારતીય એરફોર્સે પાક.ના વિમાનને તોડી પાડયું હતું.
પીટીઆઇના હવે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે ભારતીય એરફોર્સ જ્યારે પાકિસ્તાનના વિમાનને તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તેની અડફેટે પોતાનું જ એરફોર્સનું એક હેલિકોપ્ટર આવી ગયું હતું અને તુટી પડયું હતું. જેમાં સવાર દરેકનું મોત નિપજ્યું હતું. તેથી હવે ભારતીય એરફોર્સ એ તપાસ કરી રહી છે કે શું ભુલથી પોતાના જ હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યું હતું કે કેમ.
જોકે આ અંગે કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ૨૭મી ફેબુ્રઆરીના સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર તે દિવસે સવારે ૧૦ વાગ્યાને ૧૦ મિનિટે હેલિકોપ્ટરે શ્રીનગરથી ઉડાન ભરી હતી, જે બાદ જ તે બદગામમાં ક્રેશ થઇ ગયું હતું.
જ્યારે બીજી તરફ એ જ તારીખે સવારે ૯.૩૦ કલાકે પાકિસ્તાની એરપોર્સના વિમાનોએ ભારતમાં પ્રવેશ કર્યો હતો, રાજોરી અને ઉરી સેક્ટરમાં આ પ્રકારના પ્રયાસો પાકિસ્તાની એરફોર્સે કર્યા હતા. અને તે જ સમયે હેલિકોપ્ટર પણ ઉડાન ભરી ચુક્યું હતું.
આ દરમિયાન ઉરીમાં જ્યારે પાકિસ્તાનના વિમાનને તોડી પાડવા માટે ભારતીય એરફોર્સના વિમાને મિસાઇલ છોડી તો તે સીધી પાકિસ્તાનના વિમાનને બદલે ભારતીય હેલિકોપ્ટરને જઇને ટકરાઇ હતી જેમાં સવાર બધા જ મૃત્યુ પામ્યા હતા, જોકે આ ઘટના અંગે હાલ માત્ર શંકા છે અને તેના આધારે જ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળના અન્ય કારણોની પણ તપાસ થઇ રહી છે.
Comments
Post a Comment