સાતમાંથી ચાર કોઠા વિંધતું ચૂંટણી પંચ: 64 ટકા મતદાન

મનાઇ છતાં પ્રતિબંધિત મત વિસ્તારમાં કાર લઇને પ્રવેશેલા કેન્દ્રીય પ્રધાન અને ગાયક બાબુલ સુપ્રીયોના કાફલા પર પથ્થરમારો, હિંસા
બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના રાજ્યોમાં ઇવીએમમાં ખામી સર્જાતા મતદારો પરેશાન થયા
સાક્ષી મહારાજ, ગિરિરાજસિંહ, કન્હૈયા કુમાર, ઉર્મિલા માતોંડકર, ડિંપલ યાદવ સહિતના દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં સીલ
મધ્ય પ્રદેશમાં ત્રણ ચૂંટણી કર્મચારીઓનાં મોત, બેને હાર્ટ એટેક જ્યારે એકને બ્રેઇન હેમરેજ
નવી દિલ્હી, તા.29 એપ્રિલ, 2019, સોમવાર
લોકસભાની ચૂંટણીના સાત પૈકી ચોથા તબક્કાનું મતદાન પણ સોમવારે પુરુ થઇ ગયું છે. ચોથા તબક્કામાં ૭૨ બેઠકોને આવરી લેવામાં આવી હતી જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહીત ૯ રાજ્યોના દિગ્ગ નેતાઓનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે.
જેમ કે ઉત્તર પ્રદેશના કન્નોજથી ડિંપલ યાદવ, ઉન્નાવથી સાક્ષી મહારાજ, ફારુકાબાદથી સલમાન ખુર્શીદ, બિહારમાં ગિરિરાજસિંહ, કન્હૈયા કુમાર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય, ઉપેન્દ્ર કુશવાહા વગેરે આ તબક્કામાં ચૂંટણી મેદાનમાં છે. ચોથા તબક્કાના મતદાનમાં પણ અગાઉની જેમ કેટલાક રાજ્યોમાં હિંસાની ઘટના સામે આવી હતી.
જ્યારે મુંબઇમાં પણ મતદાન હોવાથી અનેક બોલિવૂડ સેલિબ્રિટિઓએ પણ મતદાન કર્યું હતું. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન ગાયક બાબુલ સુપ્રીયોની કાર પર પથ્થરમારો થયો હતો, આ ઉપરાંત અહીં બિરભૂમ બેઠક પર વિરોધી પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. મધ્ય પ્રદેશમાં ત્રણ ચૂંટણી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.
અહીંના લોધીખેડામાં ૫૦ વર્ષીય સુનંદા કોટેકરનુ હાર્ટ એટેકથી મોત થયું હતું, જ્યારે બાલાઘાટમાં એક કર્મચારીનું બ્રેઇન હેમરેજથી મોત નિપજ્યું હતું. એક એએસઆઇને પણ પોલિંગ બૂથ પર તૈનાત કર્યો હતો જેનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. અહીં મુખ્ય પ્રધાન કમલનાથના પુત્ર નકુલનાથ છિંદવાડથી ચૂંટણી લડી રહ્યા છે.
દેશભરમાં જે નવ રાજ્યોમાં મતદાન થવાનું છે ત્યાં આશરે ૧.૪૦ લાખ મતદાન મથકો તૈયાર કરાયા હતા. ચોથા તબક્કામાં કુલ ૯૬૧ ઉમેદવારો મેદાનમાં હતા, મહારાષ્ટ્રમાં આ તબક્કાની સાથે જ બધી જ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયુ છે, શીવસેના અને ભાજપના ગઠબંધને ગત લોકસભામાં ૧૭ બેઠકો મેળવી હતી, આ વખતે પણ બન્નેએ ગઠબંધન કર્યું છે.
મુંબઇમાંથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકર ચૂંટણી લડી રહ્યા છે, તેથી મોટા પ્રમાણમાં બોલિવૂડ કલાકારો મતદાન કવા બહાર આવ્યા હતા અહીં ઇવીએમ ખોટકાવા અંગેની કેટલીક ફરિયાદો સામે આવી હતી. બિહારમાં બેગુસરાય બેઠક સૌથી વધુ ચર્ચામા રહેશે કેમ કે અહીં યુવા નેતા કન્હૈયા કુમાર અને ગીરીરાજસિંહ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
બિહાર, ઓડિશા અને અન્ય કેટલાક રાજ્યોમાં ઇવીએમ ખરાબ થવાની ફરિયાદો સામે આવી હતી. મુખ્ય રાજ્યોની મતદાનની ટકાવારી પર નજર કરીએ તો સરેરાશ ૬૪ ટકા મતદાન થયું છે. બિહારમાં ૫૮.૯૨, જમ્મુ કાશ્મીરમાં ૯.૭૯, ઝારખંડમાં ૬૩.૭૬, મધ્ય પ્રદેશમાં ૬૫.૮૬, મહારાષ્ટ્રમાં ૫૮.૦૫, ઓડિશામાં ૬૪.૦૫, રાજસ્થાનમાં ૬૨.૯૩, ઉત્તર પ્રદેશમાં ૫૮.૫૬ અને પશ્ચિમ બંગાળમાં ૭૬.૬૬ ટકા, રાજસ્થાનમાં ૬૭.૭૩ મતદાન થયું હતું.
Comments
Post a Comment