ઇન્ડોનેશિયામાં પૂરના કારણે 40નાં મોત, 12થી વધુ લાપતા, હજારોનું વિસ્થાપન


12,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા  : રોગચાળો ફાટી નીકળવાનો ડર

(પીટીઆઈ) જકાર્તા, તા.29 એપ્રિલ, 2019, સોમવાર

ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે કુદરતી આપત્તિને કારણે ઓછામાં ઓછા ૧૨ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખરાબ હવામાનના કારણે સેંકડો ઈમારતો, પુલ અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે.

અમુક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે પરંતુ ઘણા વિસ્તારો હજુ પણ સંપર્કવિહોણા જ છે. નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે જો આગામી દિવસોમાં ફરીથી ભારે વરસાદ વરસશે તો પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધારે બગડશે. વધુમાં તેમણે મૃતકઆંક અને નુકસાનીના આંકડામાં વધારો થઈ શકે છે તેમ કહ્યું.

 ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મતે મૂશળધાર વરસાદ અને પૂરના કારણે પીવાના સ્વચ્છ પાણીની તંગી સર્જાઈ શકે છે. આ ઉપરાંત વરસાદ અને પૂરના કારણે યોગ્ય સફાઈ ન થઈ શકવાથી એલર્જી તથા ત્વચાસંબંધી બિમારીઓ ફેલાવાનો ખતરો જણાઈ રહ્યો છે. પૂરપીડિત વિસ્તારોમાં ફસાયેલા ૧૨ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના માટે શેલ્ટર હોમ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પૂરગ્રસ્ત વિસ્તારોની એરિયલ તસવીરોમાં નદી તેના કિનારા તોડીને જોરદાર પ્રવાહમાં વહેતી જોવા મળે છે. બચાવ ટીમના કાર્યકરોએ અનેક વિસ્તારોમાં રબર બોટની મદદથી શોધ અભિયાન હાથ ધર્યું છે અને પીડિતોને બચાવવા માટે તપાસ કરી રહ્યા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે જેથી તે વિસ્તારોમાં મદદ પહોંચાડવી અઘરી બની રહી છે.

અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર રહેલા કાટમાળને ખસેડવા માટે ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈંડોનેશિયામાં ચોમાસા દરમિયાન ઓક્ટોબરથી એપ્રિલ માસ વચ્ચે મોટા પ્રમાણમાં પૂર અને ભૂસ્ખલન જોવા મળે છે. જકાર્તાના બોગોર પ્રાંતમાં ભારે પૂરના કારણે એક વ્યક્તિની ખાનગી માલિકીના ૧૪ અજગર લાપતા બન્યા હતા.

તે પૈકીના ૧૩ ફૂટની લંબાઈ ધરાવતા છ અજગરોને શોધી કાઢવામાં આવ્યા છે જ્યારે બાકીના આઠ હજુ પણ લાપતા છે. ૧૭,૦૦૦ જેટલા દ્વીપોથી બનેલા ઈંડોનેશિયામાં ધરતીકંપ, જ્વાળામુખી ફાટવો વગેરે આફતો સામાન્ય છે તથા ગત મહિને પાપુઆ પ્રાંતમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૧૨ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૯૦ લોકો હજુ પણ લાપતા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન