ક્યાં ગઈ વિપક્ષી એકતા ?



લોકસભાની ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અત્યાર સુઘી એવું લાગતું હતું કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ એમ સામસામા બે ગઠબંધનો યુદ્ધમાં ઉતરશે. ઉપરાંત વિરોધપક્ષોએ પોતાની મોદી વિરુદ્ધ મહાગઠબંધનની થિયરી અગાઉ બહુ ગજાવી હતી એટલે એમ લાગતું હતું કે એક તરફ એકલા મોદી અને સામે દેશના તમામ વિપક્ષો. પણ એવું થયું નથી. 

આ વખતે અનેક રાજ્યોમાં બહુપાંખિયો જંગ જોવા મળશે. ગઠબંઘનના રાજકારણના આ યુગમાં પહેલીવાર અનેક રાજકીય પક્ષો પોતપોતાના એકલપંડે એકલજોરે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. આને કારણે છેલ્લા છ મહિનાથી જે પ્રચલિત ગઠબંધન ગણિત હતું તે હવે અપ્રસ્તુત થઈ ગયું છે.

વિરોધ પક્ષોની એકતાના મશાલચી અને ગઠબંધનના અગ્રનેતા થવા નીકળેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી કોઈ પણ ગઠબંધનનો હિસ્સો નથી. મહાગઠબંધનના અગાઉ પારકે પાદરે યોજાયેલા વિવિઘ ફોટો સેશનમાં ફુલાતા ફરનારા મમતાની વાત આ લોકસભાની ચૂંટણી પૂર્વેની કસરતોમાં કોઈને ગળે ઉતરી નથી. 

એ જ રીતે તેલંગણાના મુખ્યમંત્રી અને ટીઆરએસ નેતા કે. ચન્દ્રશેખર રાવની અગાઉની વાતોનો કોઈ અર્થ રહ્યો નથી અને તેઓ પણ ટાગોરની કવિતાની જેમ એકલો જા ને રે... પંથે જ સફર કરી રહ્યા છે. એક સમયે એમ લાગતું હતું કે આ લોકો કોઈ મજબૂત વિપક્ષી મોરચાનું ઘડતર કરશે.

કે. ચન્દ્રશેખર રાવે કહ્યું હતું કે પોતાના વિપક્ષી ગઠબંધન માટે તેઓ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો સહકાર લેશે. પરંતુ પટનાયક પણ કોઈ બંધન કે ગઠબંધનનો ભાગ નથી. વળી આ ત્રણેય નેતાઓમાં આજની તારીખે કોઈ પારસ્પરિક અન્ડરસ્ટેન્ડિંગ છે એમ કહેવાય એવું કોઈ કારણ નથી. સહુ નિજ ગણતરીઓ પ્રમાણેના વ્યૂહ રચવામાં ગળાડૂબ છે. 

આન્ધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુ તો એલાયન્સ પોલિટિક્સના પુરસ્કર્તા છે. એક સમયે તો વિરોઘ પક્ષોના ગઠબંધનની તેઓ ધરી માનવામાં આવતા હતા. તેઓ પણ આ લોકસભાની ચૂંટણીમાં કોઈની સાથે જોડાણમાં નથી. વિપક્ષી મિત્રોની વચ્ચે ઊભા રહીને મીડિયા સામે એક જમાનામાં જ્યારે તેઓ મહાગઠબંધનની વાતો કરતા ત્યારે દક્ષિણના તમામ રાજ્યોને તો એમનામાં ભાવિ વડાપ્રધાનની ઝલક દેખાવા લાગી હતી.

આજે તેઓ એકલા છે અને એકલા જ મનોમન બધા ઘાટ ઘડી રહ્યા છે. બિલાડીના ગળે ઘંટ બાંધવા જેવી વાત છે. ચૂંટણી જાહેર થયા પહેલા આ બધા જ પ્રાદેશિક નેતાઓએ રાષ્ટ્રીય ક્ષિતિજે ડોકિયું કરીને અભિનવ નેતૃત્વનો અણસાર આપ્યો હતો પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થઇ કે તુરત બધા એકબીજાથી વિમુખ થઈ ગયા છે. 

