બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

વાંકા ચાલે કાકા. કોઈ દિવસ ટાઈમસર નાહવા ન જાય. જાણે  કોઈની  કાણે જવાનું  હોય એમ ખભે  ટુવાલ રાખી ફર્યા કરે પણ આ રવિવારે હું  કાકાને ત્યાં  ગયો ત્યારે  બહુ નવાઈ લાગી. પથુકાકા બાથરૂમમાં ફુવારા નીચે  મોજથી  નાહતા  હતા અને ગાતા હતાઃ ઠંડે ઠંડે પાની સે  નહાના ચાહિયે,  ગાના આયે  યા ના આયે  ગાના ચાહિયે...

મેં રસોડામાં  કામ કરતા  (હો) બાળાકાકીને  હાક મારી પૂછ્યું  કે 'શું વાત છે? કાકા આજે  સૌથી  પહેલાં બાથરૂમમાં  જઈ ફુવારા નીચે ટેસથી કેમ નાહવા માંડયા?' મારો  સવાલ સાંભળી કાકીએ પણ ગીત ગાઈને જ્વાબ આપ્યો ' 'શાવરિયો' કે મારો 'શાવરિયો'હું તો ખોબો  માગું ને દઈ દે દરિયો... તારા કાકા જ્યારથી  નવો શાવર નખાવ્યો છેને  ત્યારથી  ટાઈમ ટુ ટાઈમ નાહવા માંડયા છે. શાવર નીચે ટેસથી  નાહવા બેસે એ વરને શા-વરિયો જ કહેવાયને?  શા-વરિયો રે મારો શા-વરિયો...

ઉનાળાની  આ બળબળતી ગરમીમાં ઠંડા ઠંડા  પાણીનો શાવર બાથ લઈને ટુવાલથી માથું  લૂંછતા લૂંછતા  બાથરૂમમાંથી નીકળ્યા. મેં ટાઈમસર નાહવા બદલ એમની તારીફ કરતા  કહ્યું કે 'લગ્નસંસાર ટકાવવા માટે ટાઈમસર નાહી લેવામાં જ ડહાપણ છે હો?' કાકા બોલ્યા ' આ તારી કાકી રોજ સવારે  કકળાટ શરૂ કરી દે છે ઝટ નાહવા જાવ... ઝટ નાહવા જાવ... આ કાયમી કકળાટમાંથી  છૂટવા મેં હવેથી રોજ  ટાઈમસર  નાહવા જવાનું નક્કી કર્યું છે.' મેં કાકાને  ટેબલ પર પડેલા છાપાના  સમાચાર વાંચી સંભળાવતા  કહ્યું કે  'ફેમિલી કોર્ટમાં  આવેલા  વિચિત્ર કેસના સમાચાર જોયા?  એક મહિલાનો ધણી અઠવાડિયા સુધી નાહતો જ નહોતો.

પરસેવાની ગંધ  છુપાવવા બસ પરફયુમ  છાંટી લેતોહતો. પણ એમ કાંઈ એની બદનની  વાસ થોડી જ જાય? ઘોડા જેવા ગંધાતા આ 'અશ્વ-ગંધા' ધણીથી ત્રાસેલી ધણિયાણીએ કાયમ માટે  છુટકારો  મેળવવા છુટાછેડા  મેળવવાની  અરજી કરી છે બોલો' આ સાંભળી   માથામાં  તેલ નાખી બાકીનું તેલ  હાથ-પગ પર ચોપડી 'ઓવર-ઓઈલીંગ' કરતા કરતા કાકા બોલ્યા  'શું વાત કરે છે?  ધણી નાહતો ન હોય  એવા કારણસર પણ છૂટાછેડા મળી શકે?

મને  વહેલી ખબરહોત તો હું ય અઠવાડિયે  દસ દિવસે  નાહવાનું રાખત, આ ટાઈમસર નાહવાની કુમતી ક્યાં સૂઝી મને?' આ સાંભળતાની સાથે  જ બાથરૂમમાંથી  ધોકો ઉપાડી  કાકાની  સામે  ઉગામતા કાકી બરાડયા 'આ ધોકો જોયો છેને?  મને વગોવશોને તો ધોકે ધોકે ધોઈ નાખીશ સમજ્યા?' ગરજતા કાકીની આ 'ગર્જીકલ-સ્ટ્રાઈક'થી ગભરાયેલા  કાકા ધીરેકથી બોલ્યાઃ

વોશિંગ મશીન આવ્યા છતાં

ધણીને ધાકમાં રાખવા વાપરે ધોકો

આવા ઘરેલું  આતંકવાદીને

કોઈ હુમલો કરતા રોકો

મેં કાકીને કહ્યું કે તમારો એક દીકરો જાપાનમાં બિઝનેસ કરે છેને? એને પૂછી જોજો  જાપાનમાં  તો વોશિંગ-કમ-બાથીંગ મશીન માર્કેટમાં મળે છે એમાં શું ખબર છે? નાનકડી કેબીન જેવા મશીનમાં પહેરેલે કપડે અંદર જવાનું અને ઊભા રહેવાનું. પછી ચાંપ દાબો  એટલે  ચારે બાજુથી  પાણીના  ફુવારા છૂટે.

પછી બીજી ચાંપ દાબો એટલે  સુગંધી  શેમ્પૂની ધાર છૂટે.  ત્યારબાદ  ફરીથી પાણીના ફુવારા છૂટે.  અને છેલ્લું બટન દાબો  એટલે ગરમ હવા  સૂસવાટા બોલાવતી છૂટે.  એટલે પહેરેલે કપડે નાહી -ધોઈ ને સૂકાઈને  બહાર નીકળવાનું  એટલે કાકી તમારા દીકરાને કહો કે આ મશીન  મોકલે, કાકાને મજા થઈ જશે.'

પથુકાકા વચ્ચે બરાડયા ના... ના... ના... એવું મશીન નથી વસાવવું હો?  આ તારી કાકીની જીભ તુંજોણે છેને?  એને બોલવાનું ભાન નથી હો? ધારો કે હું  વોશિંગ-કમ-બાથિંગ મશીનમાં  અંદર  ગયો હોઉં  અને બહારનું કોઈ આવીને  મારા વિશે પૂછે કે પથુકાકા ક્યાં છે?  ત્યારે આ તારી કાકી તડાક કરતો જવાબ આપશે કે કાકાને  હમણાં જ મશીનમાં ધોવા નાખ્યા છે, પાંચેક મિનિટમાં  સૂકાઈને  બહાર આવશે. પરણીને હું સાવ મફતમાં  સૂકાઈ ગયો છું એ  તું  જોતો નથી? વરને આમ સૂકવીને  'ડ્રાય-વર' બનાવી નાખે એ કેમ પોષાય?

મેં કાકાને  કહ્યું કે 'કાઈ વાંધો નહીં, મશીન ન મગાવતા બસ? આ તો મને થયું કે રાજકારણમાં ઘણાં પહેરેલે કપડે ઊઘાડા પડે છેતો કાકા પહેરેલે કપડે નાહી, ધોઈ, સૂકાઈને   કેમ બહાર ન આવી શકે?'

કાકા બોલ્યા 'તું મારી ચિંતા કરે છે? અરે આ રાજકારણીઓએ તો કુંભમેળામાં પવિત્ર સ્નાને પણ રાજકીય રંગ આપી દીધો છે.  આ વખતે કુંભ મેળામાં કેટલીય પાર્ટીઓના નેતાઓ અને નેતીઓ ડુબકી લગાવવા પહોંચી ગયા હતા  એ ટીવીમાં  જોયું હતું કે નહીં?'

કાકાની વાત સાંભળી મને થોડા દિવસ પહેલાંનો કિસ્સો યાદ આવ્યો. દિલ્હીમાં  એક તો ઉનાળાની ગરમી અને બીજી ચૂંટણીની  ગરમીમાં  કોઈ કામસર હું અને કાકા દિલ્હી પહોંચ્યા. બપોરે  એક પબ્લિક પાર્ક પાસેથી  પસાર થયા ત્યારે અંદર સુંદર મજાનો ફુવારો  ઊડતો જોઈ હું અને કાકા ઠંડક મેળવવા પાર્કની અંદર ગયા જોયું તો  ચાર-પાંચ ટેણિયા ફુવારા પાસેના હોજમાં 'ડ્રેસ-ભક્તિ'નો ખોટો દેખાડો  કર્યા વિના  ગા-ના શબ્દને  અવળેથી વાંચો એ અવસ્થામાં  ધુબાકા મારતા હતા  બાજુમાં જ ચેતવણીનું બોર્ડ માર્યું હતું જેમાં  લખ્યું હતું. 'અહીં તરવાની મનાઈ છે.'

આ વાંચતાની સાથે જ કાકા હસીને બોલી ઊઠયા 'આ દિલ્હીવાળા ડૂબાડવા  જ બેઠાં છે કે બીજું કાંઈ? સૂચનામાં  લખ્યું છે કે અહીં તરવાની મનાઈ છે, તો તરે નહીં તો  શું ડૂબે? જનતાએ નેતાઓવાંચી શકેએવી મોકાની જગ્યાએ ચેતવણીના  બોર્ડ મારી લખવું જોઈએ કે (જનતા)ને છે-તરવાનીમનાઈ છે.  મજાની વાત શું છે ખબર છે? તરે છે આ ત્રણ અક્ષરમાં 'છે'ને  આગળ ગોઠવો તો  છે-તરે વંચાય અને 'છે'ને પાછળ મૂકો તો તરે-છે વંચાય.. આમેય સહુ જાણે જ છેને? આ દેશમાં  જે છે-તરે એ તરે-છે...'

મેં કહ્યું 'કાકા અત્યારે ચોમાસાની ચર્ચા ચાલે છે કે  સામાન્ય રહેશે કે પછી વરસાદ ખેંચાશે? દક્ષિણમાં  મેં સાંભળ્યું છે કે વરસાદ ખેંચાયને ત્યારે ગધેડા-ગધેડીના ધામધૂમથી  લગન  કરવામાં આવે છે આને લીધે  ઉપરવાળાની કૃપા  વરસે છે  એવી માન્યતા  છે. એટલે  પહેલાં તો  ગધેડાને  સુગંધી  પાણીથી  ઘસી ઘસી  નવરાવવામાં આવે છે.  પછી શણગારીને  ગૌરવર્ણી ગધેડી સાથે પરણાવવામાં આવે છે બોલો!'

પથુકાકા તરત બોલ્યા 'ગધેડાને  પરણાવતા પહેલા નવરાવવાની  ક્યાં વાત કરે છે? હું પણ જ્યારે  વરરાજા બની ઘોડે  ચડયો એ પહેલાં  મનેય ગધેડાની જેમ ઘસી ઘસી નવરાવવામાં આવ્યો હતો એટલે જ પછી આખી જિંદગી ગધ્ધાવૈંતરૂં કરવાનો વારો આવ્યોને? ગધેડાની જેમ પહેલા નવરાવે ને પછી ઘોડે ચડાવે પછી  આવી જ દશા થાયને મારી જેવાં  પતીડાઓની?  મરાઠીમાં  વરને નવરા કહે છેને? એટલે જ કહેવું પડે 

પીઠી ચોળી નવરાને નવરાવે

પછી આખી જિંદગી ઘરવાળી કવરાવે

મેં કહ્યું'કાકા ઉનાળાની ગરમીમાં  નાહવું તો પડે જ ને? શાસ્ત્રોમાં લખ્યું છે કે રોજ સવારે પૂજા પહેલાં સ્નાન કરીને સ્વચ્છ થવાથી શરીરની ઉર્જા વધે છે, લોહી ફરતું થાય છે, સ્ફુર્તિ આવી જાય છે શરીરમાં અને ભૂખ ઊઘડે છે.'

સ્નાન કરવાથી ભૂખ ઊઘડે છે એ ફાયદો સાંભળીને તરત જ પથુકાકાએ તીર છોડયું કે 'વાત સાવ સાચી હો? નાહવાથી ભૂખ ઊઘડે છે એટલે જ ચૂંટણી પહેલાં નેતાઓ કુંભમાં સ્નાન કરી આવ્યાને? જોયું એમની (સત્તાની) ભૂખ કેવી ઊઘડી?' મેં ટકોર કરી કે આ નેતાઓ પહેલાં પોતે નહાય અને પછી બીજાને નવડાવે.

હજી તો  હું સ્નાનની વાત કરતો હતો અને ગરમીમાંથી  છુટકારો મેળવવા નાહવાની મજા વર્ણવતો હતો એ જ વખતે પથુકાકાએ મોબાઈલમાં ગીત વગાડયું 'જાગી  બદન મેં જ્વાલા સૈયાં તુને ક્યા કર ડાલા... મેં પૂછ્યું  કાકા અચાનક આ ગીત વગાડવાનું  કેમ સૂઝ્યું?'

કાકાએ જવાબ આપ્યો કે ૧૯૬૮ની 'ઈજ્જત' ફિલ્મમાં આ ગીત કોની પર ફિલ્મમાવવામાં  આવ્યું હતું ખબર છે? જે.જયલલિતાએ કેવો મઝેદાર ડાન્સ કર્યો હતો એમાં ખબર છે?  પહેલાં  ફિલ્મોમાં પોતે નાચીને   દેખાડયું પછી પોલિટિક્સમાં  આવી કેટલાયને નચાવ્યા.'

આ ઊંમરે પણ રંગીલો મિજાજ ટકાવી રાખનારા કાકાને મેં પૂછ્યું કે તમે રોજ રાત્રે ટીવીમાં સાઉથની ફિલ્મોના ગીત કેમ જોયા કરો છો?' કાકાએ કહ્યું 'ંમને પાતળી સોટા જેવી કે સુકલકડી  હિરોઈનોને બદલે સાઉથની તંદુરસ્ત, ટનબદન અનેસજના નહીં પણ વજનાને જોવાની ગમે. 

અને વળી સાઉથની ફિલ્મોના ગીતોમાં   હિરોઈન તળાવમાં, નદીમાં કે સ્વીમીંગ પુલમાં  નાહતી નાહતી ગાતી  હોય એવાં  સીન અમુક જોવા મળે હો?' મેં સવાલ કર્યો કે સાઉથની ફિલ્મોમાં  હિરોઈનો નાહતી હોય એવાં સીન  કેમ મૂકવામાં  આવતા હશે? મારો સવાલ સાંભળી ખડખડાટ હસી કાકા બોલ્યા 'તને ખબર નથી? આ કામીનીઓની કઠોળ જેવી તાસીર હોય છે, પાણીમાં પલાળો પછી જ ફૂલે... એટલે જ પ્રોડયુસરો હિરોઈનોને પાણીમાં ધકેલે છે.

મેં કાકાને નાહવા બાબત મઝેદાર કિસ્સો  સંભળાવ્યો અગાઉ નેવીના જહાજ ઉપર તો બધા પુરૂષો જ હોય એટલે નાહવા માટે હારબંધ  ફૂવારાવાળી કેબીનો જોવા  મળે.  નૌસૈનિકો  સવાર પડતાની સાથે આવતા જાય,  કપડાં ઉતારતા જાય અને નાહતા જાય.  ત્યાં કોની શરમ નડે? આવી સ્થિતિ હતી.

બીજું એ વખતે બીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું બધા નૌજવાનો પોતાના દેશ વતી લડવા  સેનામાં ને નૌૈસેનામાં  જોડાવા માંડયા. એમાં કેટલીક યુવતીઓને પણ થયું કે   આપણે પણ દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ. એટલે  વેશપલ્ટો કરીને યુરોપના કોઈ એક દેશની  નૌસેનામાં સામેલ થઈ ગઈબોલો.'

મને અધવચ્ચે અટકાવી કાકાએ સવાલ કર્યો કે 'તે હમણાં જ કહ્યું ને કે જૂના વખતના જહાજોમાં  નાહવા માટે ખુલ્લા બાથરૂમ હતા?  તો આ વેશપલ્ટો કરીને આવેલી યુવતીઓ સવારે બધાની સાથે નાહવા જાય ત્યારે જવાનોને  ખબર ન પડે કે આ બધી યુવતીઓ છે?' મેં કહ્યું  ખબર તો પડી પણ ફરિયાદ કોણ કરે? હા... હા... હા...'

પથુકાકા બોલ્યા રાજકારણના હમામખાનામાં  આવું જ છેને? બધા ઊઘાડા પડે એમાં પછી કોણ તેની ફરિયાદ કરે?'

અંત-વાણી

એક તો ઉનાળાની અને બીજી ચૂંટણીની ગરમી વચ્ચે ગાવું પડે કેઃ

'દિલ્લી પુકારે આરે... આરે... આરે...

ડિલ (શરીર)  પુકારે નાહ-રે નાહરે..       નાહરે

અસહ્ય ગરમીથી છુટકારો મેળવવા મોર ગહેકાટ કરે છે મે આવ... મે આવ આ વખતે ચૂંટણીનું  રિઝલ્ટ મેમાં છે એટલે ઉમેદવારોય શું થશે એની ચિંતામાં  મે...આવ મે...આવ કરવા માંડયા છે.

કુંભમેળામાં કેટલાય નેતાને ડૂબકી મારતા જોઈ જૂની કહેવત એકાદ શબ્દના ફેરફાર સાથે કહેવાનું મન થાયઃ 'નેતા નહાય શું અને નીચોવે શું?'

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો