ભારતીય યુદ્ધ કેદીઓના ભથ્થામાંથી ચાના રૂપિયા કાપી લેવાયા

પોતે પીધેલી ચાના પૈસા પણ પાકિસ્તાની અધિકારીએ ભારતીયના ભથ્થામાંથી કાપી લીધા
કેદી છાવણીમાંથી ક્યારે છૂટાશે, એની તારીખ માટે બિયરની એક બોટલની શરત લાગી
પેથીઆ પણ કાંઇક આવું જ વિચારતા હતા- એ લોકોએ મને જીવતો શું કામ રાખ્યો? એ લોકોએ ધાર્યૂં હોત તો બહુ સહેલાઇથી મારો ઘડો લાડવો કરી નાંખ્યો હોત. મારા પર થયેલા અત્યાચારની આ બધી વાત રેડક્રોસને કહેવા, મને એ લોકોએ જીવતો શું કામ રાખ્યો ?
આજ પર્યત હજી લાપત્તા રહેલા ચાર ભારતીય પાયલોટોનું શું થયું હશે એની તો હવે કલ્પના જ કરવી રહી.
રેડક્રોસના પ્રતિનિધિની મુલાકાત પછી બધા જ યુધ્ધકેદીઓને ફટાફટ સારામાં સારી સારવાર અપાવા માંડી. ચકલાલા એરબેઝના મેડિકલ ઈન્સ્પેકશન રૂમમાં દરેકના એકસ-રે પાડવામાં આવ્યા અને મુલ્લા- ફિરોઝને તો લશ્કરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ પણ કરી દેવાયો.
યુધ્ધકેદીઓ પૈકીના સૌથી યુવાન કેદી ૨૫ વર્ષના ફલાઈંગ અફસર વી.એસ.ચાતીનું જડબું તુટી ગયું હોવાથી તેને જમતી વેળા બહુ તકલીફ પડતી હતી. એટલે તેના જડબાની નિયમિત ઈન્ફ્રારેડ ટ્રીટમેન્ટ માટે તેને મેડિકલ ઈન્સ્પેકશન રૂમમાં રાખવામાં આવ્યો અને તે પછી ડેન્ટિસ્ટ પાસે તેની સારવાર શરૂ કરાઈ.
ભાર્ગવે સતત બે દિવસ રણપ્રદેશમાં ઊંટ સવારી કરી હોવાથી તેને કરોડરજ્જુમાં દુઃખાવો ઉપડયો હતો. તેમને પણ કરોડરજ્જુની ખાસ સારવાર આપવાનું શરૂ કરાયું.
મેડિકલ ઈન્સ્પેકશન રૂમ, લશ્કરી હોસ્પિટલ કે ડેન્ટિસ્ટના દવાખાને યુધ્ધ કેદીઓને વાનમાં સારવાર માટે લઈ જવાય ત્યારે તેમની આંખે પાટા બાંધવાનું હવે બંધ કરાયુ હોવાથી આસપાસનો રહેણાંક વિસ્તાર, બજારો, શાળા, કોલેજો વિગેરેમાં થતી ચહલપહલ જોવાની તેમને તક મળતી.
દવાખાનાની આ વારંવારની મુલાકાતના કારણે યુધ્ધકેદીઓને ખબર પડી કે રાવલપિંડીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેમની યુધ્ધકેદી છાવણી માલરોડ નજીકમાં હતી.
માર્ગ પરની દુકાનોના તેમજ રસ્તાના નામોના મોટાભાગના બોર્ડ ઉર્દૂમાં હતા. પરંતુ થોડાક બોર્ડ અંગ્રેજીમાં પણ લખેલા હતા. બધા યુધ્ધકેદીઓ ઉર્દૂ ભાષામાં થતી વાતચીત સમજી શકતા'તા, પરંતુ ઉર્દૂ વાંચતા કોઈને જ આવડતું નહોતુ.
૧૯૭૨ની સાલમાં ચકલાલા રાવલપિંડીના કેન્ટોનમેન્ટમાં જ સત્તાનું કેન્દ્ર કાર્યરત હતુ. આ વિસ્તારમાં જ પાક પ્રમુખનું નિવાસસ્થાન હતુ. અને આ કેન્ટોનમેન્ટમાં જ પાકિસ્તાની લશ્કરનું વડુ મથક હતુ. ભારતીય જાંબાઝ પાયલોટોને તો એ વેળા ખબર નહોતી કે પાક પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો કે જેમના હાથમાં યુધ્ધકેદીઓના ભાવિનો ફેંસલો કરવાની મહત્વની સત્તા હતી, એ ઝુલ્ફીકાર ભુટ્ટોનું નિવાસ તેમની યુધ્ધકેદી છાવણીથી થોડેક જ દૂર હતું.
૧૯૭૨ના જાન્યુઆરી મહિનામાં પાક. પ્રમુખ ભુટ્ટો ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલા હતા. સૌથી મોટી સમસ્યા પાક. લશ્કરના જે ૯૩૦૦૦ જવાનોને ભારતે યુધ્ધકેદી બનાવ્યા હતા, તેમની વહેલી તકે મુક્તિ કરાવી પાછા લાવવાની હતી. પરંતુ બાંગ્લાદેશને પાકિસ્તાન પહેલા સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા આપે એવી બાંગ્લાદેશીઓની માંગણી હતી, અને ભારતનો બાંગ્લાદેશીઓની આ માંગણીને પુરેપુરો ટેકો હતો. પાક.ના ૯૩૦૦૦ યુધ્ધકેદીઓને છોડવા કે નહીં અને મુક્ત કરવા તો ક્યારે કરવા તેનો નિર્ણય ભારતે કરવાનો હતો.
પરંતુ બાંગ્લાદેશની ઇચ્છા તો પાકિસ્તાનના કેટલાક યુધ્ધકેદીઓ વિરૂધ્ધ ''વોર ક્રિમિનલ્સ''ના કેસો કરવાની હતી.
ભુટ્ટોની હાલત કફોડી થઇ ગઇ હતી.
બાંગ્લાદેશમાં ભારત દ્વારા યુધ્ધકેદી બનાવાયેલા પાક. લશ્કરના ૯૩૦૦૦ જવાનોને ભુટ્ટો છોડાવીને સહીસલામત પાકિસ્તાન પાછા ન લાવી શકે તો પાકિસ્તાનમાં તેમની સામે જબ્બર વિરોધ વંટોળ ઊઠે, અને બાંગ્લાદેશમાં થોડાઘણા પાક. લશ્કરી અફસરો પર ''વોર ક્રિમિનલ્સ''નો જો ખટલો શરૂ કરાય તો, તો ભુટ્ટોનું આવી જ બને. પાકિસ્તાનમાં લશ્કર તેમની સામે બળવો કરી ભુટ્ટોને ઊથલાવી નાંખે.
આવી દશા વચ્ચે ભુટ્ટોની તો નિંદ જ હરામ થઇ ગઇ.
દરમિયાન ભારતીય યુધ્ધકેદીઓ વારંવાર વાનમાં લશ્કરી હોસ્પિટલ જતી-આવતી વેળા ચકોર નજરે યુધ્ધકેદી છાવણીની આસપાસના વિસ્તારો અને માર્ગોનું અવલોકન કરતા રહેતા. થોડા દિવસમાં જ તેમને કેદી છાવણીથી ચકલાલા એરબેઝ સુધીના રસ્તાનો બરાબર ખ્યાલ આવી ગયો. વળી તેમને એ પણ જાણ થઇ ગઇ કે માલ રોડ આગળ જતા ગ્રાન્ડ ટ્રન્ક હાઇવેને મળે છે.
આ ગ્રાન્ડ ટ્રન્ક રોડ આગળ જઇ કલકત્તાથી તે છેક પેશાવર સુધી લંબાયેલો છે. માલ રોડ પર તમે ડાબી તરફ આગળ વધતા રહો તો છેલ્લે તમે ભારતીય બોર્ડર પર પહોંચી જાવ; પણ તમે જમણી તરફ આગળ જાવ તો એ રસ્તો તમને પેશાવર થઇ ખૈબર ઘાટના રસ્તે તમને છેક અફઘાનિસ્તાન લઇ જાય.
કુલ ૧૨ યુધ્ધકેદીઓ પૈકીના આઠને રોજ પ્રાથમિક સારવાર આપ્યા બાદ ફરી પાછા યુધ્ધકેદી છાવણીમાં રવાના કરી દેવાતા હતા પરંતુ ફ્લાઇટ લેફટનન્ટ પેથીઆ સહિત ચારને વધુ સારવાર માટે પાક. લશ્કરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આથી હવે કેદી છાવણીમાં બાકી રહેલા ભારતીય હવાઇદળના આઠ જાંબાઝ પાયલોટો સવાર સાંજ છાવણીના કમ્પાઉન્ડમાં બેસીને ટોળટપ્પા કરતા હતા.
યુધ્ધમાં ભારતના જ્વલંત વિજયની પાક્કી ખબર હવે એ બધાને મળી ચુકી હતી એટલે ગમે ત્યારે વતન વાપસી થવાનો તેમનો આશાવાદ વધી ગયો હતો.
એક દિવસ ફાઇટર પ્લેનના આ પાયલોટોએ કઇ તારીખે તેમને સ્વદેશ પાછા જવા મળશે તેના વિશે શરત લગાવી. આવી બધી ગણત્રીમાં પોતાને બહુ કાબેલ અને પાક્કા માનતા ૨૯ વર્ષના ફ્લાઇટ લેફટનન્ટ ગ્રેવાસે કહ્યું તા.૨૯ મે એ આપણને બધાને ભારત પાછા મોકલી દેવાશે- શરત લાગી બિયરની એક બોટલની. બીજા કેટલાકે પોત-પોતાની રીતે ગણત્રી માંડીને ઘર વાપસી માટે માર્ચ કે એપ્રિલ મહિનાની જુદી જુદી તારીખો કહી.
દરમિયાન રેડક્રોસના પ્રતિનિધિએ અગાઉ કહ્યા મુજબ જાન્યુઆરી મહિનામાં દરેક યુધ્ધકેદીને માસિક ભથ્થું અપાયું. પહેલા મહિને રૂા.૫૭ ભથ્થું ચુકવવાનું હતું. પરંતુ એકેયને પુરા રૂા.૫૭ ન ચુકવાયા.
ભારતીય પાયલોટોએ કારણ પૂછ્યું કે અમારા માસિક ભથ્થામાંથી શેના પૈસા કાપી લેવાયા છે? ત્યારે જે જવાબ મળ્યો એ સાંભળીને બધા ચોંકી ગયા.
યુધ્ધકેદી તરીકે પકડાયા પછી શરૂઆતના દિવસોમાં તો ભારતીય યુધ્ધ કેદીઓની રોજ પાક અફસરો દ્વારા પૂછપરછ થતી હતી. આ પૂછપરછ દરમિયાન તેમને ચાની ઓફર કરી એક કપ ચા પીવડાવાતી હતી. પૂછપરછ વખતે પીવડાવેલી આ બધી ચાનું ટોટલ મારીને માસિક ભથ્થામાંથી એટલા રૂપિયાની કપાત કરી નંખાઇ હતી. વાત આટલેથી જ અટકી હોત તો ભારતીય પાયલોટો કદાચ ચોંક્યા ન હોત. પણ પૂછપરછ કરવા બેઠેલા પાક. અફસરોએ જેટલા કપ ચા પીધી એનું ટોટલ મારીને એ પૈસા પણ કેદીઓના ભથ્થામાંથી કાપી લેવાયા....!
આનાથી વધારે હલકટાઇની વાત તો ૨૫ વર્ષના ફલાઇંગ ઓફિસર વી.એસ. ચાતી સાથેની છે. વી.એસ. ચાતીને પૂછપરછ માટે લઇ જવાતા હતા એ વેળાની આ વાત છે. એક દિવસ પૂછપરછ દરમિયાન સજ્જન જેવા લાગતા પાક. અફસરે ચાતીને પૂછ્યું, તને અહીં કોઇ તકલીફ તો નથીને ? ખાવા-પીવાનું તો બરાબર મળે છે ને ?
જવાબમાં ચાતીએ કહ્યું, ''રોટી બહુ ચવ્વડ જેવી આવે છે. મારાથી બરાબર ચવાતીય નથી. કારણ કે હજી મારૂં જડબું દુઃખ્યા કરે છે.''
તારાથી રોટલી નથી ચવાતી ? તો કાલથી તને ચાઇનીઝ ફુડ મોકલાવું ?
બીજા દિવસથી ચાતીને ભોજનમાં નુડલ્સ અને રાઇસ આવવા માંડયા. ચાતી તો ખુશ થઇ ગયા; તેમને થયું ભલું થજો, એ પાક. અફસરનું જેના કહેવાથી મને નુડલ્સ ખાવા મળે છે..
Comments
Post a Comment