ચન્દ્રશેખર રાવે તો વિરોધ પક્ષોની એકતા પર અનેકવાર મોટિવેશનલ સ્પીચ પણ આપેલી છે. સાયબર બાબુ નાયડુ પણ વિકલ્પના રાજકારણના એક્કા ગણાતા હતા. હવે તેઓ સહુ પોતાના એકલદીપની શગ સંકોરવામાં અને પવનમાં એ સાવ બુઝાઈ ન જાય એની સંભાળ લેવામાં વ્યસ્ત થયા છે. નવી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કંઈ ને કંઈ બોલતા તો રહે છે.

હમણાં જ તેમણે કહ્યું કે જો ઈ. સ. ૨૦૧૯માં મોદી જીતી જશે તો ભારતની આ છેલ્લી ચૂંટણી હશે. કેજરીવાલ પાસે પણ વિરોધ પક્ષોની એકતા અંગેના પારાવાર મૌલિક વિચારો છે પરંતુ તેઓ હજુ સુધી તો પોતાના અલગ પાટલે જ બેઠાં છે. સહુ પોતપોતાને પાટલે જ છે, કોઈ સળંગ વિપક્ષી પંગતમાં નથી. બધા જ છૂટક અને ત્રૂટક છે. એનો લાભ કોને કઈ રીતે મળે છે એ જોવાનું રહે છે. 

સપા નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રિમો માયાવતીએ જોડાણ કર્યું છે પરંતુ યુપીએ કે કોંગ્રેસ સાથે એમનો સંબંઘ અસ્પષ્ટ છે. તેઓ કેન્દ્રમાં કોની સરકાર ચાહે છે એની તેમને જ કદાચ ખબર નથી. તેમની પાસે કોઈ રાષ્ટ્રીય એજન્ડા ક્યાં છે? ભાજપને ઘટતી બેઠકોનો ટેકો અખિલેશ ન આપે પણ માયાવતી એવો ટેકો ન જ આપે એવો આત્મવિશ્વાસ કોઈનામાં નથી. કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ, કર્ણાટકમાં જેડીએસ તામિલનાડુમાં ડીએમકે, મહારાષ્ટ્રમાં એનસીપી, ઝારખંડમાં જેએમએમ તથા જેવીએમ, બિહારમાં આર. જે. ડી. એમ વિવિધ પ્રાદેશિક પક્ષો સાથે ગઠજોડ કરી લીઘી છે.

ભાજપે પોતાના તમામ જુના સહયોગીઓ સાથે યુપી, મહારાષ્ટ્ર, પંજાબ અને બિહારમાં જોડાણ કર્યું છે. ભાજપ તો હવે એક એવો અમ રાજકીય પક્ષ છે કે કોંગ્રેસમાંય કેટલાકને એડવાન્સ હોર્સ ટ્રેડિંગ કોર્સ કરાવી દીધો છે. ભાજપનો સિદ્ધાંત એક જ છે કે સત્તા જોઈએ. શું હિન્દુત્વ કે શું રામમંદિર ને શું જનસેવા.... ભાજપ જેવી સત્તા ભૂખ અને સત્તા માટે કોઈ પણ હદની અનીતિ અજમાવતો આવો પક્ષ દેશે કદી જોયો નથી. 

તામિલનાડુમાં એઆઈએડીએમકે સ્વરૂપે ભાજપને નવો સાથીદાર પક્ષ મળ્યો છે. પરંતુ પૂર્વોત્તરમાં બનેલું નેડા ( નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ) વિખેરાઈ ગયું છે. પૂર્વોત્તરમાં ભાજપને જોડાણ અંગે જ નાના પ્રાદેશિક પક્ષો પાસે ઘણી આશા હતી જે ફળીભુત થઈ નથી. મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ અને સિક્કીમમાં ભાજપે થોડું અક્કડ વલણ રાખતા પ્રાદેશિક પક્ષો સાથે બેઠકોની વહેંચણી અદ્ધરતાલ થઇ ગઇ એને કારણે એ ચારેય રાજ્યો હવે ભાજપથી અલગ સૂર અને અલગ તાલમાં ચાલે છે.

કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતીને પોતાની સરકાર બનાવી પછીથી ગઠબંધનનું નાના-મોટાનું માપ બદલાઈ જતાં જ મહાગઠબંધનની વિભાવના વિચલિત થઈ. ભાજપ સામે કોંગ્રેસનું કદ કંઈક વધી જતાં અનેક પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકાર્ય ન લાગ્યું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો