દેશને નાયકોની નહીં, નીતિઓની જરૂર છે



આપણે સરકારની નિષ્ફળતાની વાત કરીએ છીએ, પરંતુ તમને નથી લાગતું કે જનતા તરીકે આપણે પણ નિષ્ફળ ગયા છીએ?

શ્રીલંકામાં ત્રાસવાદી હુમલા પછી ચાર બાબતો બહુ પોઝિટીવ જોવા મળી. ૧) ક્યાંય ત્રાસવાદી હુમલાને ધર્મ સાથે જોડવાની કોશિશ ન થઈ, ૨) ક્યાંય બે કે તેનાથી વધારે કોમ વચ્ચે ઝઘડા ઊભા કરાવતા ભડકાઉ નિવેદનો ન સાંભળવા મળ્યા, ૩) શ્રીલંકાના વડા પ્રધાને જવાબદારી સ્વીકારી માફી માગી, ૪) જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં. માનવ વિકાસ સૂચકાંકમાં શ્રીલંકા ભારતથી આગળ છે, તેની માથા દીઠ આવક આપણા કરતા વધારે છે, પરંતુ ઉપરોક્ત ઘટનાક્રમ જોયા પછી સમજાયું કે લોકશાહી તરીકે પણ તે ભારત કરતા વધારે પરિપક્વ છે.

ભારતમાં કોઈ પણ હુમલો થાય કે રમખાણ થાય, ભ્રષ્ટાચાર થાય કે કામમાં છબરડા થાય, નિયત સમયમાં કામ પૂરું ન થાય, ગમે તે થાય અથવા ન થાય, પણ અધિકારી અને મંત્રીની જવાબદારી ફિક્સ થતી નથી. આપણે ત્યાં આક્ષેપ અને પ્રત્યાક્ષેપની રાજનીતિ ચાલે છે.

વિપક્ષ આક્ષેપ કરીને સંતોષ માને છે, સત્તા પક્ષ વિપક્ષનો ભૂતકાળ ખોદી કાઢીને બચાવ કરીને ઓડકાર ખાઈ લે છે.  અમારી પહેલાના શાસકોના શાસનમાં આનાથી પણ મોટો ભ્રષ્ટાચાર થયો હતો, આનાથી પણ મોટા હુમલા થયા હતા. એક રાજકીય પક્ષે ૭૦ વર્ષ લૂંટયા એટલે બીજા રાજકીય પક્ષની સત્તાના પાંચ વર્ષમાં થયેલું નબળું કામ ચલાવી લેવાનું! ચાલે છે. અહીં રાજકીય પક્ષ એ વર્સસ રાજકીય પક્ષ બી છે. પ્રજાની કોઈ ગણતરી જ નથી.

તે રસ્સાખેંચનો રસ્સો બનીને રહી ગઈ છે.  એટલા માટે કેમ કે તે જાગૃત નથી. સત્તા પક્ષ તો પાંચ વર્ષ કે ૧૦ વર્ષ કામ કરીને પોતાની નિષ્ફળતાના પુરાવા આપે છે, પણ એ સ્વીકારવામાં સંકોચ ન કરવો જોઈએ કે એક પબ્લિક તરીકે આપણે છેલ્લા સાત દાયકાથી નિષ્ફળ નીવડી રહ્યા છીએ! ટગ ઑફ વૉરના દોરડાને ખબર જ નથી કે તે દોરડું છે. તે તો મજા લઈ રહ્યું છે વિવિધ ટીવી ચેનલો અને યુટયુબ ચેનલો સર્ફ કરીને. 

ન તો આપણને આપણા અધિકારોની જાણકારી છે, ન આપણી જરૂરિયાતોની સમજ છે. ને બંને હોય તોય તે મેળવવા માટે લડવાનું ખમીર નથી. એક ગાંધી હતો જેને સ્ટેશન પર ફેંકી દેવાતા તેણે સ્વમાનની લડત શરૂ કરી, જે આગળ જતા વ્યક્તિમાંથી સમષ્ટી માટેની લડત બની, અશ્વેતોની લડત બની, ભારતની આઝાદીની લડત બની. આઝાદી પછી આવો કોઈ ચમત્કાર ન થયો, કેમ કે ભારત પાસે બીજા એવા હજારો ગાંધીઓ છે જેને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવે તો બસમાં મુસાફરી કરીને મન મનાવી લે છે!

શાસકો સામે ઊઠતો અવાજ પણ દુઃખદ એટલા માટે છે કેમ કે આપણો મોદી વિરોધ પ્રિયંકાના જયજયકારમાં છે! એક પ્રજા તરીકે આપણે પંગુ છીએ. કાંખ ઘોડીના  સહારા વિના ચાલી શકતા નથી. ઉત્ક્રાંતિ પછી પણ આપણી અક્કલનો વિકાસ એટલે સુધી નથી પહોંચ્યો કે આપણને સમજાય કે આપણને નાયકની નહીં, નીતિઓની જરૂર છે. દેશ નાયક નથી ચલાવતો, નીતિઓ ચલાવે છે.

લોપ્રોફાઇલ ધૂરંધર પી. વી. નરસિંહરાવ અને મનમોહનસિંહે ૧૯૯૧માં આર્થિક સુધારા લાગુ કરી દેશના અર્થતંત્રમાં ચમત્કાર સર્જી દીધો. આ બેમાંથી એકેયને જનતાએ નાયક તરીકે સ્વીકાર્યા નથી. દેશનો વિકાસ નાયકથી નહીં, નીતિઓથી થાય છે તે વિશેનું આનાથી મજબૂત ઉદાહરણ બીજું કયું હોઈ શકે! સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. શું આપણે આપણી બગલ-ઘોડી છોડી શકવા સક્ષમ છીએ. પગભર થવું ખૂબ અઘરું છે!

નેતા શું છે? લોકશાહીમાં નેતા એટલે પ્રજામાં રહેલા સદ્ગુણો અને દુર્ગુણોનો સરવાળો.  આપણો નેતા જ્યારે રેપ કરે, આપણો નેતા જ્યારે ભ્રષ્ટાચાર કરે, આપણો નેતા જ્યારે ઉશ્કેરણીજનક ભાષણો આપે ત્યારે સમજી જવાનું કે આ પ્રજા જ એવી છે. આ પ્રજાને આનાથી બહેતર મળવું સંભવ નથી.

ટ્રાફિક પોલીસને રૂા.૧૦૦ની નોટ દઈને છૂટી જતી પબ્લિક એવું ઇચ્છે છે કે એનો નેતા પ્રામાણિક હોય! ખરાબ ગુણવત્તાવાળી સેવાઓના વિરોધમાં લડત ન ચલાવી શકતી પબ્લિક એમ ઇચ્છે છે કે એનો નેતા પાકિસ્તાનને ખોખરું કરી નાખે! હદ તો એ છે કે પબ્લિકેય આ બધું સ્વીકારી લીધું છે. અમે આવા જ છીએ અને અમને આનાથી સારું મળી શકે એમ નથી. પબ્લિકનો સ્વીકાર ભાવ એવી આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચી ગયો છે કે તેને પોતાનામાં સુધારો કરવાની કોઈ ઇચ્છા જ નથી.

તેને કૂંડીના ઢાંકણા પર એઠવાડ પણ ફેંકવો છે અને સ્વચ્છતા અભિયાનની ગંદકી બદલ સરકારને ભાંડવી પણ છે. ખાલી ભાંડવી જ છે હો. એથી વધુ કંઈ નહીં. તેનો આ આક્રોશ ગોસિપ કક્ષાથી ઉપર જઈ શકે એમ નથી. આવી બેવડાં ધોરણોવાળી જનતાનો નેતા મહાન હોય એવી આશા રાખો છો? જો રાખતા હોવ તો પોગો જુઓ, રમકડાથી રમો! તમારી અંદરનું બાળક હજુ જીવી રહ્યું છે અને હજુ એ જ જીવે છે! નેતા એ પ્રજાનું પ્રતિબિંબ છે. નમાલી પ્રજાને ક્યારેય મહાન શાસક મળી શકે નહીં. જે છે એનાથી ચલાવો. કંઈ બદલવું જ હોય તો પહેલા પોતાનાથી પ્રારંભ કરો.

જે દેશમાં નાગરિક પક્ષ નબળો હોય ત્યાં વિપક્ષ સબળો કેવી રીતે હોય? ને કદાચ સબળો વિપક્ષ હોય તોય તે નબળા નાગરિક પક્ષની નજર ચૂકવી સરકાર સાથે સેટિંગ પાડીને ચૂપ બેસી જવાનો. ગુજરાતમાં તપાસ કરાવી લો. વિપક્ષી નેતાઓ ચિક્કાર સરકારી કોન્ટ્રાક્ટ લઈને બેઠા છે. તેમનું પેટ ભેરલું છે, તેઓ ચૂપ છે, સંતુષ્ટ છે, તેમને ક્યાં સત્તામાં આવવું છે, તેમનું કામ તો વિપક્ષમાં બેઠા-બેઠા પણ થઈ રહ્યું છે. પ્રજા મૂક-બધિર અને અંધ છે.

ક્યાં કોઈ જોનારું છે? ક્યાં કોઈ કાન પકડનારું છે? પછી શેની ચિંતા? છેલ્લા પાંચ વર્ષમાં આપણે ત્યાં વિપક્ષ વિરોધનું નવું પત્રકારત્વ શરૂ થયું છે! વિપક્ષની ભૂમિકા પ્રજાના અવાજ તરીકેની હોવાથી તેનો વિરોધ જનતાના અવાજને નબળો પાડવાનું કારસ્તાન કહેવાય એટલે આમ તો વિપક્ષ વિરોધ કરવો ન જોઈએ, તેમ છતાં કરવો જ હોય તો વિપક્ષની શાસક પક્ષ સાથેની કોન્ટ્રાક્ટ-ખાઉ, પૈસા-ખાઉ જુગલબંધીનો કરવો જોઈએ.

દેશના વિકાસમાં સૌપ્રથમ તો જનતાએ પોતાની ભૂમિકા સમજવી પડે. લોકતંત્રમાંથી લોકનો લોપ થઈ જાય ત્યાં સુધી ઊંઘતા રહી શકાય નહીં. તમે કોઈ સરકારી કચેરીમાં જાવ અને ત્યાં તમારું કામ ન થાય તો તરત માહિતી અધિકારનો ઉપયોગ કરો.

તે કામની સ્ટાન્ડર્ડ પ્રોસીજર જાણો, કેટલા સમયમાં પૂરું થવું જોઈએ તે જાણો, કેવી ગુણવત્તાનું કામ હોવું જોઈએ તે જાણો, અત્યાર સુધીમાં સંબંધિત અધિકારીએ તે પ્રમાણે કામ કર્યું છે કે નહીં તે જાણો, ન કર્યું હોય તો શા માટે નથી કર્યું તે જાણો, ન કરવા બદલ તેની સામે કોઈ પગલાં લેવાયા છે કે નહીં તેની માહિતી માગો, પછી જુઓ.

તમે પબ્લિક તરીકે સરેન્ડર થઈ જાવ. ફાઇલમાં પૈસા મૂકી દો તો પતી ગઈ વાત. ભ્રષ્ટ અધિકારીની, ક્લર્કની, પ્રધાનની હિંમત વધી જવાની. પૈસા નહીં ખવડાવવાના એટલે નહીં ખવડાવવાના. એટલો સાદો નિર્ણય પણ દેશનો નાગરિક ન કરી શકે? રાજનીતિમાં જે થતું હોય તેનું ઊંધું બોલવાનો રીવાજ હોય છે, જેમ કે, ખાતો નથી ને ખાવા દેતો નથી. ખરેખર તો પ્રજાએ મનમાં ગાંઠ વાળવી જોઈએઃ ખવડાવીશ પણ નહીં અને કામ પણ કરાવીશ. 

આટલું ખમીર જો સામાન્ય નાગરિક કેળવી લે તો તેને અધિકારીને લાફો મારીને સીન જમાવનારા નેતાને પોતાનો નાયક નહીં બનાવવો પડે. જ્યાં જનતા નબળી હોય ત્યાં જ નાયકત્વનો જન્મ થાય છે. નાયક પોતે ઇચ્છે છે કે જનતા નબળી રહે, જેથી તેનું નાયકત્વ સૂર્ય-ચંદ્ર જીવે ત્યાં સુધી જળવાઈ રહે. યાને કે નાયકનું નાયકત્વ એ તેની દુકાન છે. કોઈ પોતાની દુકાન બંધ થવા દે ખરું? 

સારી સેવાઓ ત્યારે જ મળે જ્યારે અધિકારીઓ અને મંત્રીઓની જવાબદારી ફિક્સ થાય. એક ભૂલ પર સસ્પેન્ડ થાય અને બીજી ભૂલ પર નોકરી જાય. મોટી ભૂલ હોય તો પહેલી જ મોટી ભૂલમાં નોકરી જવી જોઈએ. મંત્રીને પણ એ જ પ્રમાણે ફરજિયાત રાજીનામું લખી જ આપવાનું. પછી જુઓ કે એડમિનિસ્ટ્રેશન કેવું સૂધરે છે. અલબત્ત આ કામ સરકારે કરવાનું છે, કિન્તુ જનતા જ્યાં સુધી ડીમાન્ડ નહીં કરે ત્યાં સુધી સરકાર ડીલીવર કરશે નહીં. 

તમે જ્યાં સુધી ભ્રષ્ટ સરકારી કર્મચારીને એસીબીની ટ્રેપમાં પકડાવશો નહીં ત્યાં સુધી સરકારી તંત્ર સૂધરશે નહીં. આ કામ એક જ ફોન કોલથી થઈ શકે છે. દરેક કાર્ય માટે તમે ઈશ્વરની રાહ શા માટે જુઓ છો? તેની હાલત તો જુઓ. તે પોતે ઓવરબર્ડન્ડ છે. તેને  અનેકાનેક બ્રહ્માંડ ચલાવવાના છે. તેની જવાબદારી માત્ર પૃથ્વી પર અવતાર લેવા પૂરતી લિમિટેડ થોડી છે!

દરેક સરકારી વિભાગ પાસે તેની હેલ્પલાઇન હોવી જોઈએ. ટોલ ફ્રી. અને ચાલવી પણ જોઈએ. વપરાશી ચીજો અને સેવાઓ વેચતી પ્રાઇવેટ કંપનીઓ પાસે પણ ૨૪ કલાકની હેલ્પલાઇન હોવી જોઈએ. તેમાં ફરિયાદ કરો. નિકાલ ન આવે ત્યાં સુધી સતત ફરિયાદ કરો. પાછળ પડી જાવ.

લોકશાહીનું મજબૂત હથિયાર છે આરટીઆઈ. જેનો ઉપયોગ આમ જનતા કરતા સ્થાપિત હિતો અધિક કરી રહ્યા છે. આ અધિકાર સામાન્ય નાગરિક માટેનો છે. તેમણે એક્સેસ કરવો જ જોઈએ. સરકારી કચેરીમાં કામ ન થાય તો તરત આરટીઆઈ કરો. તેનો જવાબ નિયત સમયમાં ન મળે તો હાયર ઓથોરિટી પાસે જાવ. પછી જુઓ કે દેશ મજબૂત બને છે કે નહીં.  પબ્લિકને લડવું નથી, બેઠા-બેઠા કોળિયા ભરવા છે. લડવાનો અર્થ કંઈ સરહદ પર બંદૂક લઈને ઊભા રહેવું- એટલો સીમિત નથી.

જે માહિતી ઑફિશિયલ સીક્રેટ એક્ટ હેઠળ આવતી નથી તે બધી માહિતી સરકારી વેબસાઇટ પર મૂકવાની અને વેબસાઇટને અપડેટેડ રાખવાની સરકારને ફરજ પાડવી જોઈએ. એક કામ કરો. ગુજરાત સરકારની જુદા-જુદા વિભાગોની વેબસાઇટ ખોલીને જુઓ. તમે જોશો તો તરત જ જણાશે કે સિંચાઈ અને હવામાન જેવા એકલ-દોકલ ખાતા સિવાયના વિભાગોએ વર્ષોથી માહિતી અપડેટ કરી દેવાનું બંધ કરી દીધું છે.

તમે જોશો કે છેલ્લા કેટલાક વર્ષમાં પારદર્શકતા વધવાને બદલે ઘટી છે. શા માટે તેમણે સામાન્ય જાણકારી આપતી માહિતી વેબસાઇટ પર અપડેટ કરવાનું બંધ કરી દીધું છે? તેમની નબળી કામગીરી ઉઘાડી ન પડી જાય એટલે? ક્યાંથી ઉઘાડી પડી જવાની? પબ્લિક તો ઘસઘસાટ ઊંઘે છે. તેનું દિલ જીતવા માટે એક-બે સેન્ટિમેન્ટ જ કાફી છે. નસકોરાનો અવાજ સંભળાય છે?  જય હિંદ!

હોય નહીં
વિશ્વમાં સૌથી વધુ સંશોધકો ધરાવતા દેશોમાં ભારત ટોપ ૧૦માં નથી

વિશ્વમાં વૈજ્ઞાાનિક સંશોધન પ્રત્યે રુચિ વધી રહી છે. સંશોધનના બે ઉદ્દેશ હોય છે. ૧) માનવ જીવનને વધુ સરળ બનાવવું. ૨) કમાણી કરવી, બિઝનેસ મેળવવો. વિશ્વમાં સૌથી વધુ સંશોધકો ડેન્માર્કમાં છે. દર એક હજારની વસ્તીએ ૧૫.૫ સંશોધક. સ્વીડનમાં ૧૫ સંશોધક, દક્ષિણ કોરિયામાં ૧૪.૫ સંશોધક, ફ્રાંસમાં ૧૦.૩ સંશોધક, જાપાનમાં પ્રતિ એક હજારની વસ્તીએ ૧૦ સંશોધક, જર્મનીમાં ૯.૩ સંશોધક, બ્રિટનમાં નવ સંશોધક, અમેરિકામાં ૮.૯ સંશોધક, રશિયામાં ૫.૭ સંશોધક અને ચીનમાં ૨.૨ સંશોધક છે.

ડેન્માર્કમાં દર એક હજારની વસ્તીએ ૧૫.૫ સંશોધકો છે અને ભારતમાં બે પણ નથી. આપણી વેજા નકલ કરવામાં ઉસ્તાદ છે! ભારત ટોપ ટેનમાં નથી. આપણી પ્રજા ટાંટિયા ખેંચમાં અને નિર્મલ બાબાના સમોસા-ચટણી ખાવામાં બિઝી છે. હા, કેવી રીતે ટેક્સ ચોરી કરવી, કેવી રીતે કોઈકનું કરી નાખવું વગેરેમાં ભારતમાં જેટલા સંશોધન થઈ રહ્યા છે એટલા વિશ્વમાં ક્યાંય થઈ રહ્યા નથી!

આજની નવી જોક

છગન (મગનને) જો ભાજપને સરકાર બને તો તારી શું ઇચ્છા છે?

મગનઃ એ જ કે સની દેઓલ અશરફ અલી સોરી ઇમરાન ખાન સાથે મંત્રણા કરવા પાકિસ્તાન જાય અને ગદ્દરમાં જેમ રેતીમાંથી ડંકી કાઢી હતી એમ તેને

ડંકીએ-ડંકીએ ઘુસ્તાવે!

છગનઃ હેં?

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો